આ ગાય અમારી છે કહીને પશુપાલકોએ PSIને લાફો મારીને ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ પર હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. સીંગરવા રોડ પર ગઇકાલે CNCDની ટીમ અને પોલીસ પર પશુપાલકો હુમલો કરીને ગાય છોડાવીને લઇ ગયા હતા. હુમલાખોરોએ પોલીસ કર્મીની વર્દી પણ ફાડી નાખી હતી. મણીનગર વિસ્તારમાં આવેલા કૈવલ ધામ ટેનામેન્ટમાં રહેતા પ્રશાંત સથવારાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં રિતેશ રબારી, અમિત રબારી (બન્ને રહે, વડવાળી ચાલી, સિંગરવા રોડ, ઓઢવ) સહિત બે લોકો વિરૂદ્ધ હુમલો તેમજ સરકારી કામમાં રૂકાવટ ઉભી કરવાની ફરિયાદ કરી છે.
પ્રશાંત સથવારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ત્રાસ અંકુશ વિભાગ (CNCD)ના ખાતામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે રાબેદામુજબ પ્રશાંત સથવારા તેમની ટીમ અને PSI સહિત પોલીસની ટીમને લઇને વિરાટનગર પૂર્વ ઝોનની ઓફિસથી નીકળ્યા હતા. CNCDની ટીમ ઢોર પકડવા માટે ઓઢવ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં ઇન્દોર હાઇવે પર જાહેરમાં એક ગાય ઉભી હતી. CNCDની ટીમ ગાયને પકડીને ડબ્બામાં પુરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન ચાર શખસો આવ્યા હતા. ચારેય શખ્સો આવતાની સાથે કહેવા લાગ્યા હતા કે, જે ગાય તમે પકડો છો તે અમારી છે. ગાયના માલિકે પોતાની ઓળખ રિતેશ આપી હતી. જ્યારે બીજા શખસે પોતાની ઓળખ અમિત અરજણભાઇ આપી હતી. બન્ને જણાએ ગાયને ડબ્બામાં પુરવા દીધી નહીં અને બબાલ શરૂ કરી દીધી હતી. રિતેશ અને અમીત સહિતના લોકોએ CNCDની ટીમ સાથે બબાલ કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા.
CNCDની ટીમે અપશબ્દો બોલવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાયા હતા અને હુમલો કરી દીધો હતો. CNCDની ટીમ પર હુમલો કરીને ગડદાપાટુનો માર મારતા PSI સહિત પોલીસની ટીમ વચ્ચે પડી હતી. PSI આર.એસ.નામદાસ હુમલાખોરોને પકડવા માટે વચ્ચે પડ્યા ત્યારે રિતેશે તેમને ગાલ પર લાફો મારી દીધો હતો. PSIને લાફો મારતા CNCDની ટીમ ચોંકી ઉઠી હતી. PSI સાથે મારામારી કરી તેમની વર્દી પણ ફાડી નાખી હતી. દરમિયાનમાં હુમલાખોરોએ વાતાવરણ તંગ કરીને ગાયને ભગાડી દીધી હતી. હુમલાની આ ઘટના જોઇને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. જેના કારણે રિતેશ અને અમિત સહિતના લોકો ત્યાથી નાસી ગયા હતા. સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સથવારાએ તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી દીધી હતી. CNCDની ટીમ પર હુમલાની જાણ થતાની સાથે જ ઓઢવ પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઓઢવ પોલીસે આ મામલે રિતેશ, અમીત સહિતના લોકો વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.