ટ્રમ્પની જીત સાથે જ ક્રિપ્ટો માર્કેટની તેજી અટકવાનું નામ નથી લઈ રહી. બિટકોઈન, ઈથેરિયમ, ડોજકોઈન સહિત ટોચની ક્રિપ્ટો કરન્સી આકર્ષક ઉછાળા સાથે આગેકૂચ કરી રહી છે. આજે બિટકોઈન વધુ 10 ટકા ઉછળી 89859.65ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. જે ઝડપથી 1 લાખ ડોલરની સપાટી ક્રોસ કરશે તેવો આશાવાદ ક્રિપ્ટો નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
બિટકોઈન આજે 10.66 ટકાથી વધુ ઉછાળા સાથે 89000 ડોલરનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જેમાં વોલ્યૂમ 73.63 ટકા વધી 134.24 અબજ ડોલર નોંધાયા છે. ટ્રમ્પની ડિજિટલ કરન્સી પ્રત્યે ઉદાર નીતિઓની અપેક્ષાએ વૈશ્વિક સ્તરે ક્રિપ્ટો માર્કેટમાં 307.6 અબજદ ડોલરના વોલ્યૂમ જોવા મળ્યા છે. જે ગઈકાલની તુલનાએ 42.90 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ સાથે ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપ 9.24 ટકા વધી 2.98 લાખ કરોડ ડોલર નોંધાઈ છે.
ટ્રમ્પ હંમેશાથી ક્રિપ્ટો માર્કેટની તરફેણમાં રહ્યા છે. તેમની જીત સાથે ક્રિપ્ટો રેગ્યુલેટર્સ અને ડિજિટલ કરન્સી માર્કેટ પ્રત્યે ઉદાર નીતિઓ લેવાય તેવી આશાઓ સાથે ક્રિપ્ટો રોકાણકારો અને સંસ્થાકીય રોકાણકારો ક્રિપ્ટો માર્કેટમાં રોકાણ વધારી રહ્યા છે. ક્રિપ્ટો ઈટીએફમાં નેટ ફ્લો સતત વધી રહ્યો છે. વિશ્વની ટોચની અને મોંઘી ક્રિપ્ટો કરન્સી બિટકોઈનમાં ખરીદી ફરી પાછી વધી છે. જેનો માર્કેટ હિસ્સો એક તબક્કે 45 ટકા થયો હતો. જે હવે પાછો વધી 58.9 ટકા થયો છે. એક તરફ એશિયન, યુરોપિયન અને અમેરિકન શેરબજારમાં ભારે વોલેટિલિટી બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે, કિંમતી ધાતુ બજાર પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં આવેલા તેજીના ઘોડાપુરમાં સંસ્થાકીય રોકાણકારો ક્રિપ્ટો માર્કેટ તરફ ડાયવર્ટ થયા છે.