નવી દિલ્હી : સમગ્ર દેશમાં 22 કરોડથી વધુ બેંક ખાતાઓમાં કેવાયસી અપડેટ કરવામાં આવી નથી. તેમાંથી લગભગ 1.25 કરોડનાં જન-ધન ખાતા છે. નાણા મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે, તમામ બેંકોએ ખાતાધારકોને ફરીથી કેવાયસી કરવા માટે વિશેષ અભિયાન ચલાવવું જોઈએ. જો જરૂરી હોય તો, કામચલાઉ કર્મચારીઓની નિમણૂક પણ કરવી જોઈએ જેઓ ફક્ત કેવાયસી અપડેટ કરવાનાં કામ પર દેખરેખ રાખશે.
ખાતામાંથી લેવડ-દેવડ પણ અટકી
મંત્રાલય સાથે સંકળાયેલાં સૂત્રોનું કહેવું છે કે, કેવાયસી અપડેટ ન થવાને કારણે કરોડો લોકો ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરી શકતાં નથી. ખાસ કરીને જન ધન ખાતા દ્વારા દેશનાં કરોડો લોકોને સરકાર દ્વારા ચલાવવામાં આવતી જન કલ્યાણ યોજનાઓનો સમયસર લાભ મળી રહ્યો નથી.
ખાતાધારકો વૃદ્ધાવસ્થા પેન્શન અને અન્ય યોજનાઓ દ્વારા મેળવેલાં નાણાં ઉપાડી શકતાં નથી, ન તો સરકાર કેવાયસી અપડેટના કિસ્સામાં આ ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરવામાં સક્ષમ છે.
61 કરોડ ખાતા નિષ્ક્રિય
હાલમાં સમગ્ર દેશમાં 61 કરોડથી વધુ ખાતા નિષ્ક્રિય છે. તેમાંથી 22 કરોડથી વધુની કેવાયસી અપડેટ કરવામાં આવી નથી. મંત્રાલયનું માનવું છે કે જો કેવાયસી અપડેટ થશે તો કરોડો નિષ્ક્રિય બેંક ખાતાઓમાં વ્યવહારો શરૂ થશે. દેશમાં એવાં ઘણાં લોકો છે જેઓ નથી જાણતાં કે તેમનું બેંક એકાઉન્ટ કેમ બંધ કરવામાં આવ્યું છે.
બેંકોને વિશેષ ઝુંબેશ ચલાવવાની સૂચના
આરબીઆઇએ સૂચના આપી છે કે, બેંકોએ ત્યાં સંચાલિત ખાતાઓ સંબંધિત તમામ માહિતી અપડેટ રાખવી જોઈએ. જે ખાતાઓની કેવાયસી વિગતો જૂની થઈ ગઈ છે તે ખાતાઓની ફરીથી કેવાયસી તબક્કાવાર રીતે પૂર્ણ કરવી જોઈએ.
કેવાયસી અપડેટ કરવા માટે ગ્રાહકોને અલગથી મેસેજ મોકલવા જોઈએ. બેંક શાખાઓએ તેમનાં માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ, જેથી ખાતાધારકો તેમનાં કેવાયસી અપડેટ કરવા માટે આગળ આવી શકે.