Stock Today

2024

india

મફત રાશન લેવાની વૃતિ વધી છે, કોવિડ કાળ અલગ હતો : સુપ્રિમની ટકોર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે મફત રાશન પર આકરી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાશનકાર્ડ પર મફત ખોરી વધી રહી છે. કોવિડનો સમયગાળો અલગ હતો, જ્યારે સ્થળાંતર કામદારોને રાહત આપવા માટે મફત રાશન આપવામાં આવ્યું હતું.  મંગળવારે જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે તમામ પરપ્રાંતીય કામદારો માટે મફત રાશનની માંગ કરતી એક એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. એનજીઓના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલાં તમામ કામદારોને મફત રાશન અને રેશન કાર્ડ આપવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ તેમ થઈ રહ્યું નથી.  તેનાં પર જસ્ટિસ કાંતે કહ્યું કે, રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ સત્તાવાર દસ્તાવેજ છે જે વ્યક્તિની ઓળખ અને અધિકારો સાથે જોડાયેલ છે. મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે આપણે મફતમાં મળતી વસ્તુઓ પર વધુ ધ્યાન આપીએ છીએ. હવે તેમાં વધારો થઈ રહ્યો છે. કોવિડનો સમય અલગ હતો, પરંતુ હવે આપણે તેનાં પર વિચાર કરવો પડશે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજદારના વકીલ ભૂષણની દલીલો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર 2013ના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમથી બંધાયેલી છે અને કાયદાકીય રીતે જે પણ સત્તા આપવામાં આવશે તે આપવામાં આવશે. કોવિડ દરમિયાન, એવી કેટલીક એનજીઓ હતી જેણે રોગચાળા દરમિયાન ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું ન હતું અને તે એફિડેવિટ પર કહી શકે છે કે અરજદાર તે એનજીઓમાંથી એક છે. ખંડપીઠે કહ્યું કે, આ દાવો વિરોધી નથી અને કોર્ટ બંને પક્ષોને સમાવવા માટે એક સામાન્ય કારણ શોધવાનો પ્રયાસ કરશે. કેસની આગામી સુનાવણી 9 ડિસેમ્બરે થશે.આ કેસમાં, 2 સપ્ટેમ્બરના રોજ, સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને 2021 અને તે પછીનાં સ્થળાંતર કામદારોને રેશન કાર્ડ અને અન્ય કલ્યાણના પગલાં પ્રદાન કરવા માટેના તેનાં નિર્દેશોનું પાલન કરવાની વિગતો આપતું એફિડેવિટ ફાઇલ કરવા કહ્યું હતું. આના પર, કેન્દ્રએ કહ્યું હતું કે તે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ પાત્રતા ધરાવતાં તમામ લોકોને રાશન પ્રદાન કરી રહ્યું છે.

gujarat

બેંગકોકથી ફ્લાઈટ લેન્ડ થઈ પણ 170 પેસેન્જરના લગેજ નહીં આવતા હોબાળો

અમદાવાદ એરપોર્ટ પર રવિવારે મોડી રાત્રે થાઇ એરવેઝની બેંગકોકની ફ્લાઈટ લેન્ડ થઈ હતી. પરંતુ પેસેન્જરના લગેજ ન આવતા ભારે હોબાળો થયો હતો. મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે, પેસેન્જરો અને એરલાઈનનો સ્ટાફ સામ સામે આવી ગયા હતાય બેંગકોકથી અમદાવાદથી ફ્લાઈટમાં 170 પેસેન્જર સવાર હતા. ફ્લાઇટ લેન્ડ થયા બાદ પેસેન્જરો ઉતરીને લગેજ લેવા માટે કન્વેયર બેલ્ટ પાસે પહોંચ્યા હતા પરંતુ 170 લગેજ આવ્યા ન હતી. આમ પેસેન્જરોએ ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીને પૂછપરછ કરતા તેમને યોગ્ય જવાબ મળ્યો ન હતો. લગેજ ન આવતા મોટી સંખ્યામાં પેસેન્જરો એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા. કેટલાકની બેગમાં કીમતી સમાન હોવાથી ખોવાઈ જશે તેનો જવાબદાર કોણ? તે મુદ્દે એરલાઇન સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી. એરલાઈને મિસિંગ લગેજનું ફોર્મ ભરાવીને તેમને ઘરે પહોંચાડવાની બાહેધારી આપી હતી. થાઇ એરવેઝની અમદાવાદથી બેંગકોકની ફ્લાઈટ આગળ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ઓનવર્ડ કનેક્શનની સુવિધા આપે છે. રિટર્નમાં પણ આ ફ્લાઈટ ફુલ હોવાને કારણે પેસેન્જરોના લગેજ વધુ હોય છે જેથી છેલ્લા કેટલાય દિવસથી 60થી 70 બેગો રહી જતી હોય છે. એરલાઇન રહી ગયેલી બેગો બીજા દિવસની ફ્લાઈટમાં મોકલે છે. આ સેક્ટર પર નાનું વિમાન ઓપરેટ થતું હોવાથી પેસેન્જરોની બેગોનો ભરાવો થઈ જાય છે.

World

જાપાનમાં ટીનેજર છોકરીઓમાં.. ગરમ ગુંદરથી આંસુના ટીપા જેવો શેપ રચવાનો ટ્રેન્ડ !!

ટોકયો : જાપાનમાં થોડા સમય પહેલા ચહેરો જોઇને જ માંદગી વ્યકત થાય એવો મેકઅપ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો. તાજેતરમાં એનાથીયે અલગ ટ્રેન્ડ શરૂ થયો છે. આંખમાંથી મોટા-મોટા આંસુડા સારવારનો, યંગ અને ટીનેજર છોકરીઓ ચહેરા પર ગરમ ગુંદરથી આંસુનાં ટીપાનો શેપ ચહેરા પર થ્રી ડાઇમેન્શનમાં બનાવે છે. ગુંદર સહેજ ગરમ  હોવાથી ત્વચા પર ચીટકી જાય છે. પહેલા પ્લાસ્ટિક શીટ પર ગુંદરની ગનમાંથી આંસુનો શેપ બનાવવામાં આવે. એ ટીપું સેટ થઇને સહેજ ઠંડુ પડે એટલે શીટ પરથી કોઇને ચહેરા પર લગાવી દેવામાં આવે. ચહેરા પર એ ચીટકી રહે એ માટે આઇલેશિઝ લગાવવા માટે વપરાતો ગ્લુ યુઝ કરવામાં આવે. સહાનુભૂતિ મેળવવાના હેતુથી આ મેકઅપ-ટ્રેન્ડ શરૂ થયો છે. પણ ડર્મેટોલોજિસ્ટનું કહેવું છે કે એનાથી સ્મૂધ અને સિલ્કી સ્કીનને નુકસન થઇ શકે છે. 

World

બાંગ્લાદેશમાં રેલી કાઢનાર ઈસ્કોનના ચિન્મયા કિષ્ના દાસ પ્રભુની ધરપકડ

ઢાંકાઃબાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવા બદલ ઈસ્કોનના ચિન્મયાની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની ઢાકા એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસે રાજદ્રોહના કેસમાં તેની ધરપકડ કરી છે. ચિન્મય ક્રિષ્નાદાસ પ્રભુએ 22 નવેમ્બરે બાંગ્લાદેશના રંગપુરમાં હિન્દુઓના સમર્થનમાં રેલી યોજી હતી. માનવામાં આવે છે કે તેના કારણે પ્રભુ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ રેલીમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં રહેતા લઘુમતી હિંદુઓ નિશાના પર છે, વિદ્યાર્થી આંદોલન દરમિયાન હિંદુઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે બાંગ્લાદેશના ખુલના મહેરપુર સ્થિત ઈંજઊંઈઘગ મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના કારણે શેખ હસીનાનું પતન થયું હતું. નોંધનીય છે કે. ઓક્ટોબર 2024માં ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ પર બાંગ્લાદેશમાં દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો બાંગ્લાદેશમાં ISKCONના મોટા ચહેરા પર કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ ચિન્મય દાસ બ્રહ્મચારી સહિત હિંદુ સંગઠનના 19 અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે, જેમાં ઈસ્કોન સેક્રેટરી સહિત હિંદુ સંગઠન સાથે જોડાયેલા લોકો અને કાર્યકરોનો આરોપ છે કે, એક પ્રદર્શન દરમિયાન આ તમામ આરોપીઓએ તેનો ઉપયોગ કર્યો હતો. ધ્વજની ટોચ પર ભગવો લહેરાવ્યો હતો. Related News

Business

ડિસેમ્બરમાં 10 જેટલી કંપનીઓ 20 હજાર કરોડનો આઈપીઓ લાવવા સજજ

મુંબઈઃપ્રાઈમરી બજારમાં હાલ ઉત્સાહ જળવાઈ રહ્યો છે અને આગામી મહિનામાં કમ સે કમ 10 કંપનીઓ ઈનિશિટલ પબ્લિક ઓફર (આઈપીઓ)થી 20 હજાર કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારી કરી રહી છે. મર્ચન્ટ બેન્કરનું કહેવું છે કે આગામી મહિને એટલે કે ડિસેમ્બરમાં સુપર માર્ટ વિશાળ મેગા માર્ટ અને બ્લેક સ્ટોનની માલિકી વાળા ડાયમંડ ગ્રેડીંગ કંપની ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઈન્સ્ટિટયુટ (ઈન્ડિયા) લિમિટેડ સહિત 10 કંપનીઓ જાહેર આઉટપુટ લાવવાની તૈયારીમાં છે. તેમણે જણાવ્યું હતું કે, તેમાં શિક્ષણ-કેન્દ્રીત બિન બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) અવાંસે ફાયનાન્શિયલ સર્વિસીઝ ટીપીજી કેપીટલ સમર્થિત સાઈ લાઈફ સાયન્સીઝ હોસ્પિટલ શૃંખલા પરિચાલક પારસ હેલ્થ કેર અને રોકાણ બેંક ડીએએમ કેપિટલ એડવાઈઝર્સ પણ સામેલ છે. આ કંપનીઓનું લક્ષ્ય પોતાના આઈપીઓ દ્વારા કુલ 20 હજાર કરોડ રૂપિયા મેળવવાનું છે. આ આઈપીઓ વિભિન્ન ક્ષેત્રો અને આકારના હશે. તેમાં નવા શેરોનું આઉટપુટ અને વેચાણ બન્નેના વેચાણની ઓફર સામેલ છે. ઓનલાઈન બ્રોકરેજ હાઉસ ટ્રેડજિનીના સીઓઓ ત્રિવેશ ડીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોએ બજારમાં સકારાત્મક ધારણા પેદા કરી છે. આથી આઈપીઓ ગતિવિધિમાં ઝડપ આવશે. તેમણે જણાવ્યું હતું કે 2024 આઈપીઓ માટે એક મજબૂત વર્ષ રહ્યું છે. જોકે હાલમાં શેર બજારે કેટલોક સંઘર્ષ કરવો પડયો છે. હાલમાં ચૂંટણી સંબંધી ફંડો બજારમાં પાછા આવી રહ્યા છે. વિશાલ મેગા માર્ટ સાર્વજનિક આઉટપુટમાંથી આઠ હજાર કરોડ બનાવી રહ્યું છે. જેમોલોજીકલ ઈન્સ્ટિટયુટ આઈપીઓથી 4 હજાર કરોડ મેળવવાની આશા રાખી રહ્યું છે. આ શિવાય સુરક્ષા ડાયગ્નોસ્ટિક, પેકેજીંગ ઉપકરણ નિર્માણ મમતા મશીનરી અને ટ્રાન્સ રેવ લેઈટીંગ આવતા મહિને પોતપોતાના આઈપીઓ લાવશે.

gujarat

દિવાળીની રજામાં ગુજરાતમાં 61 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા

ગાંધીનગરઃદેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો અને યાત્રાધામ જેમ કે સ્ટેચ્યુ ઑફ યુનિટી-આકર્ષણો, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, પાવાગઢ દિર, અંબાજી મંદિર, ગિરનાર રોપવે, સાયન્સ સિટી, વડનગર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, નડાબેટ, મોઢેરા સૂર્ય મંદિર, સ્મૃતિવન, ગીર અને દેવળીયા તેમજ દાંડી સ્મારક ખાતે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. અમદાવાદમાં સાડા પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ કાંકરિયા પરિસરમાં વિવિધ આકર્ષણોની મોજ માણી હતી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને મંદિરોમાં સૌથી વધુ દ્વારકામાં 13 લાખથી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હતાં.  કચ્છમાં રણોત્સવ શરૂ, ગતવર્ષે 7.42 લાખ પ્રવાસીઓ આવ્યા હતાદેશ વિદેશના પ્રવાસીઓના ફેવરિટ ગણાતા રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ યોજવામાં આવે છે. રણોત્સવ 2024-25માં એડ્વેન્ચર ઝોન (20 અલગ-અલગ એડ્વેન્ચર પ્રવૃત્તિઓ જેવી કે પેરા મોટરિંગ, એ.ટી.વી રાઈડ વગેરે), ચિલ્ડ્રન એક્ટિવિટી વિથ ફન/નોલેજ પાર્ક (10 અલગ-અલગ પ્રવૃત્તિઓ જેમ કે, ન્યુટ્રિશનની સમજ આપતી ગેમ અને એક્ટિવિટી, વી. આર ગેમ ઝોન વગેરે)નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ G-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.

Business

બેંકોના ATM માંથી નાની નોટો પણ મળશે, રિઝર્વ બેન્કે સૂચના જારી કરી

ન્યુ દિલ્હી : લાંબા સમયથી બેંકના એટીએમમાં માત્ર 500 રૂપિયાની નોટો જ નીકળે છે. જેના કારણે બજારમાં ખરીદીના સમયે ટ્રાન્ઝેક્શન માટે નાની નોટોની અછતની સમસ્યા વધી રહી છે, જેને જોતા બેંકોએ એટીએમ મશીનમાં રૂ.500 તેમજ રૂ.200 અને રૂ.100ની નોટો લોડ કરવાનું શરૂ કરી દીધું છે. SBI સહિત તમામ મોટી બેંકોના ATMમાંથી રોકડ ઉપાડતી વખતે, લોકોને નિર્ધારિત રકમમાં મોટાભાગે રૂ. 500ની નોટો મળશે, પરંતુ કેટલીક રૂ. 200 અને રૂ. 100ની નોટો પણ તેમના હાથમાં આવશે. ટ્રાન્ઝેક્શનમાં નાની નોટોની અછતને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ આ અંગે બેંકોને માર્ગદર્શિકા જારી કરી છે. ઈન્ડિયન બેંક સ્ટાફ એસોસિએશનના પ્રમુખ મનોજ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, એટીએમમાં રૂ. 200 અને રૂ. 100 ની નોટો જારી કરવાથી લોકોને ખરીદી કરતી વખતે લેવડ-દેવડમાં થતી સમસ્યાઓમાંથી થોડીક અંશે રાહત મળી શકશે. મોટાભાગના એટીએમ મશીનોમાં રૂ. 500 તેમજ રૂ. 200 અને રૂ. 100ની નોટ ફરજિયાત દાખલ કરવાની સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

india

આઠ હજાર કરોડના ખર્ચે ત્રણ મલ્ટીટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટને મોદી કેબિનેટએ મંજૂરી આપી

નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. આજે લેવામાં આવેલા નિર્ણયોમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ, પેપરલેસ પાન સિસ્ટમની રચના, રાષ્ટ્રવ્યાપી એકેડમિક સબસ્ક્રીપ્શન સ્કીમ, હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ  અને રેલવેનું વિસ્તરણ જેવા નિર્ણયો સામેલ છે.કનેક્ટિવિટી વધારવા માટે કેબિનેટે ૭૯૨૭ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ મલ્ટી ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે ૨૪૮૧ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. કેમિકલ મુક્ત ખેતીના પ્રસાર માટે આ મિશનની રચના કરવામાં આવશે અને તે ખેતી તથા ખેડૂતોના કલ્યાણ મંત્રાલયને આધીન કાર્ય કરશે. સંશોધનને વેગ આપવા માટે અટલ ઇનોવેશન મિશન (એઆઇએમ) ૨.૦ શરૂ કરવાને મંજૂરી આપવામાં આવી છે. ૩૧ માર્ચ, ૨૦૨૮ સુધી અમલીકરણ કરવા માટે ૨૭૫૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  કેબિનેટે પાન-૨ પેપરલેસ એન્ડ ઓનલાઇન સિસ્ટમને પણ મંજૂરી આપવામાં આવી છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન)ની પેપરલેસ પ્રોસેસ માટે આ ઓનલાઇન સિસ્ટમ શરૂ કરવામાં આવશે.  કેબિનેટે શિક્ષણ જગત માટે વન નેશન વન સબસ્ક્રીપશન સ્કીમને પણ મંજૂરી આપી છે. આ સ્કીમ માટે ૬૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓ સમગ્ર દેશના રિસર્ચ આર્ટીકલ અને જર્નલ વાંચી શકશે. વિદ્યાર્થીઓ અને સંશોધકો વિના મૂલ્યે આ સેવાનો લાભ લઇ શકશે.  અરૂણાચલ પ્રદેશના શી યોમી જિલ્લામાં ૧૯૩૯ કરોડ રૂપિયાના ખર્ચે હાઇડ્રો ઇલેકટ્રિક પ્રોજેક્ટની રચનાને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં વીજ ઉત્પાદન વધારવા માટે આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

Ahmedabad

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAY યોજના અંતર્ગત 2024માં કુલ 1595 દર્દીની સારવાર કરી 9 કરોડના ક્લેઈમ મેળવ્યા

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAY યોજના અંતર્ગત કરેલી સારવાર અને ક્લેઈમની વાત કરીએ તો 2022માં 940 દર્દીઓની સારવાર સામે 4 કરોડ 4 લાખ 56 હજાર 345ની રકમના ક્લેઈમ કર્યા છે. 2023માં કુલ 2411 દર્દીની સારવાર કરી છે જેની સામે 13 કરોડ 44 લાખ 35 હજાર 682 રકમના ક્લેઈમ કર્યા છે. 2024માં કુલ 1595 દર્દીની સારવાર કરી છે જેની સામે 8 કરોડ 99 લાખ 60 હજાર 281ની રકમનો ક્લેઈમ કર્યા છે. ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના અંતર્ગત એનરોલમેન્ટ બાદ 2021 થી 2024 દરમિયાન કુલ 4947 દર્દીઓની સારવાર કરી છે જેની સામે કુલ 26 કરોડ 48 લાખ 52 હજાર 308 રકમના ક્લેઈમ કર્યા છે. આ તમામ સારવારની પ્રતિ દર્દી દીઠ સરેરાશ રકમ ગણીએ તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પેશન્ટ દીઠ સરેરાશ 53,548 રકમનો ક્લેઈમ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ક્લેઈમમાં સૌથી મોટી રકમનો ક્લેઈમ 2024ના ઓક્ટોબર માસમાં તારીખ 1 અને તારીખ 28 ના રોજ કરવામાં આવ્યો છે. આ રકમ રૂપિયા 4 લાખ 53 હજાર 200 છે જ્યારે સૌથી ઓછી રકમના ક્લેઇમ વર્ષ 2023ના ડિસેમ્બર માસ ની 7 તારીખના રોજ કર્યો છે. આ ક્લેઈમ ની રકમ 2145 છે.

Ahmedabad

કાંટાળી કેડીને પુષ્પાચ્છાદિત બનાવવા માટે કર્મસંગ્રામ ખેલવો પડેઃપંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજ

શ્રી વિરમગામ શ્વે. મૂ. પૂ. જૈન સંઘના આરાધના ભવનમાં જૈનાચાર્ય પૂ. ચન્દ્રજિતસૂરિજી મહારાજ અને પૂ. પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજ આદિ ૯ શ્રમણ ભગવંતોની પાવન નિશ્રામાં ૨૫૯૩ મા વિશ્વ વંદનીય પ્રભુ મહાવીરદેવના દીક્ષા કલ્યાણકની ભવ્ય ઉજવણી થઈ હતી. પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે આ પાવન પ્રસંગે જણાવ્યું હતું કે, સાધનાની કેડી કાંટાળી છે. કાંટાળી કેડીને પુષ્પાચ્છાદિત બનાવવા માટે કર્મસંગ્રામ ખેલવો પડે. પ્રભુ મહાવીરે સાડાબાર વર્ષ સુધી કર્મો સામે બહારવટું ખેલ્યું હતું. સાધનાના માર્ગમાં સફળ થવા સત્વ ફોરવવું જોઈએ. પ્રભુ મહાવીરદેવે જગત માત્રને સુખી કરવા માટે જાતને ઘસીને જગતનું કલ્યાણ કર્યું હતું. પ્રભુ મહાવીરદેવે રૂડા રાજમહેલના વૈભવી સુખોનો ત્યાગ કરી સાધનાનું જીવન સ્વીકાર્યું હતું. દુઃખોના દાવાનળમાં સેકાતા જીવો ઉપર પ્રભુની અપાર કરૂણા હતી. કરૂણા અને વૈરાગ્ય સાધનાના સમયમાં ટોચ કક્ષાએ જોવા મળે છે. જગતનાં જીવોની દુઃખમુકિત અને દોષમુક્તિ એ પ્રભુવીરનું લક્ષ્ય હતું. આ લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રભુએ સાડા બાર વર્ષ સુધી હસતે મુખે કષ્ટોને સહન કર્યા હતા. સાધના- કાળ દરમ્યાન પ્રભુએ આ જગનને ત્રણ સંદેશ પાઠવ્યા હતા. સંક્ટોનો સામનો નહીં પણ સ્વીકાર કરજો. જગતને પમાડવા માટે સ્થૂલબળ નહીં પણ સુક્ષ્મબળ જોઈશે. અત્યારે લાઠી કરતાં પલાઠી ની વધારે જરૂર છે. સંકટોને આજનો માણસ કંટક સ્વરૂપે જુવે છે માટે જ દુઃખી થાય છે. આફતને જે અવસર બનાવે છે તે જ સાચા અર્થમાં મહાવીર છે. સાધનાના કાળમાં શત્રુને પણ મિત્ર બનાવવાની કળા પ્રભુ મહાવીરે સિદ્ધ કરી હતી. વાસ્તવમાં આપણા બાહ્ય શત્રુઓ કોઈ છે જ નહીં. આપણે જ માનસિક રીતે શત્રુઓ ઊભા કર્યા છે. આંતરરશત્રુઓ જ આપણા સાચા અર્થમાં શત્રુઓ છે. શત્રુઓને પણ મૈત્રી અને પ્રેમ દ્વારા વશ કરવાની સાધના પ્રભુવીરે કરી હતી.

Scroll to Top