ગુજરાતની આઠ મનપામાં મેયરોની ચૂંટણી માટેનું રોસ્ટર શેડ્યૂલ જાહેર
ગુજરાતમાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરોની ચૂંટણી અંગેનું રોસ્ટર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આગામી 2026માં ચૂંટણી થશે. જેમાં મેયરોની અઢી-અઢી વર્ષની મુદત મળશે. અગાઉ 2021માં મેયરની ચૂંટણી થઈ હતી, જ્યારે જૂનાગઢમાં છેલ્લે 2019માં મનપાની ચૂંટણી થઈ હતી. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ સહિત આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરોની ચૂંટણીનું નોટિફકેશન જાહેર કરાયું છે. જેમાં અમદાવાદમાં આગામી મેયર પ્રથમ અઢી વર્ષ માટે પછાત વર્ગમાંથી અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર મળશે. ગાંધીનગરમાં મેયર માટે અઢી-અઢી વર્ષની મુદતમાં બેકવર્ડ ક્લાસના અને મહિલા રહેશે. સુરતમાં પાંચ વર્ષની મુદતમાં મહિલા અને જનરલ કેટેગરીના મેયર મળશે. વડોદરાને અઢી વર્ષ માટે પછાત વર્ગના મહિલા અને અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિમાંથી મેયર મળશે. રાજકોટને અઢી-અઢી વર્ષની મુદત માટે અનુસૂચિત જાતિના મહિલા અને જનરલ કેટેગરીમાંથી મળશે. આ સાથે ભાવનગર અને જામનગરને મહિલા અને સામાન્યા, જૂનાગઢને મહિલા(બેકવર્ડ ક્લાસ) અને સામાન્યને અઢી-અઢી વર્ષની મુદત મળશે.