જાહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દુર કરવા વ્યંધીકરણ સહિતના પગલા લેવામાં આવે છે, પરંતુ શ્વાનોના આતંક ગંદકીના ન્યુસન્સ પર રોક લાગતી નથી. હવે પાલતુ શ્વાનો માટે પણ રજીસ્ટ્રેશનથી માંડી રસીકરણનો નિયમ આવી રહ્યો છે.
અમદાવાદ કોર્પોરેશને તા.1થી આ નિયમના પાલનની જાહેરાત કરી છે તો ઘરથી માંડી સોસાયટીમાં પાલતુ શ્વાનો પણ ઘણી જગ્યાએ ત્રાસ ફેલાવતા હોય આવા પેટનો પણ રેકોર્ડ માલિકોના દસ્તાવેજો સાથે રહેશે. શહેરમાં પણ થોડા વર્ષો અગાઉ પેટના રજીસ્ટ્રેશનની વાત થઈ હતી. પરંતુ તે વાત આગળ વધી ન હતી. ઘરમાં ડોગી રાખવાનાં શોખીન નાગરિકોએ હવે 1લી જાન્યુઆરીથી અમદાવાદ મ્યુનિ.માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
સીએનસીડી ખાતાનાં સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનાં નિર્દેશનો તેમજ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન વગેરે અનુસાર એનિમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રૂલ્સ-2023 અનુસાર ઘરમાં રાખવામાં આવતાં દેશીવિદેશી પાલતુ શ્વાન (પેટ ડોગ)નુ રજીસ્ટ્રેશન 1લી જાન્યુઆરીથી કરાવવુ ફરજીયાત બને છે.
નાગરિકોએ તેમનાં પેટ ડોગનુ રજીસ્ટ્રેશન 90 દિવસમાં કરાવવાનુ રહેશે અને 200 રૂપિયા ફી ભરવાની સાથે પેટ ડોગનાં ફોટા તથા તેને રાખવાની જગ્યાનાં ફોટા પણ મ્યુનિ. વેબસાઈટ ઉપર અપલોડ કરવા પડશે. તેવી માહિતી આપતાં સૂત્રોએ કહ્યું કે, શહેરમાં રખડતાં શ્વાનની ગણતરી કરવામાં આવે છે, પરંતુ નાગરિકો ઘરમાં જે પેટ ડોગ રાખે છે તેની કોઈ ગણતરી કરવામાં આવી નથી.
ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ઘરે પેટ ડોગ રાખનારા નાગરિકોએ તેમનુ આધારકાર્ડ-ચુંટણીકાર્ડ, ટેકસ બિલ તથા લાઈટબિલ વગેરે પણ અપલોડ કરવા પડશે.ઘરે રખાતાં પેટ ડોગનુ ફરજીયાત રસીકરણ કરાવવું પડશે, જે તેમનાં વેટરનરી ડોકટર પાસે કરાવી શકાશે. ત્યારબાદ પાલતુ શ્વાન (પેટ ડોગ)ને આરએફઆઈડી ચીપ અને ટેગ લગાવાશે.
શહેરમાં રખડતાં કુતરાનુ ખસીકરણ કરાય છે તે રીતે પાલતુ કુતરાનું ખસીકરણ કરાશે નહિ, પરંતુ જો તેનાં માલિક ઈચ્છે તો મ્યુનિ. દ્વારા પેટ ડોગનુ ખસીકરણ કરી અપાશે.