વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે ‘૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ પૂર્વે કુલ ૫૫,૮૬૦ પ્રોજેક્ટમાં રૂ. ૯,૪૫,૧૫૮.૬૮ કરોડના સૂચિત મૂડીરોકાણ માટે એમ.ઓ.યુ. થયા હતા. જે પૈકી કુલ ૩૨,૮૦૧ પ્રોજેક્ટસ કમિશન્ડ થયા અને ૧૩,૦૫૧ જેટલા પ્રોજેક્ટસ પ્રાથમિક તબક્કે છે, તેમજ ૬,૨૧૭ પ્રોજેક્ટ અંડર ઇમ્પ્લિમેન્ટેશનમાં છે.
ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૩માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે આજે ગુજરાત વિશ્વની અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓનું ઘર બન્યું છે અને દેશના વિકાસ મોડલ તરીકે ઉભરી આવ્યું છે.
મંત્રીશ્રીએ રોકાણકારોને મળતી સુવિધાઓ વિશે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા દેશ-વિદેશના રોકાણકારો માટે રાજ્યમાં ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક, ઔદ્યોગિક પાર્ક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા માળખાગત પ્રોજેક્ટ્સનું અમલીકરણ, ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓનું ઘડતર, ઓનલાઈન ઇન્વેસ્ટર ફેસીલિટેશન પોર્ટલ – સિંગલ વિન્ડો પ્લેટફોર્મ જેવી અનેક સુવિધાઓ આપવામાં આવે છે. જેના ફળસ્વરૂપે ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- ૨૦૨૪ દરમિયાન રાજ્યમાં અંદાજે કુલ રૂ. ૪૭ લાખ કરોડ કરતા વધુના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા, એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.