‘ઉપકાર’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘ક્રાંતિ’ જેવી અનેક સુપરહીટ ફિલ્મો ફિલ્મોનાં સર્જક અભિનેતા, નિર્માતા, નિર્દેશક મનોજકુમારનું 87 વર્ષની વયે આજે શુક્રવારે વહેલી સવારે નિધન થયું છે. તેમણે દેશભકિતનાં વિષયની ફિલ્મોને મનોરંજનનો ઢાળ આપીને લોકપ્રિય બનાવી હતી એટલે તે ભારતકુમાર તરીકે પણ જાણીતા હતા.
મનોજકુમારે કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી દેશભરમાં તેમના ચાહકોમાં શોકની લહેર ફેલાઈ છે. બોલિવુડમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મનોજકુમારનાં નિધનનું કારણ હૃદયરોગનો હુમલો બતાવવામાં આવ્યો છે. મેડિકલ રિપોર્ટ મુજબ ભારતકુમારથી પ્રસિધ્ધ અભિનેતા મનોજકુમારે આજે વહેલી સવારે 4-03 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
રિપોર્ટમાં એ પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે મનોજકુમાર છેલ્લા કેટલાંક દિવસથી ડીંકપેંસેટેડ લીવર સિરોસીસનો સામનો કરી રહ્યા હતા તેમની તબિયત બગડયા બાદ તેમને 21 ફેબ્રુઆરી 2025 ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આજે અંતિમ દર્શન, આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે:
મનોજકુમારનાં આજે બપોર બાદ વિશાલ ટાવર, જુહુમાં અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે. આવતીકાલે સવારે પવનહંસ સ્મશાન ઘાટ જુહુમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મનોજકુમારનાં નિધન પર ફિલ્મ નિર્માતા અશોક પંડિતે જણાવ્યું હતું કે મહાન દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત આપણા પ્રેરણા સ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં સિંહ મનોજકુમારજી હવે આપણા વચ્ચે નથી રહ્યા. આ ફિલ્મ ઉદકયોગ માટે મોટી ખોટ છે. પુરી ઈન્ડસ્ટ્રીઝ તેમને યાદ રાખશે.
દેશપ્રેમને પડદા પર લાવનાર પ્રથમ સ્ટાર મનોજકુમાર હતા:
દેશભકિતને પડદા પર લાવનાર પ્રથમ સ્ટાર મનોજકુમાર હતા. એકટર, ડિરેકટર, નિર્માતા મનોજકુમારનું પુરૂ જીવન એક જ સંદેશ આપવામાં વિત્યુ હતું કે દેશપ્રેમ કેટલો મહત્વનો છે. તેઓ દેશપ્રેમને પ્રથમવાર પડદા પર લાવનાર પ્રથમ સ્ટાર હતા.પૂરબ ઔર પશ્ર્ચિમ, ઉપકાર, શહીદ, ક્રાંતિ જેવી ફિલ્મોમાં જોરદાર એકટીંગને લઈને લોકોએ તેમને ‘ભારતકુમાર’ કહેવાનું શરૂ કરી દીધુ હતું.
વર્ષ 2016 માં તેમને ફિલ્મ ઉદ્યોગનાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. દેશભકિતની ફિલ્મોને મળેલો રિસ્પોન્સ જોઈને તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ તેમને ‘જય જવાન જય કિસાન’ના નારા પર ફિલ્મ બનાવવાનો આગ્રહ કર્યો હતો.
‘ઉપકાર’ ફિલ્મ લાલબહાદુર શાસ્ત્રીનાં કહેવાથી બનાવાઈ હતી. દેશભકિતની ફિલ્મ ‘શહીદ’માં તેઓ સ્વતંત્રતા સેનાની શહીદ ભગતસિંહની ભૂમિકામાં દેખાયા હતા. તેમની દરેક ફિલ્મોના ગીતો સંગીત-સુપરહીટ રહેતા હતા.
મનોજ કુમાર ભારતીય સિનેમાના આઇકોન હતા, તેમની ફિલ્મોમાં દેશભક્તિ પ્રતિબિંબિત થતી હતી’ : પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
ન્યુ દિલ્હી : અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. આ અભિનેતા ખાસ કરીને તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા છે.
તેમને ’ભારત કુમાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના નિધન બાદ દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોજ કુમારના નિધનને દેશ માટે મોટું નુકસાન ગણાવ્યું.
તેમણે ’X’ પર લખ્યું:
’મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધનથી ખૂબ દુ:ખ થયું. તેઓ ભારતીય સિનેમાના એક આઇકોન હતા, ખાસ કરીને તેમના દેશભક્તિ અને જુસ્સા માટે યાદ કરવામાં આવે છે.
આ વાત તેમની ફિલ્મોમાં પણ પ્રતિબિંબિત થતી હતી. મનોજજીના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગૃત કરી છે અને પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.