નવી દિલ્હી : સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નિયમોમાં મોટાં ફેરફારો કર્યા છે. હવે રોકાણકારો તેમની સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઇપી ચૂકવણીની તારીખના ત્રણ દિવસ પહેલાં બંધ કરી શકશે અથવા તેનાં હપ્તા બંધ કરી શકશે.
મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ બે દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આનાથી રોકાણકારોને દંડ અને અન્ય નાણાકીય મુશ્કેલીઓ ટાળવામાં મદદ મળશે. અગાઉ, એસઆઇપી રદ કરવા માટે, રોકાણકારોએ 10 કાર્યકારી દિવસો અગાઉ અરજી કરવી પડતી હતી.
આટલાં લાંબાં સમયગાળામાં બેંક ખાતાની સ્થિતિનો સચોટ અંદાજ લગાવવો મુશ્કેલ હતો, જેનાં કારણે ઘણી વખત હપ્તા બાઉન્સ થઈ જતાં હતાં. આના કારણે રોકાણકારોએ વધારાનાં ચાર્જીસ જેવાં કે ઈસીએસ અથવા મેન્ડેટ રિટર્ન ચાર્જ ચૂકવવા પડતાં હતાં.
પ્રક્રિયાને આ રીતે સમજી શકાય છે, ધારો કે રોકાણકારનો એસઆઇપી હપ્તો દર મહિનાની 10 મી તારીખે છે. કોઈપણ મહિનાની 7 તારીખ સુધી તેનાં ખાતામાં પૂરતાં પૈસા નથી.
આવી સ્થિતિમાં, તે 7 મીએ એસઆઇપી રોકવા અથવા બંધ કરવાની વિનંતી કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ તેને 10 મી તારીખ પહેલાં રદ કરવી પડશે. આ દરમિયાન, રોકાણકાર પર કોઈ દંડ લાદવામાં આવશે નહીં