Stock Today

સ્ટાર્ટઅપ ઈન્ડિયાને મેગા-પુશ: ભાસ્કર રજીસ્ટ્રીની શરૂઆત, એમેઝોન સાથે ભાગીદારી

ભારતના વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ્સ, તેના રોકાણકારો, સેવાઓ પૂરી પાડનારાઓ અને સરકારી સંસ્થાઓને સહિયારુ મંચ ઉપલબ્ધ કરાવવાના આશયથી ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજીસ્ટ્રી (BHASKAR) લોન્ચ કરી છે.

આ સમયે શ્રી ગોયલે જણાવ્યુ છે કે, “આપણે સહુ સાથે મળી એક એવી ઇકો સિસ્ટમ બનાવીએ જેમાં માહિતીની આપ-લે સરળ અને સુગમ્ય હોય અને જે સમગ્ર ઇકોસિસ્ટમ માટે વન-સ્ટોપ-શોપ બની રહે.” શ્રી ગોયલે માહિતી આપી હતી કે આ રજીસ્ટ્રી સ્ટાર્ટઅપને ધિરાણ તેમજ મેટરિંગની શોધ માટે સિંગલ પોઈન્ટ કોંટેક્ટ બની રહેશે.

આ રજીસ્ટ્રીને વિશ્વભરમાં સ્ટાર્ટઅપ માટેનું સહુથી મોટું પ્લેટફોર્મ બનાવવું તે આ પહેલનું પ્રાથમિક લક્ષ્ય છે. આ પહેલમાં દરેક સ્ટેકહોલ્ડરને એક યુનિક આઈડી આપવામાં આવશે, જેથી તેઓ એકબીજા સાથે સીધો સંપર્ક સાધી શકે, માહિતી અને વિચારોની આપ-લે કરી શકે. આ રજીસ્ટ્રીમાં નેટવર્કિંગ એન્ડ કોલાબોરેટિંગ, સેંટ્રલાઈઝ એક્સેસ ટુ રિસોર્સિસ જેવી લાક્ષણિકતાઓ હશે, જેનાથી વ્યક્તિગત ઓળખ અને શોધની સરળતા રહેશે અને તેનાથી બ્રાન્ડ ઈન્ડિયાને વધુ મજબૂત બનાવી શકાશે.

આ રજીસ્ટ્રીમાં નોંધ કરાવી પોતાનો યુઝર આઈડી મેળવનાર યુઝર પોતાની જરૂરિયાત મુજબના સ્ત્રોતો, સહયોગીઓ અને તકો વિષે જાણકારી મેળવી શકશે અને સરકારી સંસ્થાઓ, ધિરાણ સંસ્થાઓ વિગેરેની પણ જાણકારી મેળવી શકશે. આ ઉપરાંત વિવિધ સ્ત્રોતોથી મળતા નવા આઇડિયા પણ જાણી શકશે. જેથી ઉધ્યમિને ‘ખયાલ થી વાસ્તવિકતા’ ની મજલ કાપવામાં સહયોગ મળી રહેશે.

ડિપાર્ટમેંટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈંટર્નલ ટ્રેડના સંયુક્ત સચિવ શ્રી સંજીવે જણાવ્યુ છે કે, આ પહેલ ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે લાભદાયી બની રહેશે. તેમણે 100 થી વધુ કોર્પોરેટસ અને યુનિકોર્નને ઉત્પાદન ક્ષેત્ર માટેના ઇંકયુબેશન સેંટર્સ ઊભા કરવાની પણ અપીલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે આવતી જાન્યુઆરી 16 સુધીમાં દરેક જીલ્લામાં ઓછામાં ઓછું એક સ્ટાર્ટઅપ હશે. જ્યારે વિભાગના સચિવ શ્રી અમરદીપ ભાટિયાએ જણાવ્યુ છે કે સરકારનું લક્ષ્ય આવનાર વર્ષોમાં સ્ટાર્ટઅપની સંખ્યા 50 લાખને પાર પહોચડવાનું છે.

બીજી તરફ લોકસભામાં આપવામાં આવેલ લેખિત જવાબમાં રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી જીતન પ્રસાદે જણાવ્યુ છે કે, 31 ઓક્ટોબર 2024 સુધીમાં 1,52,139 એકમોએ ડિપાર્ટમેંટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈંટર્નલ ટ્રેડ પાસે સ્ટાર્ટઅપ તરીકે નોંધણી કરાવી છે.

2016માં શરૂ થયેલ સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજના અંતર્ગત સ્ટાર્ટઅપને સહયોગ આપવા સરકારે ફંડ ઓફ ફંડ ફોર સ્ટાર્ટઅપ (FFS), સ્ટાર્ટઅપ ઈન્ડિયા સિડ ફંડ સ્કીમ (SISFS) અને ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) નામે ત્રણ મોટી યોજનાઓ શરૂ કરી છે.

નોંધનીય છે કે ગયા ઓકટોબરમાં એમેઝોને ડિપાર્ટમેંટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈંટર્નલ ટ્રેડ સાથે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અન્વયે ભાગીદારી કરી છે, જેમાં ભારતીય સ્ટાર્ટઅપ્સને એમેઝોન પોતાનું મંચ પૂરું પાડવા ઉપરાંત એમેઝોન પે, એમેઝોન ઇન્સેંટિવ્સ, એમેઝોન બિઝનેસ, એમેઝોન લોજિસ્ટિક જેવી પોતાની સવલતો પણ ઉપલબ્ધ બનાવે છે. એમેઝોને મહિલા ઉદ્યમીઓ માટે ‘સહેલી’ પહેલની પણ શરૂઆત કરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top