નવી દિલ્હી : દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત અદાણી જૂથના સાત એક્ઝિક્યુટિવ્સ પર ભારતીય અધિકારીઓને લાંચ આપવા અને અમેરિકન રોકાણકારોને છેતરવાનો કેસ અમેરિકામાં થયો છે. આ મુદ્દે કેન્દ્ર સરકારે હાથ ખેંખેરી નાંખ્યા છે. રાજ્ય સરકારો પણ આ કેસમાં જવાબ આપવા કે પગલાં લેવાની વાત કરવાથી દૂર રહી છે.
અદાણી જૂથ પર ભારતમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે ભારતીય અધિકારીઓને ૨૬.૫ કરોડ ડોલરની લાંચ આપવાનો અમેરિકામાં કેસ થયો છે, જેમાં આ કોન્ટ્રાક્ટ્સ માટે આંધ્ર પ્રદેશમાં અધિકારીઓને લાંચનો સૌથી વધુ હિસ્સો મળ્યો હોવાનો દાવો કરાયો છે. આ મુદ્દે અમેરિકામાં ગૌતમ અદાણી, સાગર અદાણી અને અન્ય સાત લોકો વિરુદ્ધ ન્યૂયોર્કની કોર્ટમાં કેસ ચાલ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે આ બાબતમાં કોઈ દખલ નહીં કરવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોનું કહેવું છે. કેન્દ્રનું માનવું છે કે અમેરિકન એજન્સી દ્વારા અમેરિકામાં હાથ ધરાયેલી તપાસ ભારતની એક ખાનગી કંપની સામે છે. ભાજપે આ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે આ કેસમાં કથિત રીતે રાજ્ય સરકારોનું નામ સંડોવાયેલું છે. તેથી આ આક્ષેપોનો જવાબ તેમણે સ્વતંત્રરૂપે આપવો જોઈએ.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું હતું કે, અદાણી ગૂ્રપ પર લગાવાયેલા આરોપો અગાઉની વાયએસ જગન મોહન રેડ્ડી સરકારના સમયના છે. અમારી સરકાર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને પુરાવાના આધારે પગલાં લેશે. આ કેસમાં વધુ હકીકતો હજુ સુધી બહાર આવી નથી. બીજીબાજુ વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ તેમની સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલા સોલાર કોન્ટ્રાક્ટમાં અદાણી સાથે કોઈ સોદો નહીં થયો હોવાનો દાવો કર્યો હતો. એ જ રીતે તમિલનાડુ વીજમંત્રી સેન્થિલ બાલાજીએ ખુલાસો કર્યો હતો કે, ડીએમકે સરકાર ૨૦૨૧માં સત્તા પર આવી ત્યારથી અદાણી જૂથ સાથે રાજ્યના વીજળી વિભાગે પ્રત્યક્ષરૂપે કોઈ કરાર કર્યો નથી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની એજન્સી સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યો હતો.
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને ભૂતપૂર્વ વીજમંત્રી ટીએસ સિંહ દેવે કોંગ્રેસના શાસનમાં અદાણી સાથે કોઈપણ કરાર થયો હોવાની વાત જ નકારી કાઢી હતી. તેમણે આ બાબતમાં સંયુક્ત સંસદીય તપાસની માગ કરી હતી. ઓડિશામાં વર્ષ ૨૦૦૦થી જૂન ૨૦૨૪ સુધી બીજુ જનતા દળની સરકાર હતી ત્યારે બીજેડીએ કહ્યું કે, રાજ્ય સરકારના અધિકારીઓ સામે લગાવાયેલા લાંચના આરોપો ખોટા અને પાયાવિહોણા છે. ઓડિશાના પૂર્વ ઊર્જા મંત્રી અને બીજેડીના ધારાસભ્ય પીકે દેબે કહ્યું કે, ઓડિશા સરકારને આ કરાર સાથે કોઈ લેવા-દેવા નથી. જે પણ કરાર થયા હતા તે વીજ વિતરણ કંપની ગ્રીડકો અને કેન્દ્ર સરકારના પીએસયુ એસઈસીઆઈ વચ્ચે થયા હતા.