સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરીક્ષમાં નવ મહિના સુધી અટવાઈ ગયા હતા. આજે આ બંને અંતરીક્ષયાત્રી પૃથ્વી પર પાછા ફરશે. તેમની સાથે વધુ બે અંતરીક્ષયાત્રી નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પરત ફરશે. તેમને લાવી રહેલું સ્પેસક્રાફ્ટ ‘ડ્રેગન’ ઈલોન મસ્કની સ્પેસ એજન્સી સ્પેસએક્સ દ્વારા ડિઝાઇન કરાયું છે. પૃથ્વી પર ઉતરતી વખતે ડ્રેગન આગના ગોળામાં પરિવર્તિત થઈ જશે. આમ છતાં, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સહિતના તેમના સાથીદારો એકદમ સુરક્ષિત રહેશે.
સૌપ્રથમ અંતરીક્ષયાત્રીઓ પ્રેશર સૂટ પહેરશે. પછી ડ્રેગનમાં દાખલ થઈને એનો હેચ બંધ કરશે. ‘બોર્ડિંગ’ કર્યા બાદ તમામ પ્રકારના લિકેજની તપાસ કરવામાં આવશે.
- ડૉક એટલે ‘જોડવું’ અને અનડૉક એટલે ‘છૂટા પાડવું’. અનડોકિંગની પ્રક્રિયા પણ તબક્કાવાર થાય છે.
- એમાં સૌથી પહેલાં સુરક્ષા તપાસ થાય છે. અનડૉક કરતાં પહેલાં સ્પેસક્રાફ્ટની અંદર લાઇફ સપોર્ટ સિસ્ટમ, કમ્યુનિકેશન અને થ્રસ્ટર સિસ્ટમની કામગીરીની તપાસ કરાય છે.
- બધું બરાબર જણાય એ પછી સ્પેસક્રાફ્ટને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે જોડતા સાંધા ખોલવામાં આવે છે.
- સાંધા ખોલ્યા પછી થ્રસ્ટર દ્વારા સ્પેસક્રાફ્ટને ISSથી અલગ કરવામાં આવે છે. થ્રસ્ટર્સ સ્પેસક્રાફ્ટની ગતિ અને દિશાને નિયંત્રિત કરે છે.
- સ્પેસક્રાફ્ટની તમામ સિસ્ટમ બરાબર ચાલે છે એની તપાસ કરાય છે.
- એ પછી સ્પેસક્રાફ્ટ ISSથી સંપૂર્ણપણે અલગ થઈને પૃથ્વી તરફ જવા નીકળી પડે છે.
- ‘ડીઓર્બિટ બર્ન’ એટલે સ્પેસક્રાફ્ટની ભ્રમણકક્ષા નીચી લાવીને એનો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરાવવો. ડ્રેગનનું ડીઓર્બિટ બર્ન બુધવારે સવારે 2.41 વાગ્યાની આસપાસ થશે. એમાં એન્જિન ફાયર કરીને સ્પેસક્રાફ્ટને પૃથ્વી તરફ ધકેલવામાં આવશે
- સ્પેસક્રાફ્ટ લગભગ 27000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે.
- સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી 18 હજાર ફૂટની ઊંચાઈએ હશે ત્યારે બે પેરાશૂટ ખુલશે, જેને લીધે સ્પેસક્રાફ્ટની ગતિ ધીમી થશે. સ્પેસક્રાફ્ટ અને પૃથ્વી વચ્ચેનું અંતર 6000 ફૂટ રહેશે ત્યારે મુખ્ય પેરાશૂટ ખુલીને સ્પેસક્રાફ્ટની ગતિ ઔર ધીમી પાડશે. અંતરીક્ષયાત્રીઓ સ્પેસક્રાફ્ટના જે ભાગમાં બેઠા હોય છે એ ભાગને ‘કેપ્સ્યુલ’ કહેવાય છે. કેપ્સ્યુલ પાણીની સપાટી પર પટકાય એ પ્રક્રિયાને ‘સ્પ્લેશડાઉન’ એટલે કે ‘લેન્ડિંગ’ કહેવાય છે. ડ્રેગનનું સ્પ્લેશડાઉન ફ્લોરિડાના સમુદ્રમાં થશે’સ્પ્લેશડાઉન’ થશે એ સમયે દરિયામાં એક રેસ્ક્યુ ક્રૂ તૈયાર જ હશે. તેઓ કેપ્સ્યુલ રિકવર કરીને તેમાં સવાર અંતરીક્ષયાત્રીઓને બહાર કાઢશે. એ પછી ચારેય અંતરીક્ષયાત્રીઓને હ્યુસ્ટન ખાતેના ‘જ્હોનસન સ્પેસ સેન્ટર’ લઈ જવાશે.