Stock Today

સિગરેટ સહિત તમાકુ-ઉત્પાદનો અને પીણાં પર હવે ૩૫% GST, કંપેન્શેશન સેસ પર લેવાશે નિર્ણય છ મહિના પછી

સીન ગુડસ કહેવાતાં બેવરેજીસ, સિગારેટ અને તમાકુ-ઉત્પાદનો પર વસ્તુ સેવા કર હાલના ૨૮ ટકાથી વધીને ૩૫ ટકા થવા જઇ રહ્યો છે. બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતાવાળા મંત્રીજૂથે વસ્તુ-સેવા કરને વધુ તાર્કિક બનાવવા સોમવારે આ નિર્ણય લીધો છે.

સાથે જ રૂ.૧૫૦૦ સુધીના રેડીમેડ ગાર્મેન્ટ પર ૫ ટકા, રૂ.૧૫૦૦ થી રૂ.૧૦,૦૦૦ સુધીના ગાર્મેન્ટ પર ૧૮ ટકા અને રૂ.૧૦,૦૦૦ થી વધુના રેડીમેડ ગાર્મેન્ટ પર ૨૮ ટકાના દરે કર લાદવાનો નિર્ણય લેવાયો છે. સરવાળે, કુલ ૧૪૮ આઇટમ્સ પર જી.એસ.ટી. કાઉન્સિલે કરદરમાં બદલાવના નિર્ણય લીધા છે અને તેને પગલે સરકારની કર-આવકમાં વૃદ્ધિ થશે.

૨૧ ડિસેમ્બરે કેન્દ્રિય નાણાંમંત્રી સુશ્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં જી.એસ.ટી. કાઉન્સિલની બેઠક યોજાશે, જેમાં આ અંગે આખરી નિર્ણય લેવાશે. અધિકારીઓ જણાવ્યું છે કે, હાલનો વસ્તુ-સેવા કરનો ચાર અલગ-અલગ દરનો કર, એટલે કે ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા, યથાવત રહેશે અને સીનગુડ્સ (હાનિકારક પદાર્થો) પર નવો ૩૫ ટકાનો દર લાગૂ પડશે. હાલમાં કાર, વોશિંગમશીન જેવી લક્ઝરી આઇટમ્સ અને ઠંડાપીણાં, તમાકુ ઉત્પાદનો જેવાં હાનિકારક પદાર્થો પર ૨૮ ટકા જી.એસ.ટી. ઉપરાંત ઉપકર પણ લાગે છે.

આ ઉપરાંત મંત્રીજૂથે રૂ.૨૫,૦૦૦ થી વધુને કાંડા ઘડિયાળો પર અને રૂ.૧૫,૦૦૦ થી વધુના પગરખાં પર કરદર ૧૮ ટકાથી વધારી ૨૮ ટકા કરવાની ભલામણ કરી છે. તેની સામે રૂ.૧૦,૦૦૦ થી ઓછી કિંમતની સાયકલ પર અને નોટબુક્સ પર કરદર ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કરવાની ભલામણ કરી છે.

રાજ્યકક્ષાના નાણાંમંત્રી પંકજ ચૌધરીની અધ્યક્ષતાવાળા મંત્રીજૂથે જી.એસ.ટી. કંપેન્શેશન સેસ (વળતર ઉપકર) પર નિર્ણય લેવા માટે છ મહિનાનું એક્સટેન્શન માંગ્યું છે. લક્ઝરી આઇટમો અને સીનગુડ્સ પર ૨૮ ટકા ઉપરાંત લાગતો સેસ જ્યારે વેચાણવેરા અને મૂલ્યવર્ધિત કર નાબૂદ કરીને વસ્તુ-સેવા કર લાગૂ કરવામાં આવ્યો હતો ત્યારે શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપકરનો ઉપયોગ જી.એસ.ટી. લાગૂ થતાં રાજ્યોને થતી નુકશાની બદલ વળતર આપવામાં કરવાનો હતો. જી.એસ.ટી. લાગૂ થયો ત્યારે પાંચ વર્ષ માટે આ ઉપકર લાદવામાં આવ્યો હતો, પરંતુ જી.એસ.ટી. કાઉન્સિલે ૨૦૨૨ માં તેને વધુ ચાર વર્ષ એટલે કે માર્ચ ૨૦૨૬ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો.

મંત્રીજૂથે જણાવ્યું છે કે તેમને વળતર ઉપકર મામલે તેમાં સમાયેલ વિવિધ કાનૂની પાસાંઓનો અભ્યાસ કરવાનો છે, જેથી સમય લાગે તેમ છે. ૨૦૨૨ માં જ્યારે આ ઉપકરને વધુ ચાર વર્ષ માટે લંબાવવામાં આવ્યો ત્યારે રાજ્યોને તેમને થયેલ નુકશાનીની ભરપાઇ માટે લોનરૂપે રૂ.૨.૬૯ લાખ કરોડનું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

ઓગસ્ટ મહિનામાં થયેલ જી.એસ.ટી. કાઉન્સિલની બેઠકમાં રાજ્યોએ ડિસેમ્બર ૨૦૧૬ ની જી.એસ.ટી. કાઉન્સિલમાં લેવાયેલ નિર્ણયનો હવાલો આપ્યો હતો, જેમાં તત્કાલીન નાણાંમંત્રી શ્રી અરૂણ જેટલીએ પાંચ વર્ષ પછી ઉપકરને મુખ્ય કરમાં જોડી દેવાનું વચન આપ્યું હતું. શ્રી જેટલીએ ગ્રાહકો પર વધુ બોજ ન પડે તે હેતુથી પાંચ વર્ષ પછી ઉપકરને મુખ્યકર સાથે મિલાવી દેવાનું જણાવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top