નવી દિલ્હી : ઘણાં લોકો નેચરલ અને લેબમાં તૈયાર કરવામાં આવતાં હીરા વચ્ચેનાં તફાવત વિશે મૂંઝવણમાં હોય છે. આ મૂંઝવણ જલ્દીથી ઉકેલી શકાય તે માટે સરકાર કુદરતી અને પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવતાં હીરા વચ્ચે તફાવત કરવા માટે કેટલાક નિયમો ઘડી શકે છે. જો આમ થશે તો જ્વેલર્સ સાચાં હીરાના નામે લેબના હીરાનું વેચાણ કરી શકશે નહીં.
સરકાર કુદરતી અને પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતાં હીરા વિશે ગ્રાહકોને જે મૂંઝવણનો સામનો કરવો પડે છે તેને દૂર કરવા માટે પગલાં લેવાં જઈ રહી છે. સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેક્શન ઓથોરિટી આ અંગે માર્ગદર્શિકા જારી કરશે.
જેમાં હીરાના સાચાં લેબલીંગ સિવાય તમામ પ્રકારનાં હીરાની ઉત્પત્તિ અને ઉત્પાદન પદ્ધતિઓ વિશે માહિતી આપવા માટે નિયમો બનાવી શકાય છે. ઉપરાંત, પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલાં હીરા માટે કુદરતી અથવા અસલી હીરા જેવાં શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહિ .
આ સંદર્ભમાં, સીસીપીએએ તેનાં મુખ્ય કમિશનર નિધિ ખરેની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગ અને નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. બેઠકમાં હાજરી આપનાર એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક હીરા અને લેબ દ્વારા તૈયાર કરવામાં આવતાં હીરા વચ્ચેનાં તફાવત વિશે સાચી માહિતીનાં અભાવને કારણે ગ્રાહકોનાં હિતોનું ઉલ્લંઘન થાય છે.
તેમણે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવા માટે સીસીપીએ ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડશે. આ અંગે જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેને જણાવ્યું હતું કે, સાચાં હીરાની કિંમત પ્રતિ કેરેટ 4-4.5 લાખ છે જયારે પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલાં હીરાની કિંમત 65000-85000 હોય છે. ઘણી વખત ગ્રાહકો પ્રાકૃતિક હીરા સમજીને પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલાં હીરા ખરીદે છે.
તેમને લાગે છે કે, આવનારાં સમયમાં તેમને સારું વળતર મળશે. પરંતુ પાછળથી તેમને ખબર પડે છે કે તેમની કિંમત કુદરતી હીરા જેટલી નથી. બંનેનાં લેબલિંગની સ્પષ્ટતા કરવી તે ઉદ્યોગ અને ગ્રાહકના હિતમાં છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અનુસાર, હીરા શબ્દનો ઉપયોગ કુદરતી હીરા માટે જ થવો જોઈએ. કુદરતી હીરાની જેમ સિન્થેટીક હીરાનું ગ્રેડિંગ પણ પ્રતિબંધિત છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સના નિયમો અનુસાર, જો હીરાને લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે, તો તેનાં ઉત્પાદનની પદ્ધતિ શું છે તે જણાવવું પડશે. સીસીપીએ બેઠકમાં આ તમામ પાસાઓ પર વિચારણા કરવામાં આવી હતી જેથી કરીને નક્કર માળખું બનાવી શકાય.