અમદાવાદ સહિત રાજ્યમાં સાઈબર ક્રાઇમના ગુનાનું પ્રમાણે સતત વધી રહ્યું છે. આ ગુના અટકાવવા માટે પોલીસ માટે એક સૌથી મોટો પડકાર છે. સાયબર ક્રાઇમના ગુનામાં પકડાયેલા આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી પણ સૌથી મોટો પડકાર છે. કારણ કે, શહેરમાં માત્ર એક જ સાઈબર ક્રાઇમની કોર્ટ છે. અને સરકારી વકીલ પણ એક જ છે. જેના કારણે કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી 3607 કેસો પડતર છે. અને અત્યાર સુધીમાં માત્ર 600 કેસોનો નિકાલ કરાયો છે.
ભોગ બનેલા લોકોને નાણાં પરત કરવા માટેની 155 અરજીઓ કોર્ટમાં પડતર છે. સાઈબર ક્રાઇમના ગુનાના આરોપીઓ છૂટી જવા પાછળનું મહત્ત્વનું કારણ એ છે કે, લેક ઓફ પ્રોસિક્યુશન હાલના સરકારી વકીલને સાઈબર ક્રાઇમની તાલીમ અપાતી નથી. મોટાભાગે સમાધાન થઈ જતું હોવાથી સજા પડતી નથી.
ગુનેગાર છટકી જાય છે
- કમ્પ્યૂટર માસ્ટર કે એન્જિનિયરની મદદ લેવાતી નથી.
- પોલીસ ચાર્જશીટ સાથે એવિડન્સ એક્ટ મુજબ કલમ-65(બી) નું સર્ટિફિકેટ સંલગ્ન હોતું નથી.
- સાયબર ક્રાઇમના કેસો પુરવાર કરવા પ્રશિક્ષણનો અભાવ.
- તપાસ અધિકારીઓ, સરકારી વકીલો અને કોર્ટોને પણ ઇલેકટ્રોનિક્સ એવિડન્સ જાળવવાની વ્યવસ્થા જરૂરી.
- ફરિયાદીઓ આરોપીઓ સાથે સમાધાન કરી પૈસા લઇ લે છે, જેથી આરોપીઓ છૂટી જાય છે.
- સાઈબર ક્રાઇમના ગુનામાં અન્ય રાજ્યના તેમજ વિદેશી આરોપીઓ પકડતા નથી. જે આરોપીઓ પકડાયા હોય તેમની સામે ચાર્જશીટ થયા બાદ કોર્ટોમાં કેસોનો ભરાવો થતાં તેનો ઝડપી નિકાલ થતો નથી.
- તપાસ અધિકારીને સાઈબર ક્રાઇમ સેલમાં મૂકતા પહેલા કે પછી તેમને ટેક્નિકલ ટ્રેનિંગ અપાતી નથી. જેથી તેઓ કોર્ટમાં સમયસર ચાર્જશીટ કરી શકતા નથી.
- હાલના સાયબર ક્રાઇમના ગુનામાં માસ્ટર માઇન્ડ આરોપીઓ ડાર્ક વેબની મદદથી ભારતના લોકોના એકાઉન્ટની વિગતો મેળવીને ગુના આચરે છે, જેને ટ્રેસ કરવા અઘરા છે.
- માસ્ટર માઇન્ડો દુબઇ, મલેશિા, કંમ્બોડીયા, તાઇવાન, પાકિસ્તાન જેવા દેશોમાંથી ઓપરેટ કરે છે.
- સાયબર સેલ પાસે પૂરતા સંશાધનો-પ્રોસિજરની પૂરતી માહિતી ન હોવાથી યોગ્ય તપાસ ન થતાં આરોપીઓ છૂટી જાય છે.
વિદેશી આરોપીઓ જામીન મળ્યા પછી હાજર રહેતા નથી સાઈબર ક્રાઇમના જે કેસોનો નિકાલ થયો છે, તેમાં સામાન્ય કેસોમાં સમાધાન થયેલા કેસોનું પ્રમાણ વધુ જોવા મળે છે. જયારે મોટી રકમના કેસો હોય છે, જેમાં રાજ્ય અને દેશ બહારના આરોપીઓ હોય છે. તે જામીન મેળવ્યા પછી કોર્ટમાં મુદતમાં હાજર રહેતા નથી. જેના કારણે મોટી સંખ્યામાં કેસો પેન્ડિંગ રહે છે.