નેશનલ પેન્શન સિસ્ટમની સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને તેની સાથે સંકળાયેલ તમામ હિતધારકોના કલ્યાણને પ્રોત્સાહન આપવાના હેતુસર બેન્કો સહિત તમામ હિતધારકોના મંચ એવા એસોશિએશન ઓફ એન.પી.એસ. ઇન્ટરમીડિયરીઝની શનિવારે સ્થાપના કરવામાં આવી છે.
આ એસોશીએશનમાં પેન્શન ફંડ મેનેજર્સ, પોઈન્ટ ઓફ પ્રેસેન્સ (બેન્ક અને નોન-બેન્ક), સેન્ટ્રળ રેકોર્ડ કીપીંગ એજન્સીસ, ટ્રસ્ટી બેન્ક્સ, કસ્ટોડિયન્સ, એગ્રીગેટર્સ, એન્યુઇટી સર્વિસ પ્રોવાઇડર્સ, પેન્શન એજન્ટ્સ, રિટાયરમેંટ એડ્વાઇઝર્સ અને આ વ્યવસાય સાથે સંકળાયેલ તમામ પક્ષકારોનો સમાવેશ થાય છે.
રૂપિયા 13.70 લાખ કરોડથી વધુની એસેટ્સ અંડર મેનેજમેંટ (એ.યુ.એમ.) સાથે એન.પી.એસ. આજે સૌથી વધુ કારગર, કરવેરા મામલે લાભદાયી અને ઓછા ખર્ચાળ નિવૃત્તિ સમાધાન તરીકે આજે ઉપલબ્ધ બન્યું છે.
આ નોંધપાત્ર વિકાસ આ યોજના પર લોકોની સ્વીકૃતિ અને ભારતના કામદાર વર્ગનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં તેની ભૂમિકાનો પૂરાવો છે.
આ પ્રસંગે, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેંટ ઓથોરીટીના અધ્યક્ષ શ્રી દિપક મોહન્તિએ જણાવ્યુ છે કે, “એન.પી.એસ. ઇન્ટરમીડિયરિઝનું એસોશિએશન એ તમામ પક્ષકારોને એકસાથે લાવી એન.પી.એસ.ના લાભો દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા ની પહેલની એક શરૂઆત માત્ર છે. આપણે સહુ સાથે મળીને દરેક માટે સુરક્ષિત અને સાતત્યપૂર્ણ નિવૃત્તિનો વિકલ્પ ઉપલબ્ધ બનાવી શકીશું.”
આ એસોશિએસનના પ્રાથમિક લક્ષ્યાંકોમાં એન.પી.એસ. ઇકોસિસ્ટમમાં સંકળાયેલ તમામ ઇન્ટરમીડિયરીઝના હિતોનું પ્રતિનિધાન કરવું, એન.પી.એસ.ને એક ભરોસાપાત્ર, લવચીક અને કરવેરા બાબતે અસરકારક નિવૃતિલક્ષી પ્રોડક્ટ તરીકે પ્રમોટ કરવું, સરળ અને પારદર્શી પ્રક્રિયાઓ મારફત સબસ્ક્રાઈબર્સના કલ્યાણ પર ધ્યાન આપવું વિગેરેનો સમાવેશ થાય છે.
એસોશિએશન નિયમનકાર અને નીતિ-નિર્ધારકો સાથે સહયોગ વિકસાવાનું પણ લક્ષ્ય રાખી રહ્યું છે. આમ કરી, ભારતમાં પેન્શનના માળખાને વધુ સુચારું બનાવી, પેન્શન પ્રોડક્ટસ માટે સારું બજાર તૈયાર કરી શકાશે, જે તમામ પક્ષકારો માટે લાભદાયી પૂરવાર થાય.