ભારતીય શેરબજારમાં છેલ્લા એક માસની સતત અફડા તફડી જેવી સ્થિતિ અને સેન્સેક્સ તેમજ નીફટીમાં ગાબડા વચ્ચે 2025નોે પ્રારંભ થયો છે અને હવે આગામી દિવસોમાં અનેક ઇવેન્ટ શેરબજાર પર અસર કરશે તેવા સંકેત છે. એક તરફ અમેરિકામાં પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ તા.20ના રોજ શપથ લઇ રહ્યા છે.
ત્યારબાદ જે ટ્રમ્પ યુગનો પ્રારંભ થશે તે ભારત સહિતના દેશોને અસર કરી શકે છે. જો કે ટ્રમ્પ જે રીતે ગાજે છે તેટલા વરસશે કે કેમ તેના પર સૌની નજર છે. ખાસ કરીને તેઓ ટેરીફ યુદ્ધ છેડે તો ભારત માટે તેનો સામનો કરવો પડવાનો પડકાર આવી જશે.
આ ઉપરાંત ડોમેસ્ટીક કારણો પણ શેરબજારને અસર કરવાનું શરુ કરશે. તા.31 જાન્યુઆરીના રોજ સંસદમાં આર્થિક સર્વે રજુ થશે અને એક બાદ એક નાણાંકીય એજન્સીઓ ભારતનો જીડીપી દર ઘટશે તેવા સંકેત આપે છે અને તેથી મંદી અથવા સ્લોડાઉનનો મુદ્દો હવે ભારતીય શેરબજારને અસર કરશે.
તા.1 ફેબ્રુઆરીના રોજ નાણાંમંત્રી નિર્મલા સિતારામન બજેટ રજુ કરવાના છે અને તેમાં આવકવેરા સહિતની કેટલી રાહતો આપે છે તેના પર સૌની નજર હશે. તો ત્યારબાદ તુર્ત જ તા.7ના ફેબ્રુઆરીના રોજ રીઝર્વ બેન્કની નવી ધિરાણ નીતિ જાહેર થશે.
ખાસ કરીને આરબીઆઇના ગવર્નર પદે હવે નવી નિયુક્તિ બાદ પ્રથમ બેઠકમાં વ્યાજદર ઘટાડાશે કે કેમ તેના પર સૌની નજર છે. તો તા.8ના રોજ દિલ્હી ચૂંટણીના પરિણામો જાહેર થનાર છે અને તે પણ શેરબજાર પર મનોવૈજ્ઞાનિક અસર કરશે.
આ દરમિયાન એચડીએફસી, રીલાયન્સ, હિન્દુસ્તાન લીવર, મારુતી, ઇન્ફોસીસ સહિતની કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર થશે અને ભારતીય કંપનીઓ નફો ઘટવાની જે ચિંતા છે તેના પર સૌની નજર હશે. આ દરમિયાન ચાલુ માસના ફુગાવાના આંકડા પણ જાહેર થશે.
આમ હવે શેરબજાર ઇવેન્ટથી ભરપુર રહેશે અને તેના પર આગામી સમયની ચાલ નક્કી થશે. 2025માં માર્કેટ કેટલું વળતર આપે છે તેની અમને હજુ સુધી વિરોધાભાસી મંતવ્ય આવી રહ્યા છે અને ખાસ કરીને સેન્સેક્સ અને નિફટી હજુ વધુ તુટશે તેવી આગાહી પણ થઇ રહી છે. આ સમયે તમામ ઇવેન્ટ પર સૌની નજર હશે.