તમામ ક્ષેત્રોનાં શેરોમાં ગાબડા; 662 વર્ષના તળીયે-297 માં ઉંધી સર્કીટ: માર્કેટ કેપ 387 લાખ કરોડ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટ્રેડવોરથી દુનિયામાં મહામંદી સર્જાવાની આશંકાથી વિશ્વભરનાં શેરબજારોમાં સતત ત્રીજા દિવસે મંદીનું સ્ટીમરોલર ફરી વળ્યુ હતું. ભારતીય શેરબજારમાં સેન્સેકસ પ્રારંભીક તબકકે 3900 પોઈન્ટથી વધુ ઘસી પડયો હતો. ગણતરીની મીનીટોમાં અંદાજીત 20 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. દુનિયાભરનાં શેરબજારોમાં સમાન હાલત હતી.
અમેરિકાએ વિશ્વના તમામ દેશો પર ટેરીફ લાગુ કર્યા છે. આગામી 10 મી એપ્રિલથી તે લાગુ પડવાના છે. ચીને વળતા ટેરિફ નાખ્યા છે અન્ય દેશો પણ બાંયો ચડાવવાના મૂડમાં છે. આવતા દિવસોમાં ભયાનક ટ્રેડવોર ફાટી નીકળી શકે છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ભાંગી પડવાના આરે છે.આ સંજોગોમાં વૈશ્વિક વ્યાપારમાં અરાજકતાનો માહોલ ઉભો થયો હોવાના કારરે સર્વત્ર મંદીનો ભરડો સર્જાયો હતો.
સમગ્ર દુનિયામાં વ્યાપાર વાતાવરણ ડહોળાય રહ્યું છે. અને તે સેટલ થવામાં ઘણો સમય નિકળી જવાની આશંકાથી ગભરાટભરી વેચવાલીથી કડાકા ભડાકા હતા.જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ટુંકા ગાળામાં માર્કેટનુ ચિત્ર સ્પષ્ટ થવુ મુશ્કેલ છે. 10 મી એપ્રિલથી નવા ટેરીફ લાગુ થતા પૂર્વે આ ઘટનાક્રમો સર્જાઈ શકે છે. ટેરીફ અમલી બન્યા પછીની સ્થિતિ વિશે પણ અનેકવિધ આશંકા છે. આ સ્થિતિમાં મોરલ ખખડેલુ ખરડાયેલુ જ રહી શકે છે.
શેરબજારમાં આજે મોટાભાગનાં શેરોમાં કડાકા ભડાકા રહ્યા હતા.અનેકમાં પ્રચંડ ગાબડા પડયા હતા. એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહિન્દ્રા, મારૂતી, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન અલ્ટ્રાટ્રેક, સીમેન્ટ, અદાણી પોર્ટ, સહીતનાં શેરોમાં ગાબડા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 2260 પોઈન્ટના કડાકાથી 73103 હતો જે ઉંચામાં 73135 તથા નીચામાં 61425 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 733 પોઈન્ટના ગાબડાથી 22170 હતો. જે ઉંચામાં 22180 તથા નીચામાં 21743 થયો હતો. બીએસઈમાં 3275 શેરોમાં ટ્રેડીંગ હતું. તેમાંથી માત્ર 257 માં સુધારો હતો જયારે 662 તળીયે હતો. 297 માં ઉંધી સર્કીટ હતી. માર્કેટ કેપ ગગડીને 387.15 લાખ કરો.ડ થયુ હતું.
દુનિયાભરનાં શેરબજારોમાં કડાકા: જાપાનની માર્કેટમાં ઉંધી સર્કિટ
ટ્રમ્પનાં ટ્રેડવોર તથા મહામંદીની આશંકાથી દુનિયાભરનાં દેશોમાં પ્રચંડ કડાકાભડાકા હતા.જાપાનનું શેરબજાર ખુલ્યાની પ્રારંભીક મીનીટોમાં જ 8 ટકા ઘસી પડતા ઉંધી સર્કીટ લાગવા સાથે ટ્રેડીંગ સસ્પેન્ડ કરી દેવાયા હતા ઓસ્ટ્રેલીયન માર્કેટમાં 6 ટકા, દક્ષિણ કોરીયાનાં શેરબજારમાં 4.4 ટકા, સિંગાપુર માર્કેટમાં 8 ટકા, હોંગકોંગનો હેંગસેંગ 10 ટકા, તાઈવાન માર્કેટ 9 ટકા, મલેશીયા પાંચ ટકા, ચીનનો સાંધાઈ ઈન્ડેકસ 10 ટકા ગગડયા હતા.
અમેરીકન ડાઉજોન્સ નાસ્ડેક તથા એસએન્ડપી 500 શુક્રવારે પ્રચંડ કડાકો સુચવતા જ હતા તે પછી આજે પણ ડાઉજોન્સ ફયુચર ત્રણ ટકા ડાઉન હતો. તેના આધારે આજે પણ જોરદાર મંદી રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. દુનિયાભરમાં વ્યાપાર માહોલ ખરડાયેલા હોવાના કારણોસર આ સ્થિતિ સર્જાયાનુ સ્પષ્ટ છે.
ક્રુડતેલમાં વધુ ગાબડુ: 2021 પછીના તળીયે: ડોલર સામે રૂપિયો ગગડયો: સોનામાં મંદી અટકી
વૈશ્વિક વ્યાપાર માહોલ ડહોળાયાના ચિત્ર તથા મહામંદીની આશંકાનાં ગભરાટથી દુનિયાભરમાં ગભરાટ વચ્ચે મંદી સર્જાઈ છે. શેરબજાર ઉપરાંત ક્રુડમાં પણ ભીષણ મંદીની હાલત રહી હતી.
અમેરિકન બેન્ચમાર્ક ક્રુડ વધુ 2.50 ડોલરના ગાબડાથી 60 ડોલરથી નીચે ઘસી ગયુ હતું અને 59.49 ડોલર સાંપડયુ હતું. બ્રેન્ડક્રુડ 2.25 ડોલર તૂટીને 63.23 ડોલર હતું જે 2021 પછીનાં સૌથી નીચલા સ્તરે આવી ગયુ હતું. ક્રુડતેલ ગગડતા ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં આવે છે કે કેમ તેના પર મીટ હતી.
બીજી તરફ ચલણ બજારમાં અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયો ફરી તૂટયો હતો 41 પૈસાના ઘટાડાની 85.66 સાંપડયો હતો. સોના-ચાંદીમાં ગભરાટ હળવો થયો હોય તેમ મંદી અટકી હતી. વૈશ્વિક સોનુ 3048 ડોલર હતું. કોમોડીટી એકસચેંજમાં સોનુ 175 રૂપિયા વધીને 88250 રહયું હતું.