શેર બજારની મંદીની અસર પ્રાઇમરી માર્કેટ પર પણ જોવા મળી છે.ખુબ જ ઘેરી અસર જોવા મળી છે. આઈ.પી.ઓ ની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. પ્રાઇમરી માર્કેટમાં શૂન્યવકાશ સર્જાયો છે.એક ધબકે દસ-દસ આઇ.પી.ઓ ના સબસ્ક્રીપ્સન ચાલુ હોય તેવા દિવસો હતા પરંતુ આજે એક પણ આઇ.પી.ઓ સબસ્ક્રીપ્સન માટે ખુલ્લા ન હોય તેવા દિવસો જોવા મળી રહ્યા છે.
મેઈન બોર્ડના આઇ.પી.ઓ તો ન આવે તે સમજ્યા પરંતુ એસ.એમ.ઇ આઈ.પી.ઓ પણ આવતા બંધ થવા લાગ્યા છે. પ્રમોટરો માં ડરનો માહોલ છે. આઇ.પી.ઓ ભરાશે કે નહીં તેવી બીક છે. રોકાણકારોને જે ડર છે, બીક છે કે રૂપિયા ડૂબશે તો નહીં ને. તેમ પ્રમોટરો ને પણ ડર છે કે અમારો આઇ.પી.ઓ પૂરો છલકાશે કે નહીં. આઇ.પી.ઓ ભરાઈ નહીં તો સ્થિતિ વધારે ખરાબ થાય. તેના કરતાં થોડો સમય રાહ જોવાનું પ્રમોટર પસંદ કરી રહ્યા છે. અમુક પ્રમોટરો એ તો ડી.આર.એચ.પી પણ કેન્સલ કરાવી આઇ.પી.ઓ પોસ્ટ પોન્ડ કરાવી લીધો છે.
વર્ષ 2024 માં મેઈન બોર્ડના કુલ 92 આઇ.પી.ઓ આવેલા હતા જેની કુલ વેલ્યુ 1,79,000 કરોડ હતી .જ્યારે એસ.એમ. ઇ ના 239 આઈ.પી.ઓ આવેલા જેની કુલ વેલ્યુ. 9,450 કરોડ હતી. ગત સાલ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં એટલે કે 2024 માં આશરે 16 આઇ.પી.ઓ આવેલા જેની ટોટલ વેલ્યુ 10,700 કરોડ હતી અને એસ એમ ઈ ના કુલ 34 આઇ.પી.ઓ આવેલા જેની કુલ વેલ્યુ 1202 કરોડ હતી,જ્યારે 2025 જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આશરે મેઈન બોર્ડના કુલ 9 આઇ.પી.ઓ આવ્યા છે જેની કુલ વેલ્યુ 16,800 હતી જ્યારે એસ.એમ. ઇ આઈ.પી.ઓ ના કુલ 40 આઇ.પી.ઓ આવેલા જેની કુલ વેલ્યુ 1800 કરોડ હતી.
માર્ચ 2024 માં પણ 6 મેઈન બોર્ડના આઈ.પી.ઓ આવેલા જેની ટોટલ વેલ્યુ 2,500 કરોડ હતી અને એસ.એમ.ઇ ના કુલ 28 આઈ.પી.ઓ આવેલા હતા જેની કુલ વેલ્યુ 953 કરોડ હતી.જ્યારે આ વર્ષે માર્ચ 2025 માં કોઈ મેઈન બોર્ડ આઇ.પી.ઓ આવે તેની શક્યતા દેખાતી નથી.
જ્યારે માર્ચ મહિનો પણ પ્રાઇમરી માર્કેટ માટે ખરાબ જાય તેની શક્યતા પૂરેપૂરી છે.જો શેરબજારમાં સુધારો નહીં થાય અને ટેરીફ વોર લાંબી ચાલશે તો પ્રાઇમરી માર્કેટ માટે ચાર-છ મહિનામાં તેજી આવવાની શક્યતા નહીંવત છે.છેલ્લા એકાદ વર્ષમાં જેટલા આઈ.પી.ઓ આવ્યા તેમાંથી ઘણા ખરા આઇ.પી.ઓ ના ભાવોમાં 10 થી લઈને 30 ટકા સુધીના ભાવો નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આવનારા સમયમાં ફક્ત ફેર વેલ્યુ વાળા અને સારી હિસ્ટ્રી ધરાવતા પ્રમોટરો ના આઇ.પી.ઓ જ બજારમાં આવશે અને તે જ ચાલશે. બાકી ઊંચા પી.ઈ વાળા શેરોમાં ભરણા થવાની મુશ્કેલી લાગે છે.પ્રાઇમરી માર્કેટમાં નવા આઇ.પી. ઓ ના એનાઉન્સમેન્ટ જોવા મળતા નથી. પરંતુ પહેલાં જે રીતે દરરોજના બે થી પાંચ આઇ.પી.ઓ આવતા તેવી સ્થિતિ સર્જાતા વાર લાગશે.અગાઉ 1000 થી વધુ ગણા ભરણાઓ થતા.
પરંતુ હવે આઈ.પી.ઓ એક ઘણો ભરાવડાવવા માટે પણ પ્રમોટરો ને આંખે લોહી આવે છે.લીડ મેનેજરો અને બ્રોકરો તરફથી પણ આ જ ફીડબેક આપવામાં આવે છે કે થોભો અને રાહ જુઓ. જો કે બુધવારે શેર બજારમાં પુલ બેક રેલી જોવા મળી છે. બાઉન્સ બેક રેલી જોવા મળી છે પરંતુ આ રેલી કેટલો સમય ટકશે તે કહેવું મુશ્કેલ છે.
જ્યાં સુધી સંપૂર્ણ સ્થિરતા બજારમાં જોવા નહીં મળે, ત્યાં સુધી 100/200 કરોડના આઇ.પી.ઓ આવે તો ઠીક છે.બાકી હજારો કરોડના આ.પી.ઓ તો બજારમાં તેજી આવે તો જ આવે તેવું લાગે છે. ત્યાં સુધી કોઈ પણ પ્રમોટર આઈ.પી.ઓ લાવવાની મૂર્ખામી કરશે નહીં. ઉપરાંત નીચા ભાવ થી એટલે કે વ્યાજબી પ્રીમિયમ થી આઈ.પી.ઓ આવશે તો જ ચાલશે નહીં તો રોકાણકારો મળવા મુશ્કેલ છે અને હવે ઊંચા પ્રીમિયમ કે ઊંચા પી.ઇ વાળા શેરો માટે કોઈ ગુંજાઇસ પ્રાઇમરી માર્કેટમાં હાલ દેખાતી નથી.