શેરબજારમાં કડાકાનો દોર યથાવત્ છે. આજે સોમવારે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ-નિફ્ટીની શરૂઆત નબળી રહી. એક તરફ, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર્સવાળો સેન્સેક્સ ખુલતાની થોડી મિનિટોમાં જ લગભગ 450 પોઈન્ટ તૂટી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 150 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો. આ દરમિયાન, ટાટા સ્ટીલથી ઝોમેટો સુધીના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા.
બજેટમાં મોટી જાહેરાતો હોય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રેપો રેટ ઘટાડવાનો નિર્ણય, ભારતીય શેરબજાર પર તેની છાપ છોડવામાં આ નિર્ણય નિષ્ફળ રહ્યા છે. તેના બાદ પણ બજારમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે ખુલ્યા. BSE સેન્સેક્સ 450 થી વધુ પોઈન્ટના કડાકા બાદ હાલમાં ઘટાડો થયો અને 77,417.36 પર ટ્રેડ થતો જોવા મળ્યો. તે જ સમયે, NSE નિફ્ટી ખુલતાની સાથે જ 150 પોઈન્ટ ઘટીને 23,417 પર પહોંચી ગયો હતો.
સોમવારે શેરબજાર માટે મિશ્ર સંકેતો હતા. એશિયન બજારોમાં, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનના બજારો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે હેંગ સેંગ અને ગિફ્ટ નિફ્ટી ગ્રીન ઝોનમાં હતા. પરંતુ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાતની અસર વિશ્વભરના શેરબજારો પર સ્પષ્ટપણે દેખાઈ. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે. તેમણે ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ તેમની વેપાર નીતિમાં બીજું એક મોટું પગલું હશે. ટ્રમ્પે કહ્યું હતું કે હું મંગળવાર અથવા બુધવારે ટેરિફની જાહેરાત કરીશ, જે તાત્કાલિક અમલમાં આવશે.