આશિષ નમ્બીસન : ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે; “21964 આસપાસ ટૂંકાગાળાનું બોટમ બનાવ્યા પછી નિફટી50 મજબૂત બની હોવાનું જણાય છે અને હવે તે પોતાનાં મુગટમાં એક પછી એક રત્નો જડી રહી છે. સહુ પહેલાં, 22000 ના સ્તરની આસપાસ, તે લાંબાગાળાના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો (PE) થી નીચેના સ્તરે હતી, જે આકર્ષક વેલ્યુએસન હતું. પછી 22500 ના સ્તરની આસપાસ મેક્રો ઇકોનોમિક્સ ડેટા પોઝીટીવ આવ્યો, મોંઘવારી દર ઘટ્યો, ઉત્પાદનના આંકડા સારાં આવ્યા વિગેરે. ત્રીજું રત્ન પેલા ફોલિંગ વેજના બ્રેક-આઉટ (23100 ની પાર) આવ્યું. અને હવે આ ચોથું રત્ન તે પેનન્ટ ફોર્મેશન. આમ, આ તથ્યો નજર સમક્ષ રાખતાં અને સમગ્રપણે તેનાં પર નજર નજર કરતા તેવું જણાય છે કે, ટેરિફ અને સ્લો ડાઉનની બૂમરાડ છતાં, નિફટી સ્પોટ માટે 24700 નું ટાર્ગેટ રાખી શકાય. આ તેજીના વ્યુમાં બદલાવ ત્યારે જ આવે જયારે નિફટી 21964 નું પેલું ટૂંકાગાળાનું બોટમ તોડે.”
આ અઠવાડિયાની ટ્રેડિંગ રેન્જ વિષે જણાવ્યું હતું કે, “23050/22800 મહત્વપૂર્ણ ટેકા છે, જયારે 23900/24000 મુખ્ય અવરોધો છે. વચગાળાનો ટેકો 23300/23200 આસપાસ જોવા મળે. જેમણે શોર્ટ કર્યું હોય તેઓ ઉપરોક્ત ટેકાઓ પાસે નફો બુક કરી શકે. જ્યાં સુધી નિફટી50 હવે પછી જણાવેલ શરતો પૂરી ન કરે, ઓવરઓલ ચિત્ર તેજી તરફી હોવાનું માનવાનું રહે. (એ) ફોલિંગ વેજની ચેનલમાં 22900 ની નીચેનો બંધ, (બી) 22700 ના ટેકાનું તૂટવું. જો મંદીનો વેપાર ગોઠવવો જ હોય, તો ઉપર જણાવેલ અવરોધોની નજીક અને ચુસ્ત સ્ટોપલોસ સાથે ગોઠવવો હિતાવહ રહે, જયારે જણાવેલ ટેકા નજીક નફો બુક કરતાં રહેવું.”
આખરે શું થયું? મંગળવાર 1 એપ્રિલના રોજ નિફટી50 એ 23136.40 નો લો બનાવ્યો, જે 23200 ના વચગાળાના ટેકાથી 64 ,અંક નીચે હતો, જે તેણે છેક ગુરુવાર સુધી અકબંધ રાખ્યો. ઉક્ત મહત્વપૂર્ણ ટેકાનું લેવલ 23050/22800 હતું અને 22857 નો લો બન્યો હતો, જે 22800 ના ટેકાની નજીક હતો. ગત અઠવાડિયે બજારની ચાલ બાબત શરતો જણાવી હતી – (એ) 22900 ની ચેનલની નીચેનો બંધ (બી) 22700 નું તૂટવું. ખેર, આશ્ચર્ય વચ્ચે નિફટી બરાબર 22900 ની નજીક બંધ રહી છે. જોકે નિફટી 22915 બંધ રહી છે, પણ તેણે પેલી ફોલિંગ ચેનલમાંથી ઉપરની તરફ જે બ્રેક-આઉટ આપ્યું હતું તે બ્રેક-આઉટને પાછું તોડી દીધું છે અને નિફટી ફરી પાછી પેલી ફોલિંગ ચેનલની અંદર બંધ આવી છે. હવે, આગળ શું? હવે પરિસ્થિતિ જટીલ બની છે, કેમ કે, બે વિચિત્ર સંભાવનાઓ બની રહી છે, જેમાંથી એક ઉપરની તરફની ચાલ અને બીજી નીચે તરફની ચાલ બતાવે છે. આમ કહેવાનો અર્થ એ છે કે પેલી ફોલિંગ ચેનલની અંદર નિફટીનું બંધ રહેવું તેજીના ખેલાડીઓ માટે નિરાશાજનક છે, પરંતુ તેજીની એક બીજી પેટર્ન રચાઈ રહી છે, જેને ‘ઈન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન’ કહે છે. ચાર્ટ પાર જોકે આ નાનકડી પેટર્ન રચાઈ રહી છે, પરંતુ તેના પરિણામો મોટાં હોઈ શકે છે. આપણે તેની વધુ ચર્ચા નીચે ‘નિષ્કર્ષ’ હેઠળ કરીશું.
વૈશ્વિક પરિબળો :
ઇટાલીના અર્થવ્યવસ્થા મંત્રી જિયાનકાર્લો જીયોજેર્ટિએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા તેમના વ્યાપારી સહયોગીઓ પર લાદવામાં આવેલ ટેરિફ સામે યુ.એસ. પર બદલારૂપ ટેરિફ લગાવવા સામે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે, આપણે બદલારૂપ ટેરિફની નીતિથી બચવું જોઈએ, કેમ કે તેનાથી આપણાં સહીત સહુકોઈને નુકશાન જ થશે.
સિન્હુઆ સમાચાર એજન્સીએ અહેવાલ કર્યા મુજબ, ચીને અમેરિકા પર જવાબી કાર્યવાહી કરતા 10 એપ્રિલથી તમામ આયાતો પાર 34% ટેરિફ લાદ્યું છે. તેણે અમેરિકાને કેટલીક દુર્લભ ધાતુઓની નિકાસ પર પણ પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાએ ચીનની નિકાસ પર જે 20% ટેરિફ લાદ્યું તેના જવાબ માં ચીને આમ કર્યું છે અને તેનાથી બે દેશો વચ્ચે ચાલી રહેલ ટેરિફ વોર વધુ ઉગ્ર બન્યું છે. ચીનના ઉત્પાદનો પર હાલ જે ટેરિફ લાદવામાં આવ્યું છે તે અગાઉના 20% ટેરિફ ઉપરાંતમાં લાદવામાં આવ્યું છે, જે કુલ 54% ટેરિફ દર્શાવે છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે જાહેર કર્યું છે કે ચીનની સરકારે જે પગલાં લીધા છે તે તેના સંરક્ષણ હિતો અને પરમાણુ અપ્રસાર જેવી વૈશ્વિક જવાબદારીઓના નિર્વહનમાં અને તેમના કાયદા હેઠળ સંબંધિત વસ્તુઓની નિકાસને નિયંત્રિત કરવા લક્ષી છે.
તાઇવાનની સરકારે અમેરિકન ટેરિફનો પ્રભાવ ઘટાડવા પોતાની કંપનીઓ અને ઉદ્યોગો માટે 88 બિલિયન તાઇવાનીઝ ડોલર (2.67 બિલિયન અમેરિકી ડોલર)નું પેકેજ જાહેર કર્યું છે. તાઇવાનની યુ.એસ. સાથે વિદેશ વ્યાપારમાં મોટી પુરાંત (નિકાસ વધુ) રહે છે અને હવે તેના પર 32% ટેરિફ લાદવામાં આવ્યું છે. જો કે, તાઇવાનની કુલ નિકાસોમાં જેનો સહુથી મોટો હિસ્સો છે, તે સેમીકંડક્ટર પર ટેરિફ લાગુ થવાના નથી. તાઇપેઇમાં એક સમારોહમાં ચો જંગ તેઈએ ફરીવાર જાહેર કર્યું છે કે તાઇવાનની સરકાર યુ.એસ. દ્વારા ટેરિફ લાદવાને અનુચિત માને છે અને સરકાર જે કંપનીઓ પાર તેનો પ્રભાવ પાડવાનો છે તેમના માટે 88 બિલિયન તાઇવાન ડોલરનું પેકેજ આપવાની છે. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને સ્ટીલ ક્ષેત્ર સહુથી વધુ પ્રભાવિત થવાની શક્યતા જણાવી છે. તેમણે જણાવ્યું છે કે તે સરકારની જવાબદારી છે કે તે જોખમ સામેની જોગવાઈ કરે અને ઉદ્યોગોની જરૂરિયાતોને સમજે. નાણાં મંત્રી ચુઆંગ ત્સુઈ-યુને જણાવ્યું છે કે સરકાર નિકાસકારો માટે 200 આરબ તાઇવાન ડોલર જેટલા ધિરાણોમાં વ્યાજદરોમાં છૂટછાટોની જોગવાઈ કરવા જઈ રહી છે.
જાપાન પર 25% ટેરિફ લાદવામાં આવતાં તેની યુ.એસ.માં થઇ રહેલ લગભગ 17 બિલિયન ડોલરની ઓટોમોબાઈલ નિકાસને મોટો ફટકો પડે તેમ છે. જાપાનનું ઓટોમોબાઈલ ક્ષેત્ર તેની કુલ નિકાસમાં 20% હિસ્સો ધરાવે છે.મોટાભાગની નિકાસ અમેરિકાના બજારમાં થાય છે. જેના પાર ટેરિફ લાદવામાં આવ્યું છે તેમાં 460 બિલિયન ડોલરથી વધુની કિંમતના વાહનો અને ઓટો પાર્ટ્સનો સમાવેશ થાય છે.
વિયેટનામના વાણિજ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે તે ચીનથી આયાત થતા કેટલાક ગેલવેનાઈઝડ સ્ટીલ ઉત્પાદનો પર 31.73% અને દક્ષિણ કોરિયાથી આયાત થતા કેટલાંક ઉત્પાદનો પાર 15.67% સુધીની હંગામી એન્ટી ડમ્પિંગ – આયાત ડ્યુટી લાદશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ડ્યુટી 16 એપ્રિલથી 120 દિવસ સુધી લાગૂ કરવામાં આવશે.
યુ.બી.એસ.ના અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે આગામી ત્રણથી છ માસમાં હાલના ટેરિફ દરોમાં ઘટાડો કરવામાં નહીં આવે તો અમેરિકા એક ‘વાસ્તવિક મંદી’માં સપડાઈ જશે, જે થતાં શેરબજારમાં મોટા ઘટાડા જોવાઈ શકે. બેંકે એ પણ ચેતવણી ઉચ્ચારી છે કે, ટેરિફમાં સક્રિયપણે ઘટાડો લાવવામાં નિષ્ફળતાથી નકારાત્મક આર્થિક પરિદ્રશ્ય ઉભું થઇ શકે છે. VIX ઇન્ડેક્સ કે જેને વોલ સ્ટ્રીટ ‘ગભરાટના ગેજ’ તરીકે માને છે, તે શુક્રવારે, જયારે ચીને અમેરિકા પર સામા ટેરિફ લાદ્યા ત્યારે, કોવિડ મહામારી પછીના બીજા સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યો છે. આ અઠવાડિયે યુ.બી.એસ.એ તેનાં S&P 500 ના તેનાં ટાર્ગેટમાં ઘટાડો કર્યો છે અને અમેરિકન ઇકવીટીને ‘આકર્ષક’ થી ઘટાડીને ‘ન્યુટ્રલ’ કરી છે.
જે.પી. મોર્ગન ચેસ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી માઈકલ ફેરોલીએ, ટ્રમ્પ દ્વારા તાજેતરમાં કરાયેલ ટેરિફની જાહેરાતોને પગલે, ઇકોનોમિક આઉટલૂક ડાઉનગ્રેડ કર્યું છે. બેન્કને હવે અમેરિકાના વાસ્તવિક જી.ડી.પી.માં સંકોચનની દહેશત છે, સમગ્ર વર્ષ નો વિકાસદર -0.3% રહેવાનું અનુમાન છે, જે અગાઉના 1.3% ના અનુમાન કરતાં ઘણું નીચે છે. આવનારી આ મંદીને પગલે બેરોજગારી વધીને 5.3% થવાની શક્યતા છે. આ સિવાય જેપી મોર્ગને કોર PEC ઈન્ફ્લેશન એસ્ટીમેટ 1.4% વધારીને 4.4% કર્યો છે. મોંઘવારીમાં આ વધારા છતાં બેન્કને હજુ આશા છે કે યુ.એસ. ફેડરલ જૂન મહિના થી વ્યાજદરોમાં નીતિની શરુ કરશે.
અમેરિકાએ ઊંચા ટેરિફવાળા ઘણાં દેશોમાંથી તમામ આયાતો પાર એકતરફી 10% ટેરિફ વસૂલવાનું શરુ કર્યું છે. બેઝ ટેરિફ પોર્ટ્સ, એરપોર્ટ્સ અને તમામ બોર્ડર ગોડાઉનો પર લાગૂ પડી ગયું છે. ટેરિફથી સહુથી વધુ પ્રભાવિત થનાર દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટિશ કોલંબિયા, આર્જેન્ટિના, ઇજિપ્ત અને સાઉદી આરબ સામેલ છે.
અમેરિકન અર્થતંત્રએ માર્ચ મહિનામાં અનુમાનથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે, પણ પાછલાં મહિનાના આંકડામાં સુધારો કરી ઘટાડો કરવામાં આવ્યો છે અને બેરોજગારી દરમાં વૃદ્ધિ થઇ છે. તેનાથી આર્થિક અનિશ્ચિતતા વધી છે. કેમકે, યુ.એસ. ફેડના હોદ્દેદારો વ્યાજદરો માટે આગળની રાહ શોધી રહ્યા છે. આ મહિના માટે બીનકૃષિ વેતન 228000 રહ્યું, જે ફેબ્રુઆરીના સુધારેલ 117000 થી વધારે હતું. અર્થશાસ્ત્રીઓએ માર્ચ માં 137000 નોકરીઓનું અનુમાન લગાવ્યું હતું, જ્યારે ફેબ્રુઆરીમાં આ આંકડો 151000 હતો. આ દરમ્યાન બેરોજગારી દર 4.2% હતો, જે ફેબ્રુઆરીમાં 4.1% થી ઉપર હતો.

ભારતીય બજાર:
આગળ વધતી મંદી અને ટ્રેડ વોરની વધતી આશંકાઓની મધ્યે ચોતરફી વેચવાલીને કારણે શુક્રવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવાયો. સેન્સેકસ 930.67 પોઈન્ટ (1.22%) ઘટીને, 2923 ઘટનાર શેર્સ અને 1029 વધનાર શેર્સ સાથે, 75364.69 બંધ રહ્યો. નિફ્ટી આંક 345.65 (1.49%) ઘટીને 22904.05 બંધ રહ્યો ચ્હે. નિફ્ટી મેટલમાં સહુથી વધુ 6% નો ઘટાડો જોવાયો. ફાર્મામાં લગભગ 4% અને ત્યારપછીના ક્રમે ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી માં લગભગ 3.5% ના ઘટાડા જોવાયા. નિફ્ટી આઈ.ટી.માં 3.25%નો ઘટાડો જોવાયો. ઝડપભેર બ્રેકઆઉટ આપ્યા પછી નિફ્ટી સ્પોટ ફરી પાછી પેલી ફોલિંગ ચેનલની અંદર આવી ગઈ, 23000 ની નીચે વેચવાલી વાળા ઝોનમાં અને 200 DMA થી વિશેષપણે નીચે આવી ગઈ, જે મંદીનું ચિત્ર દર્શાવે છે. આ સિવાય, ઇન્ડેક્સ, જ્યાં તે ત્રણ વાર ટકી ગયો હતો તે, 23100 ના મહત્વપૂર્ણ ટેકાની નીચે સરકી ગયો છે. આ ઘટનાક્રમ બજારમાં હજુ ઘટાડો આવવાનું દર્શાવે છે. શુક્રવારે મોડી સાંજે ગિફ્ટ નિફ્ટી 22400 પર જોવા મળી. ટેકનિકલ પેરમીટર્સ પર જોઈએ તો મુખ્ય લેવલ 22700 છે જેનો ઉલ્લેખ અગાઉના લેખોમાં કરવામાં આવ્યો છે. હવે, રસપ્રદ વાત એ છે કે, ગયા અઠવાડિયે મે સાહસ કરીને લખ્યું હતું કે ચાર્ટ પર ચિત્ર પોઝિટિવ જણાઈ રહ્યું છે અને નિફ્ટી એક પછી એક રત્નો પોતાના મૂગટમાં જડી રહી છે અને ધીમેધીમે આગળ ધપી રહી છે. આખરે નિફ્ટી ચાર્ટ મુજબ ચાલતી રહી અને છેલ્લે શુક્રવારે તેણે હથિયાર હેઠાં મૂકી દીધા. આથી, હવે આપણે, ટેરિફ અને તેને પગલે અમેરિકી તેમજ ગ્લોબલ બજારોમાં જોવા મળેલ વેચવાલીને માન આપી, આપણો વ્યૂ બદલવો જરૂરી છે. ખેર, ટેકનિકલ ચાર્ટ જોતાં હજુપણ બજાર સાવ ખરાબ નથી થયું. ‘ટેરિફે’ ગ્લોબલ માર્કેટ્સને પ્રભાવિત કર્યા છે અને તેનાથી ભારતને પણ હાનિ થાય તેમ છે. સમગ્રપણે જોઈએ તો, 22,400 ની નીચેની ચાલ જોવાયા પછી બજારની ચાલ બદલાઈ હોવાનું માનવાનું રહે. કેમકે, અગાઉના ઘટાડા વખતે આપણે જોયું છે કે, 21964 વાળો લો બન્યો તે પહેલા 22,400 મુખ્ય ટેકા તરીકે સારો એવો સમય ટકેલું રહ્યું હતું. તેથી, હવે જ્યાં સુધી 22,400 ની ઉપરનો બંધ જોવા ન મળે ત્યાં સુધી બજાર ફરી તેજીમાં આવ્યું હોવાનું માની શકાય નહિ. છતાં, અન્ય એક પાસું ધ્યાને લેવા જેવુ છે. એ બાબતે ઇનકાર ન કરી શકાય કે ટેરિફ અને ટ્રેડ વોરને પગલે બજારોની ચાલ અકળ બની છે, જેમાં રિસ્ક મેનેજમેંટમાં સહેજે ગફલત કરી, તો ભારે નુકશાન સહન કરવાનું આવે. છતાં, નિફ્ટીમાં એક ‘ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર’ પેટર્ન બની છે, તેને નજરઅંદાજ ન કરી શકાય.

નિષ્કર્ષ:
નિફ્ટી50 ફરીવાર પેલી ફોલિંગ વેજની અંદર આવી ગઈ છે, જેનાથી તેજી આગળ ધપવી મુશ્કેલ બની છે, જે ફરી એકવાર બજારમાં નરમી આવી રહી હોવાનો સંકેત આપે છે અને 22000 સુધીના ઘટાડાની શક્યતા વધી ગઈ છે. તેનાથી વિપરીત, ટેકનિકલ ચાર્ટ પર ફરી એક પેટર્ન રચાઇ છે, જે તેજીનો સંકેત આપે છે. આ પેટર્ન સમજવા માટે આ કૉલમ સાથે નિફ્ટીના ચાર્ટનું જે ચિત્ર આપ્યું છે તેના પર નજર કરવાની રહે છે. તેમાં જોઈ શકાય છે તેમ, કોઈક ઉંધા લટકેલાં માણસના બે ખભા વચ્ચે માથું જોઈ શકાય છે. તેને ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર કહે છે. તે તેજીનો સંકેત આપતી પેટર્ન છે. આ પેટર્નમાં ‘નેક લાઇન’ 23800/900 આસપાસ છે. જો કે, કોઈપણ ટેકનિકલ પેટર્નની જેમ, આ પેટર્ન પણ, સંપૂર્ણપણે સાચી જ પૂરવાર થાય તેવું નથી. દરેક ટેકનિકલ પેટર્ન પરિસ્થિતિઓને આધીન હોય છે. આપણે હમણાં જ ‘ફોલિંગ વેજ’ માંથી આવેલ બ્રેક-આઉટને પાછું અવળું થતાં જોઈ રહ્યા છીએ. સામાન્ય રીતે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર ડાઉન ટ્રેન્ડ પછી બનતો હોય છે. અહી વાચક મિત્રોને તે અવઢવ થઈ શકે કે આવી પરસ્પર વિરોધાભાસી પરિસ્થિતીમાં શું કરવું? આગળ જે જણાવ્યુ છે તેમ, હાલ મામલો પેચીદો બની ગયો છે, કેમકે બે અસામાન્ય વ્યૂ એકસાથે બની રહ્યા છે. એક તેજી તરફી છે અને બીજો મંદી તરફી. તો આવી સ્થિતિમાં શું કરી શકાય? મારી દ્રષ્ટિએ, આવા સમયે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ વધુ કારગર નીવડે. આગળની ચાલ માટે મહત્વપૂર્ણ લેવલ્સ પર નજર રાખવાની રહે. તે રીતે જોતાં, હાલ નિફ્ટી માટે મહત્વપૂર્ણ ટેકો છે 22700/22400. જો કોઈપણ સંજોગોમાં બજાર આ સ્તરની નીચે જ ખૂલે અને ઘટાડા સાથે, આ લેવલની નીચે જ બંધ રહે, તો નવું લેણ કરવું ટાળવું ઠીક રહે. આ દરમ્યાન ધીરજપૂર્વક જોવાનું રહે કે, શું બજાર 21964 નો ટેકો જાળવી રાખે છે કે નહિ. જો નિફ્ટી 22400 નો ટેકો જાળવી રાખવામાં અને તેની ઉપર બંધ રહેવામાં સફળ થાય છે, તો એક સમયે કોન્ટ્રા ટ્રેડ લઈ શકાય. કેમ કે, પેલા ફોલિંગ વેજમાંથી જોવાયેલ બ્રેકઆઉટ હાલ તો ઠગારું નિકળ્યું હોવા છતાં, નિફ્ટી પોતાના મુગટમાં બીજું એક રત્ન જડી રહી છે તે આ ‘ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર’ પેટર્ન.
ટ્રેડિંગ રેન્જ :
હવે નિફ્ટીને 23000 ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરવામાં મુશ્કેલી નડી શકે છે અને વેચવાલીનું જોર વધતાં 22400/22200 પર હેમરિંગ થતું જોવાઈ શકે છે. છતાં 21964 નો લો એક મહત્વનો ટેકો છે. ઉપરમાં, 23140/23200 પર મંદીવાળા વેચાણ કરવાનો પ્રયત્ન કરતાં જોવાય. એટલે 23150 સુધીના દરેક ઉછાળે 23425/550 ના સ્ટોપલોસથી શોર્ટ કરી શકાય. બીજી તરફ, જો નિફ્ટી 22400/700 વાળી રેન્જ ટકાવી રાખવામાં સફળ રહી અને ત્યારબાદ 23200 ને સફળતાપૂર્વક પાર કરી ગઈ, તો 23800/900 ની પેલી ‘ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર’ની નેકલાઈનને સ્પર્શવા તે ફરી પ્રયત્ન કરશે.
નોંધ: 21964 ની નીચેનું બ્રેકડાઉન તેજીનો માહોલ ખરડે, જ્યારે 22900 ની ઉપરનું બ્રેકઆઉટ નવી તેજીનો માર્ગ મોકળો કરે.