મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે આજથી શરુ થયેલા સંસદના શિયાળા સત્રના પ્રથમ દિવસે જ અદાણી મુદ્દો છવાઇ ગયો હતો અને લોકસભા તથા રાજ્યસભામાં વિપક્ષોએ અદાણી ઉપરાંત વકફ સંશોધન ખરડા મુદ્દે ચર્ચાની માંગણી સાથે જબરી ધાંધલ-ધમાલ મચાવતા લોકસભા અને રાજ્યસભા મુલત્વી રાખવાની ફરજ પડી હતી.
-છેલ્લા બે દિવસથી ગાજી રહેલા અદાણી મુદાની અસર સંસદના શિયાળુ સત્રમાં દેખાશે તે નિશ્ચિત હતી અને વિપક્ષોએ લોકસભામાં આ મુદ્ે સભા મોકુફી દરખાસ્ત પણ રજુ કરી હતી પરંતુ અધ્યક્ષે તેના પર વિચારણા અંગે કોઇ સંકેત આપે તે પૂર્વે જ વિપક્ષોએ અદાણી ગ્રુપ દ્વારા ભારતમાં સોલાર વિજળી વેચવા મુદે જે લાંચ આપ્યાનો આક્ષેપ છે તેને આગળ ધરીને સંસદમાં ચર્ચાની માંગણી કરી હતી.
જો કે સરકાર તેમાં કોઇ રીતે સહમત થવા તૈયાર ન હોવાનો સંકેત આપી દીધો હતો. લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ સત્રના બે સમયગાળા વચ્ચે દિવંગત થયેલા સાંસદોને અન્ય મહાનુભાવોને શ્રધ્ધાંજલિ આપતો પ્રસ્તાવ રજુ કર્યો હતો.
બાદમાં વિપક્ષોએ અદાણી મુદ્દે હંગામો શરુ કરી દેતા ગૃહ મુલત્વી રાખ્યું હતું. રાજ્યસભામાં પણ વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ અદાણી મુદ્દે ચર્ચાની માંગણી કરી હતી પરંતુ સભાપતિ જગદીપ ધનખડએ નિયમનો હવાલો આપીને ચર્ચાની માંગણી ફગાવી દીધી હતી અને વિપક્ષોએ ધમાલ ચાલુ રાખતા ગૃહ આજના દિવસે મુલત્વી રાખવામાં આવ્યું હતું. હવે અદાણી મુદ્દે સંસદના શિયાળુ સત્રમાં પણ કામકાજ થશે કે કેમ તે પ્રશ્ન છે.