
ઉદ્યોગ જગતના એક અહેવાલ મુજબ નવેમ્બર માહિનામાં માંગ ઘટતાં ટ્રકોના નૂરભાડાંની આવકો ઘટી છે. પોતાના માસિક બુલેટિનમાં શ્રીરામ ફાયનાન્સે જણાવ્યુ છે કે આ ઘટાડો મહદઅંશે નબળી શહેરી માંગ, પ્રદૂષણને કારણે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં ટ્રકો પરનો પ્રતિબંધ, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી અને ખેતપેદાશોના પરિવહનમાં ઘટાડાને કારણે છે.
હાલ કાર્યરત મોટાભાગની ટ્રકસ બેઝ-4 કોમ્પ્લાયન્સવાળી છે, જ્યારે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રવેશ માટે બેઝ-6 નો નિયમ છે. આથી મોટાભાગના ટ્રક દિલ્હી બોર્ડર સુધી માલનું પરિવહન કરે છે અને ત્યાંથી નાના સી.એન.જી. તેમજ અન્ય બેઝ-6 વાળા ટ્રકમાં માલનું પરિવહન કરવામાં આવે છે. તેથી લાગત વધે છે અને પડતર ઊંચી આવી રહી છે.
શ્રીરામ ફાયનાન્સના બુલેટિન મુજબ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને કારણે પણ પરિવહનની કામગીરી પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત નવેમ્બરની શરૂઆતની તહેવારોની મોસમ પૂરી થતાં, માંગ ઘટી છે. વળતાં ફેરા વાળા રૂટ પર પણ પરિવહન કામગીરી ધીમી પડી છે. દિલ્હી – ચેન્નાઈ – દિલ્હી અને દિલ્હી – બેંગલોર – દિલ્હીના રૂટ પરના પરિવાહનમાં આગલા માસની સરખામણીએ અનુક્રમે 1.4 ટકા અને 1 ટકાનો ઘટાડો થયો છે.
શ્રીરામ ફાયનાન્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી વાય.એસ. ચક્રવર્તીએ કહ્યું કે, પરિવહન ક્ષેત્રમાં તહેવારની મોસમની ચમક ઝાંખી પડી ગઈ છે. પહેલા ત્રિમાસિકમાં પ્રાઈવેટ કઞ્ઝમ્પશન કે જે 7.6 ટકા હતું તે ગયા ત્રિમાસિકમાં ઘટીને 6 ટકા થયું છે. ભારતના કુલ ઘરૂલું ઉત્પાદનમાં તેનો ફાળો 60 ટકા જેટલો હોય છે.” આ પ્રાઈવેટ કઞ્ઝમ્પશનના ધીમા પાડવાને પગલે ટ્રકોની નૂરભાડાં આવકો ઘટી રહી છે.
જો કે, આગલા ત્રિમાસિકમાં કૃષિ ઉત્પાદનમાં 2 ટકાની વૃદ્ધિની સરખામણીએ આ ત્રિમાસિકમાં તેમાં 3.5 ટકાની વૃદ્ધિ થઈ છે, જે એક સારી બાબત છે. સાથે જ નવેમ્બર માસમાં દ્વિચક્રી વાહનોના વેચાણમાં આગલા મહિનાની સરખામણીએ 27 ટકાનો વધારો થયો છે. આ વધારો મુખ્યત્વે તહેવાર સિઝનની સ્પિલ-ઓવર ઇફેક્ટ હોઇ શકે. કેમ કે, દિવાળી ઓક્ટોબર માસની આખર તારીખોએ હતી. તેથી ત્યારપછીના મહિને માંગ આવી હોઈ શકે છે.
બીજી તરફ કોમર્શિયલ વાહનોના વેચાણમાં 32 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. ઓક્ટોબર મહિનાના અપવાદને બાદ કરતાં ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ પણ મહિને દરમહિને ઘટતું રહ્યું છે. ઇલેક્ટ્રીક કારનું વેચાણ 32 ટકા, તો ઇલેક્ટ્રીક દ્વિચક્રી વાહનોનું વેચાણ 19 ટકા ઘટ્યું છે.