જમશેદપુર (PTI): ટાટા સ્ટીલના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર ટી. વી. નરેન્દ્રને બુધવારે જણાવ્યું હતું કે જ્યારે સ્ટીલ ક્ષેત્રે વિશ્વમાં ચીનની આક્રમક નીતિ જેવા પરિબળોને કારણે નફાકારકતા જાળવી રાખવી સંઘર્ષપૂર્ણ બની રહી છે, ત્યારે ભારતમાં ધાતુની માંગ અને તેનો વપરાશ વધતો રહ્યો છે.
અહીં નવા વર્ષની કેક કટિંગ ઇવેન્ટમાં એક જનમેદનીને સંબોધતા નરેન્દ્રને જણાવ્યું હતું કે સ્ટીલના માર્જિનમાં ઘટાડો થતાં અને નફો મેળવવા માટે સતત સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે 2023 અને 2024 આ ક્ષેત્ર માટે મુશ્કેલ રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સંઘર્ષો દરમિયાન ચીનમાં લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે.
તેમણે કહ્યું કે વિશ્વના વિવિધ ભાગોમાં બનતી ઘટનાઓની ભારત પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ અસર પડે છે. જો કે, દેશ જે સૌથી નોંધપાત્ર પડકારનો સામનો કરી રહ્યો છે તે ચીનમાં મંદી છે, જ્યાં રિકવરી હજી સાકાર થવાની બાકી છે.
નરેન્દ્રને ચીનની ગેરવાજબી સ્પર્ધા નીતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ભારત સરકારને સ્થાનિક ઉદ્યોગોની સુરક્ષા માટે પગલાં લેવા વિનંતી કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પડકારો છતાં ટાટા સ્ટીલ તેની સ્પર્ધાત્મકતા અને સ્ટીલની વધતી માંગને કારણે ભારતમાં સારી સ્થિતિમાં છે અને નફાકારકતા જાળવવા સક્ષમ છે.
અમેરિકા, કેનેડા અને યુરોપિયન દેશો સહિત ઘણા દેશોએ તેમના ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે પહેલેથી જ પગલાં લીધાં હોવાનો દાવો કરતા નરેન્દ્રને ભારતમાં ચીનથી થતી સ્ટીલની આયાત સામે તેવાં જ પગલાં લેવા હાકલ કરી હતી, કેમ કે સ્ટીલ ક્ષેત્ર સંપત્તિ અને રોજગારીનું સર્જન કરવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે.
ભારતમાં સ્ટીલની માંગ 8 ટકાના દરે વધી રહી હોવા છતાં, નરેન્દ્રને ધ્યાન દોર્યું હતું કે માર્જિન સંકોચન એક પડકાર છે. તેમણે મૂલ્ય સંવર્ધન (વેલ્યુ એડિશન)ના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
તેમણે ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢ જેવા ખનીજ સમૃદ્ધ રાજ્યોનો લાભ લેવાની તક વિશે પણ વાત કરી હતી અને વિનંતી કરી હતી કે ભારતે આ ખનીજ સંસાધનો કે જે રોજગારસર્જન માટે સક્ષમ છે તેને ઉદ્યોગોમાં રૂપાંતરિત કરવાની તક ગુમાવવી જોઈએ નહીં.
નરેન્દ્રને આ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે વધુ પ્રોત્સાહનોની હિમાયત કરી હતી અને જણાવ્યું હતું કે સ્ટીલ ઉદ્યોગ વાર્ષિક રૂ. 40,000 કરોડ થી રૂ.50,000 કરોડ જેટલું રોકાણ કરી રહ્યો છે. તેમણે દેશના વિકાસ માટે ખાનગી ક્ષેત્રના રોકાણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
ટાટા સ્ટીલ માટે પાછલું વર્ષ પડકારજનક હતું તે સ્વીકારતા નરેન્દ્રને ઓડિશામાં ટાટા સ્ટીલના કલિંગનગર પ્લાન્ટમાં દેશની સૌથી મોટી બ્લાસ્ટ ફર્નેસ કાર્યરત થવાને એક મુખ્ય સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. તેમણે આ પરિયોજનાને સલામત અને સફળ રીતે કાર્યરત કરવા માટે ટાટા સ્ટીલ ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
કર્મચારીઓ અને સ્થાનિક સમુદાય બંનેને લાભ થાય તે માટે ટાટા સ્ટીલ સ્ટાફ ક્વાટર્સ અને શાળાઓનું નિર્માણ જેવી અન્ય પહેલ પર પણ કામ કરી રહી છે. ઝારખંડમાં નવી સરકાર વિશે એક પ્રશ્નના જવાબમાં નરેન્દ્રને ઉલ્લેખ કર્યો હતો કે સરકાર સાથે ચર્ચા થઈ હતી અને ટાટા ગ્રૂપે રાજ્યના વિકાસ માટે સહકારની ખાતરી આપી હતી.
તેમણે આયર્ન ઓર, કોલસા સહિત ઝારખંડના વિશાળ ખનિજ સંસાધનો અને સ્ટીલ અને ઓટોમોટિવ ઉત્પાદનમાં તેની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો અને રોજગાર-સર્જન માટે મૂલ્ય સંવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.