ભારતમાં મોંઘવારીના વધતાં ભારણ વચ્ચે મધ્યમ વર્ગ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ધનિક વધુ ધનિક બનતો જોવા મળ્યો છે. તેમાં પણ એચએસબીસીના રિપોર્ટમાં ભારતીય ધનિકો વિશ્વના સૌથી મોટા ગ્રાહક બની રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
એચએસબીસીના ગ્લોબલ આંત્રપ્રિન્યોરિયલ વેલ્થ રિપોર્ટ 2024 અનુસાર, આર્થિક અસ્થિરતા અને વૈશ્વિક પડકારો હોવા છતાં ભારતીય ધનિકો સૌથી વધુ ખર્ચ લકઝરી ગુડ્સ પાછળ કરે છે. 56 ટકા ભારતીય ધનિકો લકઝરી ગુડ્સ પાછળ ખર્ચ કરે છે. જ્યારે વૈશ્વિક સ્તરે માત્ર 40 ટકા ધનિકો લકઝરી ગુડ્સ ખરીદે છે. તેઓ સ્થાનિક બજારમાં વધુ વિશ્વાસ ધરાવે છે.
ભારતના ધનિક ઉદ્યોગ સાહસિકો રોકાણને પણ એટલું જ પ્રાધાન્ય આપી રહ્યા છે. દર દસમાંથી આઠ (82 ટકા) ધનિકો સ્ટોક, બૉન્ડ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે. આ રેશિયો ટોચના દસ આંતરરાષ્ટ્રીય બજારોમાં ધનિક બિઝનેસમેન કરતાં વધુ છે. 98 ટકા ભારતીય ઉદ્યોગ સાહસિકોને આગામી સમયમાં સંપત્તિના ભાવમાં વધારો થવાનો આશાવાદ છે. જ્યારે 61 ટકા લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા છે.
દેશના ધનિક ઉદ્યોગ સાહસિકો ભારતીય બજાર પર વધુ વિશ્વાસ ધરાવે છે. 75 ટકા બિઝનેસમેન દેશમાં જ બિઝનેસ કરવા માગે છે. 32 ટકા બિઝનેસમેન આગામી 12 મહિનામાં અન્ય વિદેશી બજારો પર કોઈ ફોકસ કરશે નહીં. જ્યારે અમુક ઉદ્યોગ સાહસિકો યુકે, યુએઈ, સિંગાપોર અને અમેરિકા જેવા પ્રચલિત બજારમાં બિઝનેસ કરવાની યોજના ધરાવે છે.