
દુબઈ : વિશ્વના બીજા સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બાયબીટમાંથી ઉત્તર કોરિયાના હેકર્સે દોઢ બીલિયન અમેરિકન ડોલરના મૂલ્યની ક્રિપ્ટો એસેટ્સની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. યુ.એસ.ની તપાસ સંસ્થા ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશને 26 ફેબ્રુઆરીના રોજ ‘પબ્લિક સર્વિસ એનાઉન્સમેન્ટ’ જાહેર કરી છે, જેમાં ઉત્તર કોરિયા સ્થિત ‘ટ્રેડર ટ્રેટર’ (ગદ્દાર વેપારી)ના માસ્ક આઈ.ડી. થકી આ ઉચાપતને અંજામ આપવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન ટ્રેડિંગના ઇતિહાસમાં આ સૌથી મોટી ઉચાપત હોવાનું કહેવાય છે.
કોણે અને કેવી રીતે કરી આટલી મોટી તફડંચી ?
તથાકથિત ક્રિપ્ટો એક્ષચેન્જને અમુક ક્રિપ્ટો એસેટ્સ પોતાના કોલ્ડ વોલેટમાં રાખવાની હોય છે. શરૂઆતમાં કોઈપણ પોતાની ક્રિપ્ટો લોન્ચ કરી શકતાં હતા. (ક્રિપ્ટોનો આઈ.પી.ઓ. લાવી શકતાં હતા.) હજુપણ ક્રિપ્ટો એસેટ્સનો કોઈ પ્રસ્થાપિત નિયમનકાર નથી. પરંતુ, જે તે દેશના સિકયોરિટિસના નિયમનકારો પોતપોતાના નાગરિકોના હિતોની રક્ષા માટે પગલાં લેતાં રહે છે. ક્રિપ્ટો લોન્ચ કરવા ઇચ્છુક વ્યક્તિ તથાકથિત એક્સચેન્જમાં અમુક ક્રિપ્ટો એસેટ્સ તેનાં કોલ્ડ વોલેટમાં ડિપોઝિટ કરે છે. ધારો કે, કોઈ ‘લલ્લુભાઈ કોઈન’ લોન્ચ કરવા માંગતુ હોય અને તે વ્યક્તિ 50 લાખ ડોલર્સ જેટલું મૂલ્ય ધરાવતી અન્ય ક્રિપ્ટો એક્ષચેન્જના કોલ્ડ વોલેટમાં ડિપોઝિટ કરે તો તેની લોન્ચ થતી ‘લલ્લુભાઈ કોઈન’ નામની ક્રિપ્ટોનું કુલ મૂલ્ય ઓછામાં ઓછું 50 લાખ ડોલર ગણાય. પછી જેવો સટ્ટો જામે, તેવો ભાવ બને.
આ વ્યવસ્થામાં તથાકથિત ક્રિપ્ટો એક્સચેન્જ પોતાની પાસે ‘કોલ્ડ વોલેટ’ અને ‘હોટ વોલેટ’ રાખતાં હોય છે. જેમ સ્ટોક એક્સચેન્જમાં થતાં સોદાઓના ક્લીયરિંગ માટે પૂલ એકાઉન્ટ હોય છે, તેવી વ્યવસ્થા.
FBI દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ એડવાઇસ મુજબ, ઉત્તર કોરિયાના હેકર્સે આ ‘કોલ્ડ વોલેટ’ની નબળાઈનો લાભ લીધો અને 21 ફેબ્રુઆરી કે તે પછીના કોઈક દિવસે તેમણે બાયબીટના કોલ્ડ વોલેટમાંથી ચાર લાખ ઇથેરિયમ કોઈન સેરવી લીધા, જેનું મૂલ્ય 1.5 બિલિયન અમેરિકન ડોલર જેટલું થાય છે. મામલાની જાણ થયા પછી વિવિધ ખાનગી તપાસ સંસ્થાઓ, ક્રિપ્ટો નિષ્ણાતો, ઓનલાઈન ટ્રાન્ઝેક્સનના તજજ્ઞોની સેવાઓ લેવામાં આવી અને તમામ પાસાંઓ ઉત્તર કોરિયા સ્થિત સાઇબર હુમલાઓ આચરતા આઈ.પી. તરફ દોરી જતાં હતા. FBIએ ઉકત એડવાઇસમાં ઉત્તર કોરિયાના હેકર્સ દ્વારા જે ક્રિપ્ટો એસેટ્સની તફડંચી કરવામાં આવી છે તેનાં બ્લોકચેન આઈ.ડી. જાહેર કર્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ આ હેકર્સ સતત ક્રિપ્ટો એસેટ્સ એક વોલેટથી બીજા વોલેટમાં ફેરવી, સંખ્યાબંધ વ્યવહારોનું જાળું ઊભું કરી રહ્યા છે, કે જેથી આ સમગ્ર મામલામાં ‘મની ટ્રેલ’ મળે નહીં.
પોતાના વેપન્સ પ્રોગ્રામ ચલાવવા ઉત્તર કોરિયાએ તૈયાર કરી હેકર્સ આર્મી :
યુ.એસ. તેમજ યુરોપની વિવિધ તપાસ સંસ્થાઓએ વારંવાર જાહેર કર્યું છે કે, ઉત્તર કોરિયા પોતાના ન્યુક્લિયર અને અન્ય હથિયારો વિકસાવવા માટે સાઇબર અપરાધીઓ તૈયાર કરી રહ્યું છે. ઉત્તર કોરિયા પાસે કોઈ મોટો ઉદ્યોગ નથી અને તે કોઈ માલસામાનની નિકાસ કરી ડોલર કે યુરો કમાઈ શકે તેવી સ્થિતિમાં નથી. તેથી તેણે હેકર્સની એક આખી સેના ઊભી કરી છે, જે સાઇબર ગુના મારફત ડોલર્સ કમાઈ લાવે છે.
બાયબીટના સી.ઇ.ઓ. બેન ઝોઉએ 11 માર્ચના રોજ મામલો જાહેર કર્યો.

બાયબીટના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બેન ઝોઉએ એક જાહેર નિવેદન કરી સમગ્ર મામલાની જાણકારી આપી. નોંધવું રહ્યું કે, અગાઉ બાયબીટ સિંગાપોર સ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ હતું. 2022 બેને તેને સિંગાપોરથી દુબઈ સ્થાનાંતરિત કર્યું છે.
બાયબીટ અને ભારત:
12 જાન્યુઆરી 2025 ના રોજ ભારતના ફાઈનાન્શિયલ ઇન્ટેલીજન્સ યુનિટ (FIU-IND)એ બાયબીટ ને સસ્પેન્ડ કર્યું હતું. મની લોંડરિંગ કાયદા હેઠળની નિયમનકારી જોગવાઈઓની પૂર્તતા નહીં કરવા બદલ આ પગલું લેવામાં આવ્યું હતું. 10.6 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ, બાયબીટે 26 ફેબ્રુઆરી (આ ચોરી થયાના પાંચ દિવસ પછી) ભારતમાં નિયમનકારી પૂર્તતાઓ પૂરી કરી, પોતાનું કામકાજ ફરી શરૂ કર્યું હતું. આમ, આટલી મોટી ઘટના બન્યાના પાંચ દિવસ પછી બાયબીટે ભારતીય બજારમાં કામ પાછું શરૂ કર્યું હોઈ, આ મામલો ગંભીર બને છે. ભારતીય રોકાણકારોના નાણાં ફસાવવા માટે બાયબીટે આમ કર્યું છે કે કેમ તેની તપાસ થવી જરૂરી બને છે. જો કે, સૂત્રોથી મળતી જાણકારી મુજબ, FIUએ આ સમગ્ર મામલે શકયતમ ચોકસાઇ જાળવી છે અને તેથી ભારતીય રોકાણકારો મોટી નુકશાનીથી બચી ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
સ્ટોક ટુડેની ભવિષ્યવાણી સાચી પડી:
તારીખ 3 ફેબ્રુઆરીના અંકમાં (એસ્ટ્રો)લોજિકલ કૉલમમાં જણાવવામાં આવ્યું હતું કે, તા.1 માર્ચ થી 20 માર્ચની વચ્ચે ક્રીપ્ટોમાં કોઈ મોટું કૌભાંડ ખુલ્લુ પડે.

ફાઈનાન્શિયલ ઇન્ટેલીજન્સ યુનિટ (FIU-IND):
ભારત સરકારની આ સંસ્થા નાણાંમંત્રીની સીધી દેખરેખ હેઠળ કાર્ય કરે છે. મોટાપાયાની નાણાંકીય છેતરપિંડીઓ, કૌભાંડોમાં તે ઇન્ટેલ પૂરી પાડે છે. વિશ્વના તથાકથિત સૌથી મોટાં ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનન્સ સામે પણ FIU એ પગલાં લીધા છે. જૂન 2024 માં તેને 22.50 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 2004 થી આ સંસ્થા કાર્યરત છે અને તેનું મુખ્યમથક કોનોટ પેલેસ, નવી દીલ્હીમાં આવેલું છે.