મુંબઈ : ભારતીય ટીમનાં કેપ્ટન રોહિત શર્મા વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રી જેવાં મુંબઈનાં દિગ્ગજ ક્રિકેટરો પણ આ કાર્યક્રમમાં હાજર હતાં. ફોટોશૂટ દરમિયાન રોહિતે કંઈક એવું કર્યું જેણે કરોડો ભારતીયોનાં દિલ જીતી લીધાં.
ભૂતપૂર્વ ક્રિકેટરોએ રોહિતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવવા માટે કહ્યું હતું, પરંતુ રોહિતે એવી રીતે ના પાડી દીધી કે દિગ્ગજ પણ પ્રભાવિત થઈ ગયાં. તેમણે તમામ દિગ્ગજ ક્રિકેટરોને ટ્રોફી સાથે ફોટો પડાવવા માટે કહ્યું હતું. રોહિતના આ પગલાથી ચાહકોના દિલ ખુશ થઈ ગયાં. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રી રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફીની નજીક આવવા માટે કહે છે, પરંતુ રોહિતે નમ્રતાથી તેમનું આમંત્રણ નકાર્યું અને સિનિયર ખેલાડીઓને સ્ટેજની વચ્ચે આવવા કહ્યું હતું. સચિન તેંડુલકર, શાસ્ત્રી અને ગાવસ્કરે ટ્રોફીની પાછળ પોઝ આપ્યો, જ્યારે રોહિત સ્ટેજની ડાબી બાજુએ ઊભો હતો.
આ સિવાય રોહિતે રવિ શાસ્ત્રીને પણ આવું સન્માન આપ્યું હતું. જ્યારે તમામ મહાન ખેલાડીઓ ખુરશીઓ પર બેઠાં હતાં, ત્યારે રવિ શાસ્ત્રી બાજુમાં જઈને બેઠાં હતાં, પરંતુ રોહિતે તેને સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર સાથે વચ્ચે બેસવાનું કહ્યું અને તે પોતે તેની ડાબી બાજુ બેસી ગયો.