રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૧.૦૩ લાખથી વધુ લાભાર્થીઓને રૂ.૩૨૯૫ કરોડથી વધુની લોન અપાઈ, ૭૬,૧૧૫ લાભાર્થીઓને રૂ.૬૩૧ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી
વાજપેયી બેંકેબલ યોજના હેઠળ આપવામાં આવતી લોનની રકમમાં વર્ષ ૨૦૨૫-૨૬થી વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ, અરજદારને અગાઉ રૂ. ૮ લાખની લોનની સામે મહત્તમ રૂ.૧,૨૫,૦૦૦ની સબસિડી સહાય આપવામાં આવતી હતી. જેના સ્થાને નવા સુધારા મુજબ લોનની રકમ વધારીને રૂ. ૨૫ લાખ કરવામાં આવી છે, જ્યારે લોનની સામે મહત્તમ રૂ.૩,૭૫,૦૦૦ની સબસિડીનો લાભ આપવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ અંગે વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ ૧,૦૩,૧૩૮ લાભાર્થીઓને કુલ રૂ.૩૨૯૫.૪૦ કરોડની લોન આપવામાં આવી છે. જ્યારે ૭૬,૧૧૫ લાભાર્થીઓને કુલ રૂ.૬૩૧.૨૩ કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછું ચાર ધોરણ પાસ અથવા સંબંધિત વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ત્રણ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વધુમાં, તેમણે ઉમેર્યું કે આ યોજનામાં દિવ્યાંગ તથા મહિલા લાભાર્થીઓને મહત્તમ ૪૦ ટકા સુધીની સબસિડી સહાય આપવામાં આવે છે.
છેલ્લાં એક વર્ષની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ૭૯૭૧ અરજીઓમાંથી ૭૩૫૧ અરજીની ભલામણ કરવામાં આવી હતી, જેની સામે ૫૦૧૨ અરજદારોને રૂ. ૧૪૧૮૭.૮૫ લાખની લોન મંજૂર કરવામાં આવી છે.
આ જ પ્રકારે, મહીસાગર જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક વર્ષમાં ૫૭૯૯ અરજીઓમાંથી ૨૫૮૧ અરજીની ભલામણ કરવામાં આવી હતી. જેની સામે ૯૬૫ અરજદારોને રૂ. ૩૨૨૬.૩૬ લાખની લોન મંજૂર કરવામાં આવી છે