ફળોના રાજા ‘કેરી’નો સ્વાદ માણવા માટે આમ તો ઉનાળા સુધી રાહ જોવી પડે છે. પરંતુ સામાન્ય રીતે હોળી પછી શહેરની બજારોમાં આવતી કેરી આ વર્ષે વસંત પંચમીથી જ લારીઓ પર ગોઠવાઈ જતા લોકો નવાઈ પામ્યા છે. બદામ, સુંદરી, તોતાપુરી, હાફૂસ વગેરે સહિત હાલ રોજની આશરે 500થી 1000 કિલો કેરી નરોડા ફ્રૂટ માર્કેટમાં વેચાણ માટે આવી રહી છે.
ક્લાઈમેટ ચેન્જની અસરના લીધે હવે શિયાળા પછી વસંત ઋતુ નહીં પણ સીધો ઉનાળો શરૂ થઈ જશે, તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હકીકતમાં પણ આવી જ સ્થિતિ સર્જાતા તેની અસર વાયુ, જળ અને પાક પર જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગના લીધે ઠંડી ઓછી અને ગરમી વધુ પડતા સામાન્ય રીતે હોળી આસપાસ આવતી કેરી આ વખતે વસંત પંચમીથી જ બજારમાં ગોઠવાઈ જતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે.
નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર, ‘આ વર્ષે એકાદ મહિનો વહેલાં કેરી બજારમાં આવી ગઈ છે. હાલ, હાફૂસ, સુંદરી, બદામ, તોતાપુરી સહિત રોજની આશરે 500થી 1000 કિલો કેરી માર્કેટમાં ઠાલવાઈ રહી છે. જે કેરળથી મંગાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં અત્યારથી જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય કેરળમાં કેરીનો પાક તૈયાર થઈ ગયો છે.
કેરીની ઋતુ હજી શરૂ થઈ હોય હાલ ઓછી આવકના લીધે જથ્થાબંધ ભાવ 150થી 500 રૂપિયે કિલો બોલાઈ રહ્યા છે. વધારે ભાવના લીધે છૂટક બજારમાં કેરીની માંડ દસેક ટકા ખરીદી શરૂ થઈ છે. જો કે, દિવસે ગરમી શરૂ થઈ જતા જ્યૂસ સેન્ટર અને લગ્નગાળના લીધે કેટરિંગ સંચાલકો તરફથી અત્યારે કેરીની માંગ હોવાથી સારૂ વેચાણ થઈ રહ્યું છે.