ચાર કલાકથી ઓછી ઉંઘ અને 9 કલાકથી વધુ ઉંઘ ખતરનાક : દિલ્હી એઇમ્સ
નવી દિલ્હી : પૂરતી ઊંઘ ન મળવાથી વ્યક્તિની વિચાર, સમજણ અને તર્ક ક્ષમતા પર અસર થાય છે. 45 વર્ષથી વધુ વયનાં લોકો માટે, ચાર કલાકથી ઓછી ઊંઘ અને નવ કલાકથી વધુ ઊંઘ બંને તેમની વિચારવાની ક્ષમતાને નકારાત્મક અસર કરે છે. આવાં લોકોને ડિમેન્શિયા જેવી બીમારીઓનું જોખમ વધારે હોય છે.
દેશનાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 14 હજાર લોકો પર કરવામાં આવેલાં અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. આ અભ્યાસ દિલ્હી એઈમ્સ, પીજીઆઇ ચંડીગઢ અને જેઆઇપીએમઈઆર પોંડિચેરી જેવી પ્રખ્યાત તબીબી સંસ્થાઓનાં ડોકટરો દ્વારા કરવામાં આવ્યો છે.
ચાર કલાકથી ઓછી ઊંઘથી સૌથી વધુ લોકો અસરગ્રસ્ત
ડોકટરોએ અભ્યાસમાં પુરુષો અને સ્ત્રીઓને તેમની ઊંઘ અને જાગવાના સમય વિશે પૂછ્યું હતું. આ પછી, છ વૈજ્ઞાનિક સ્કેલ પર તેમની બુદ્ધિ અને સમજણનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે જે લોકો ચાર કલાકથી ઓછી ઊંઘ લે છે તેની બુદ્ધિ, વિચાર અને તર્ક ક્ષમતા ઓછી છે. નવ કલાકથી વધુ ઊંઘનારાઓ પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી હતી.
ઉંઘ આપણને આ રીતે અસર કરે છે
સૂતી વખતે કોષો પોતાની જાતને રિપેર કરે છે. આ સમય દરમિયાન આપણું મગજ વસ્તુઓને શોર્ટ ટર્મ મેમરીમાંથી લોંગ ટર્મ મેમરીમાં ટ્રાન્સફર કરે છે. આ કારણોસર, આપણાં મગજનાં કાર્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે. ઊંઘ દરમિયાન, જ્યારે આપણું શરીર આરામ કરે છે, ત્યારે મગજ દિવસની માહિતીની પ્રક્રિયા કરવામાં અને યાદોને રચવામાં વ્યસ્ત હોય છે.
પૂરી ઉંઘ જરૂરી
પૂરતી ઉંઘ ન મળવાથી ધ્યાનનો અભાવ, નબળી યાદશક્તિ, ધીમી પ્રતિક્રિયા સમય, પ્રશ્નો ઉકેલવામાં મુશ્કેલી જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
► મોડી રાત્રે ખાંડ, કેફીન, આલ્કોહોલ લેવાનું ટાળો.
► બેડરૂમમાં ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ જેવાં ઉપકરણો ન રાખો.
► અંધારા ઓરડામાં જ સૂવાનું રાખો, જાગવા માટે એલાર્મ ઘડિયાળનો ઉપયોગ કરો.
► દરરોજ એક જ સમયે સૂવાનો અને જાગવાનો પ્રયાસ કરો.
► બાળકોને દરરોજ 14-16 કલાક ઉંઘ જરૂરી
► શિશુઓને દરરોજ 12-16 કલાક નિંદરની જરૂર હોય છે
► નાના બાળકોને દરરોજ 11-14 કલાક નિંદરની જરૂર હોય છે
► પ્રિસ્કુલર્સ બાળકોને દરરોજ 10-13 કલાક નિંદરની જરૂર હોય છે
► શાળાએ જતાં બાળકોને 9-12 કલાક નિંદરની જરૂર હોય છે
► કિશોરોને 8-10 કલાક નિંદરની જરૂર હોય છે
સર્વેનાં ડેટા મુજબ 45 વર્ષથી વધુ ઉંમરનાં લોકો કેટલી કલાક ઊંઘે છે
♦ ચાર કલાકથી ઓછી 7.4 ટકા
♦ પાંચ કલાક 2.72 ટકા
♦ છ કલાક 11.28 ટકા
♦ સાત કલાક 6.87 ટકા
♦ આઠ કલાક 11.07 ટકા
♦ નવ કલાકથી વધુ 60.66 ટકા