સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સગરવાસમાં રહેતા શ્રમિક પરિવારના પાંચ સભ્યએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં માતાપિતાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. જ્યારે તેમનાં ત્રણ બાળકને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જો કે, પરિવારે દવા કેમ પીધી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છેખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વિનુભાઈ મોહનભાઈ સગર (ઉં.42)એ પત્ની કોકિલાબેન (ઉં.40) અને ત્રણ સંતાન સાથે મળી અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આસપાસના લોકોને ઘટના અંગે જાણ થતાં તેઓ તરત જ દોડી આવ્યા હતા.108 એમ્બ્યુલન્સની મદદથી તેઓને પ્રથમ તો વડાલીમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમને ઈડરની પંચમ હોસ્પિટલ અને પછી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન પ્રથમ વિનુભાઈનું અને ત્યાર બાદ રાત્રે કોકિલાબેનનું મોત નીપજ્યું હતું. જો કે 19 વર્ષીય પુત્રી ભૂમિકા, 18 વર્ષીય પુત્ર નિલેશ અને 17 વર્ષીય નરેન્દ્રને ઝેરી દવાની અસર વધુ હોવાને કારણે તેમની સ્થિતિ હાલ નાજુક છે. જેને લઇને તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યાં છે.