નવી દિલ્હી, 21 જાન્યુઆરી (પીટીઆઇ): દેવામાં ડૂબેલ – રિલાયન્સ કેપિટલે એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે સમાધાન પ્રક્રિયાના ભાગરૂપે તેના શેર્સોની ડિલિસ્ટિંગ માટે બજારોનો સંપર્ક કર્યો છે.
રિલાયન્સ કેપિટલે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપનીએ દેખરેખ સમિતિની મંજૂરી અનુસાર, કંપનીના ઇક્વિટી શેર્સની ડિલિસ્ટિંગ માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જને અરજીઓ કરી છે.
આ ઉપરાંત તેણે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સને ડિલિસ્ટ કરવા માટે પણ બી.એસ.ઈ.નો સંપર્ક કર્યો છે.
મોરેશિયસ સ્થિત ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (આઈ.આઈ.એચ.એલ.) રિલાયન્સ કેપિટલના રિઝોલ્યુશન માટે ₹9,650 કરોડની બોલી સાથે સફળ દાવેદાર તરીકે ઉભરી આવી હતી. બાદમાં, કંપનીએ રિલાયન્સ કેપિટલની સદ્ધરતાને વધારવા માટે રૂ.200 કરોડ ચૂકવ્યા હતા, જે બોલીની રકમ કરતાં વધુ હતી.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), મુંબઈએ 27 ફેબ્રુઆરી, 2024ના રોજ IIHLની સમાધાન યોજનાને મંજૂરી આપી હતી અને ત્યારબાદ વ્યવહાર પૂર્ણ કરવાની સમયમર્યાદા 31 જાન્યુઆરી, 2025 સુધી લંબાવી હતી.
રિલાયન્સ કેપિટલ, કે જે રિઝર્વ બેન્ક સમક્ષ કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની તરીકે નોંધણીકૃત છે, તેના હેઠળ રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સ, રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ, રિલાયન્સ મની, રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ સહિતની ઘણી સંસ્થાઓ છે.
રિઝર્વ બેન્કે, નવેમ્બર 2021માં, અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની કંપની દ્વારા કોર્પોરેટ ગવર્નેન્સના મુદ્દાઓ અને ચુકવણીમાં ચૂકના કારણોસર રિલાયન્સ કેપિટલના બોર્ડને હટાવી દીધું હતું.
મધ્યસ્થ બેંકે નાગેશ્વર રાવ વાય.ને વહીવટકર્તા તરીકે નિયુક્ત કર્યા હતા, જેમણે ફેબ્રુઆરી 2022માં કંપની માટે બિડ મંગાવી હતી.