નવી દીલ્હી (PTI): 30 ડિસેમ્બર 2024થી મીડિયા સમૂહ વાયકોમ-18-મીડિયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની બની ગઈ છે, જેણે 1કરોડથી વધુ કમ્પલસરી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ (સી.સી.પી.એસ.)ને ઇક્વિટી શેર્સમાં રૂપાંતરિત કર્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રેફરન્સ શેર્સ ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા પછી વાયકોમ 18 મીડિયામાં બહુમતી શેરધારક બની છે, જે તેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સીધી પેટાકંપની બનાવે છે. ત્યારબાદ રિલાયન્સના મીડિયા સામ્રાજ્યનું ડિઝનીના ભારતના કારોબાર સાથે વિલિનીકરણ થવાનું છે. અગાઉ, વાયકોમ-18-મીડિયા નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડની પેટાકંપની હતી, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની પણ છે. સ્ટોક એક્ષચેન્જીસને આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, “વાયાકોમ-18 30 ડિસેમ્બર, 2024થી કંપનીની પેટાકંપની બની ગઈ છે અને તે હવે નેટવર્ક 18ની પેટાકંપની રહેતી નથી.
કંપનીને 30 ડિસેમ્બર, 2024ના રોજ વાયકોમ-18 પાસેથી ઇક્વિટી શેર્સની ફાળવણીની જાણ કરવામાં આવી હતી. 30 ડિસેમ્બરના રોજ ઉદ્યોગસાહસી મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 24,61,33,682 ફરજીયાતપણે રૂપાંતરિત કરવાના થતાં પ્રફર્નસ શેર્સને તેટલી જ સંખ્યાના સાધારણ ઇક્વિટી શેર્સમાં રૂપાંતરિત કર્યા હતા, જેનાથી તે સીધી પેટાકંપની બની હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વાયકોમ-18 મીડિયામાં કુલ ધોરણે 70.49 ટકા હિસ્સો ધરાવતી હતી. તેમાં 5,57,27,821 ઇક્વિટી શેર્સ અને 24,61,33,682 ફરજિયાતપણે રૂપાંતરિત કરવાના થતાં પ્રેફરન્સ શેર્સનો સમાવેશ થાય છે.
વાયકોમ-18 એ નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (‘નેટવર્ક 18’)ની પેટાકંપની હતી. નેટવર્ક 18ના શેર્સધારકો દ્વારા વાયકોમ-18ને નેટવર્ક-18ની પેટાકંપની બનાવવા અને વાયાકોમ-18નો સંચાલકીય અંકુશ હસ્તાંતરિત કરવા માટે આપવામાં આવેલી મંજૂરીને પગલે, કંપનીએ 30 ડિસેમ્બર, 2024ના રોજ 24.61 કરોડ CCPSને ઇક્વિટી શેર્સમાં રૂપાંતરિત કર્યા છે. આ રૂપાંતરણ પછી, કંપની વાયકોમ-18ની કુલ ઇક્વિટી શેર મૂડીનો 83.88 ટકા હિસ્સો ધરાવે છે અને કુલ ધોરણે 70.49 ટકા હિસ્સો જાળવી રાખે છે.
14 નવેમ્બરના રોજ, RILએ તેના મીડિયા સામ્રાજ્યનું વૈશ્વિક મીડિયા હાઉસ વોલ્ટ ડિઝનીના ભારતીય કારોબાર સાથે વિલિનીકરણ પૂર્ણ કરીને 70,000 કરોડ રૂપિયાથી વધુની વેલ્યુવાળું જોઇન્ટ વેન્ચર ઊભું કર્યું હતું. વાયકોમ-18ના મીડિયા અને જિયોસિનેમાના કારોબારને સ્ટાર ઇન્ડિયામાં ભેળવીને આ સાહસની રચના કરવામાં આવી હતી. તેણે વાયાકોમ-18 અને RILને અનુક્રમે અસ્કયામતો અને રોકડ ના અવેજ તરીકે શેર્સની ફાળવણી કરી છે.