ગુજરાત કોંગ્રેસના સંગઠમાં પ્રાણ ભરવા માટે હાલમાં જ કોંગ્રેસનું મહાઅધિવેશન અમદાવાદમાં યોજાયા બાદ ગણતરીના દિવસોમાં જ આજે ફરી એક વખત વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અમદાવાદ આવી પહોંચ્યા છે અને તેઓ સાંજે શાહીબાગમાં કોંગ્રેસ કોર કમીટીની બેઠકમાં ભાગ લેશે તથા બાદમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરશે.
રાહુલ ગાંધીએ જિલ્લા કક્ષાએથી કોંગ્રેસના સંગઠનમાં ફેરફારની તૈયારી કરી છે તેના નિરીક્ષકો નીમાય ગયા છે અને હવે તેમના રીપોર્ટના આધારે જિલ્લા પ્રમુખો નિમાશે તો બીજી તરફ પ્રદેશ કક્ષાએ પણ મોટા ફેરફારો થશે તે નિશ્ચિત છે.
ખાસ કરીને લાંબા સમયથી કોંગ્રેસમાં નિષ્ક્રીય રહેલા અનેક નેતાઓને પડતા મુકાઇ અને તેમના સ્થાને નવા યુવા ચહેરાઓને સ્થાન મળે તે માટે પ્રયાસ કરાશે. સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષે ર0ર7ની તૈયારીમાં પહેલા સંગઠનને વધુ મહત્વ આપ્યું છે અને યુવા કોંગ્રેસને પણ ફરી મજબુત કરાશે.
રાહુલ આવતીકાલે મોડાસામાં પ્રથમ વખત જિલ્લા કક્ષાની બેઠકમાં હાજરી આપશે આમ રાહુલના આગમનથી ફરી એક વખત કોંગ્રેસમાં નવો ધમધમાટ શરૂ થયો છે અને હવે આગામી દિવસોમાં રાહુલ ગાંધીના ફેરફારો કેવા રંગ લાવે છે તેના પર સૌની નજર છે.