રાષ્ટ્રનિર્માણમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને ‘ફિલિંગ્સ પ્રાઈડ ઓફ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૫’થી સન્માનિત કરાયા
**
આત્મનિર્ભર ભારત અને સ્વર્ણિમ ભારત નિર્માણના સંકલ્પ સાથે ફિલિંગ્સ મલ્ટિમિડીયા લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમ
**
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો ફેલાવો વધારવા માટે રાષ્ટ્રીય મિશન શરૂ કર્યું :-રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
**
જ્ઞાન, વિજ્ઞાન અને અનુસંધાન સહિત ટેકનોલોજીના યુગમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના ભાગ્યવિધાતા :-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં ‘ભારત, ભાગ્ય, વિધાતા – રાષ્ટ્ર પ્રથમ’ કાર્યક્રમ યોજાયો હતો.
દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધિના જતન ઉપરાંત સમાજસેવા, કલા, રમતગમત, વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ
યોગદાન દ્વારા રાષ્ટ્રનિર્માણમાં મહત્વનું યોગદાન આપનારા મહાનુભાવોને આ પ્રસંગે ‘ફિલિંગ્સ પ્રાઈડ ઓફ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૫’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ વિતરણ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે કોઈ પણ સમાજ માટે સૌભાગ્યની વાત હોય છે, જ્યારે તે સમાજના પ્રતિષ્ઠિત લોકો ભેગા થઈને સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપે છે. આજે પુરસ્કાર મેળવનાર તમામ મહાનુભાવો આ દેશને વિવિધ ક્ષેત્રોમાં આગળ લઈ જવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામને શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વેદોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભગવાન તેમને જ મળે છે જે પોતાના આત્માને અન્ય જીવોમાં જુએ છે અને તમામ જીવોને તેના આત્મામાં જુએ છે. જ્યારે વ્યક્તિ પોતાની વિચારસરણીને વિસ્તૃત કરીને ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના અપનાવે છે, ત્યારે જ તે સાચો આત્મવિકાસ પ્રાપ્ત કરે છે.
ભગવાન મહાવીર સ્વામીએ આપેલા પાંચ સિદ્ધાંતો – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, આ બધા સાર્વત્રિક સિદ્ધાંતો છે. સત્ય એ પરમ ધર્મ છે. અસત્ય ક્યારેય ટકી શકતું નથી. તેવી જ રીતે અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને જીવનમાં ઉતારીને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને એક નવી દિશા આપી છે. તેમના નેતૃત્વમાં ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને ત્રીજી બનવા તરફ આગળ વધી રહ્યું છે. આપણાં ગામો, શહેરો, રસ્તાઓ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ – બધું જ બદલાઈ રહ્યું છે. પરંતુ આ વૃદ્ધિ સાથે એક ચિંતા આવી છે – આરોગ્યની. આજે કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી બીમારીઓ ઝડપથી ફેલાઈ રહી છે. તેની પાછળનું કારણ રાસાયણિક ખેતીના કારણે દૂધ, શાકભાજી અને અનાજમાં ઝેરરૂપી યુરિયા અને જંતુનાશકો આવ્યા છે. આનાથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત ૯ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો ફેલાવો વધારવા માટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કર્યું છે. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌને પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં જોડાવા અપીલ કરતાં કહ્યું કે, બજારમાંથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની ખરીદી કરી તેને ભોજનમાં અપનાવો અને તમારા બાળકોને સ્વસ્થ ભવિષ્ય આપો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મીડિયા ક્ષેત્રે કાર્યરત ફીલીંગ્સ મલ્ટીમીડિયા લિમિટેડ છેલ્લા ૨૭ વર્ષથી વિશ્વના ૫૫ દેશોમાં લગભગ ૩૦ થી ૩૫ લાખ લોકોમાં સકારાત્મક વિચાર ફેલાવી રહ્યું છે. આ સંસ્થા માનવતાને ભારતીય જીવન મૂલ્યો સાથે જોડવાનું કામ કરી રહી છે. તેમ ઉમેરીને ફીલીંગ્સ મલ્ટીમીડિયા લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અતુલભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા.