રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોનાં હિતોના રક્ષણ માટે ‘રેરા’ કાયદો લાગુ પાડવામાં આવ્યા બાદ બિલ્ડરોથી માંડીને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેકવિધ વર્ગો માટે નિયમનો અમલ છે ત્યારે રાજયનાં 798 રીયલ એસ્ટેટ એજન્ટોને ‘રેરા’એ નોટીસ ફટકારી છે.
પાંચથી આઠ વર્ષ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રીન્યુઅલ નહીં કરાવાતા તે પ્રક્રિયા ક્રવા 15 દિવસનું અલ્ટીમેટમ અપાયું છે અન્યથા રજીસ્ટ્રેશન રદ કરી નાખવાની ચેતવણી આપવામાં આવી છે.
‘રેરા’ કાયદા હેઠળ બિલ્ડરો માટે તો અનેકવિધ નિયમનો લાગુ પાડવામાં આવ્યા જ હતા. સાથોસાથ રીયલ એસ્ટેટ એજન્ટો માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યુ હતું. એજન્ટો નોંધાયેલા હોય તો ગ્રાહકો સાથે કોઈ છેતરપીંડી કરી ન શકે અને કદાચ આવા કિસ્સા બને તો કાર્યવાહી થઈ શકે તેવો ઉદ્દેશ હતો.રેરામાં એક વખત રજીસ્ટ્રેશન બાદ પાંચ વર્ષે તેનું રીન્યુઅલ કરાવાયું ન હોવાથી ‘ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી’ ઓથોરીટી (ગુજ રેરા) દ્વારા આકરા એકશન શરૂ કરવામાં આવ્યા છે.
ગુજરેરા દ્વારા 1લી માર્ચે પરિપત્ર ઈસ્યુ કરવામાં આવ્યો છે જેમાં રજીસ્ટ્રેશન રીન્યુ નહિં કરાવનારા 798 રીયલ એસ્ટેટ એજન્ટોનું લીસ્ટ જારી કરવામાં આવ્યું છે. આ તમામને 15 દિવસમાં રીન્યુઅલ પ્રક્રિયા કરવાનું અલ્ટીમેટમ અપાયુ છે. અન્યથા રજીસ્ટ્રેશન રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે.અનેક કિસ્સામાં 2017 માં રજીસ્ટ્રેશન કરાવનારા એજન્ટોએ પણ રીન્યુઅલ મેળવ્યા નથી.
2017 થી 2020 ના વર્ષો દરમ્યાન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેનાં રીન્યુઅલની પ્રક્રિયા ન કરનારા એજન્ટો સામે આ નોટીસ ઈસ્યુ થઈ છે. રાજકોટનાં 21 નામો પણ તેમાં સામેલ છે. રાજયનાં અમદાવાદ, ઉપરાંત વડોદરા, વલસાડ, ગાંધીનગર સહિત રાજયભરનાં કુલ 798 રીયલ એસ્ટેટ એજન્ટોના નામ લીસ્ટમાં સામેલ છે. રાજકોટને લાગે વળગે છે.
ત્યાં સુધી રીઅલ એસ્ટેટ ક્ષેત્રનાં સુત્રોએ કહ્યું કે, શહેરમાં 700 થી વધુ એજન્ટો કાર્યરત છે. શહેરમાં રીયલ એસ્ટેટ એજન્ટોનું એસોસીએશન પણ છે તેમાં 150 જેટલા એજન્ટો સભ્યો તરીકે જોડાયેલા છે. મોટાભાગનાએ ‘રેરા’માં પણ રજીસ્ટ્રેશન કરાવેલા છે. ગુજરાતમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ છે.
મહાનગરોથી માંડીને નાના શહેરોમાં પણ જમીન-મકાનોની કિંમતમાં વધારાની સાથોસાથ નવા-નવા આલીશાન પ્રોજેકટો સાથે સીમાડા પણ વધતા રહયા છે. ગ્રાહકો સાથે છેતરપીંડી અથવા અન્ય કોઈ ગેરરીતી કરતા બીલ્ડરો, એજન્ટ કે અન્ય કોઈપણ સામે ગુજરેરા દ્વારા સખ્ત પગલા લેવામાં આવે જ છે.
હવે રીયલ એસ્ટેટ એજન્ટોનો વારો લેવામાં આવ્યો છે. ગુજરેરાની કાર્યવાહી નોટીસને પગલે એજન્ટ લોબીમાં ખળભળાટ સર્જાયો છે. ગુજરેરા દ્વારા રજીસ્ટ્રેશન રીન્યુ ન કરાવનારા એજન્ટોનું નામ-ફોન નંબર સાથેનું આખુ લીસ્ટ જારી કરવામાં આવ્યુ છે.