મોબાઇલ માલવેર હુમલામાં ભારત યુ.એસ. અને કેનેડાથી પણ વધુ પ્રભાવિત થયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગયા વર્ષે ભારત આ બંને દેશો બાદ ત્રીજા ક્રમે હતું.
‘ધી સ્કેલર થ્રેટલેબ ૨૦૨૪ મોબાઇલ, આઇ.ઓ.ટી. એન્ડ ઓ.ટી. થ્રેટ રિપોર્ટ’ ના શીર્ષક હેઠળ પ્રકાશિત અહેવાલમાં જૂન ૨૦૨૩ થી મે ૨૦૨૪ દરમ્યાન થયેલ ૨૦ કરોડથી વધુ શંકાસ્પદ મોબાઇલ ટ્રાન્ઝેક્શન્સ અને સાયબર થ્રેટ સાથે સંકળાયેલ વ્યવહારોનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિશ્વભરના તમામ માલવેર હુમલાઓમાંથી ૨૮ ટકા ભારતને ટાર્ગેટ કરનાર રહ્યા છે. જ્યારે ૨૭.૩ ટકા યુ.એસ. અને ૧૫.૯ ટકા કેનેડાને ટાર્ગેટ કરનાર રહ્યા. જ્યારે ભારત ‘ડિજીટલ ટ્રાન્સફોર્મેશન’ હેઠળ છે, ત્યારે આ હુમલાઓનું ચિંતાજનક પ્રમાણ ઉદ્યોગ જગતને વધુ સાવચેતીની જરૂર હોવાનું દર્શાવે છે. અડધા જેટલાં માલવેર હુમલામાં મોબાઇલ ફોન પર છેતરપીંડિવાળા સોફ્ટવેર ડાઉનલોડ કરાવાયા હોવાનું જોવા મળ્યું છે, જે નાણાંક્ષેત્ર સાથે સંકળાયેલ સંસ્થાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઇઓ છતી કરે છે. અહેવાલ મુજબ બેંકિંગ માલવેરમાં ૨૯ ટકાનો, જ્યારે સ્પાયવેરમાં ૧૧૧ ટકાનો વધારો થયો છે. મોટાભાગના માલવેર મલ્ટીફેક્ટર ઓથેન્ટીકેશન (MFA)ને પાર કરી શકવા સક્ષમ જણાયા હતા. નાણાં સંસ્થાઓના બનાવટી લોગિન પેજ, બનાવટી સોશયલ મિડીયા પેજ અને ક્રિપ્ટો વોલેટ થકી સૌથી વધુ છેતરપીંડિઓ આચરવામાં આવી હોવાનું જણાયું છે.
થ્રેટ લેબ્સના અભ્યાસમાં જણાયું છે કે એચ.ડી.એફ.સી., આઇ.સી.આઇ.સી.આઇ., એક્સિસ બેંક જેવી બેંકના ભારતીય મોબાઇલ બેંકિંગ ગ્રાહકોને બનાવટી લોગીન પેજ, બનાવટી ફોન બેંકિંગ સર્વિસીસ થી તેમની વિગતો જાણી લઇ, છેતરવામાં આવ્યા હતા. અગાઉ એન્ડ્રોઇડમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડની એપ્લીકેશન અપડેટ કરવાના માલવેર થકી સૌથી વધુ છેતરપીંડિઓ આચરવામાં આવતી હતી, જેમાં ગુમ થયેલ પાર્સલ કે અધુરાં સરનામાંના નામે ગ્રાહક પાસે ઉતાવળ કરાવડાવી તેનાં ક્રેડિટ-ડેબિટ કાર્ડની વિગતો મેળવવામાં આવતી હતી.
એ નોંધનીય છે કે, તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે જનજાગૃતિનું નવું અભિયાન શરૂ કર્યું છે, જેમાં લોકોને આવી છેતરપીંડિઓથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય ડાક સેવા પણ આ હુમલાઓનો શિકાર બની હતી. મોબાઇલ યુઝર્સને બનાવટી વેબસાઇટ પર લાવી, તેમની પાસે થી તેમનાં પોસ્ટ-ઓફીસ ખાતાંની વિગતો તેમજ ઓ.ટી.પી. મેળવી લેવામાં આવતા. સ્કેલર ઇન્ડિયાના સી.આઇ.એસ.ઓ. સુવાબ્રતા સિન્હાના જણાવ્યા મુજબ ભારતીય ઉદ્યોગોએ ઝીરો-ટ્રસ્ટ સિક્યુરીટી ફ્રેમવર્ક અપનાવવાની જરૂર છે, જેથી વાણિજ્યિક સાતત્ય જળવાઇ રહે.
આ અહેવાલમાં જણાયું છે કે ગૂગલ પ્લે સ્ટોર પર પણ ૨૦૦ થી વધુ સંદિગ્ધ એપ્લીકેશન્સ હતી અને વૈશ્વિક સ્તરે માલવેરથી આચરવામાં આવતી છેતરપીંડિઓમાં વાર્ષિક ૪૫ ટકા વૃદ્ધિ થઇ રહી છે. આ અહેવાલમાં એક સારી બાબત એ જણાઇ છે કે, ભારતમાંથી ઉદભવતાં સાયબર માલવેરમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ મામલે ભારત પાંચમા ક્રમેથી નીચે ઉતરી સાતમે ક્રમે આવ્યું છે.