
વોશિંગ્ટન : યુક્રેન પરના રશિયાના આક્રમણના ત્રણ વર્ષ પૂરાં થતાં, 24 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્રોમાં આ હુમલાની આલોચના કરતો ઠરાવ પસાર થયો, જેમાં અમેરિકાએ રશિયાની તરફેણમાં મત આપ્યો હતો. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન અને તેનાં રાષ્ટ્રપતિ વોલોદાયમિર ઝેલેન્સકી સામે બેફામ નિવેદનો કર્યા હતા. ત્યારબાદ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને યુ.એસ.ની મુલાકાત લીધી અને ટ્રમ્પ અને મેક્રોન વચ્ચે હાલની પરિસ્થિતિઓ અંગે ચર્ચા થઇ. ત્યારબાદ, પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે દોહરાવ્યું હતું કે, “અમેરિકાએ યુક્રેનને યુદ્ધ દરમ્યાન ભારે સહાય કરી છે અને તેનાં બદલામાં અમે કાંઇક અપેક્ષા રાખીએ છીએ. યુક્રેનને સહાય કરવામાં અમેરિકા અગ્રેસર રહ્યું છે જ્યારે યુરોપે તેટલું સહન કર્યું નથી.” ટ્રમ્પ જ્યારે આ વિધાન પૂરું કરી રહ્યા હતા ત્યારે જ મેક્રોને ટ્રમ્પનો હાથ પકડી અટકાવતાં કહ્યું કે, “યુરોપે સાઠ ટકા સહાય પૂરી પાડી છે. બીજું કે અમેરિકાની સહાય લોન અને દેવાં સ્વરૂપે છે, જ્યારે યુરોપે સીધી સહાય પૂરી પાડી છે.”
મેક્રોનના આવા ‘આખાં-બોલાપણાં’ પર વિશ્વભરના લોકો આફરીન થઇ ગયા અને જોતજોતામાં તેમની આ પ્રેસ-કોન્ફરન્સના વિડીયો સોશ્યલ મિડીયામાં ફરતાં થઇ ગયા હતા.