નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુ સત્રના પ્રારંભ પૂર્વે પત્રકારો સાથેની વાતચીતમાં આવતીકાલે સંસદના સંવિધાનની 75મી વર્ષગાંઠની ઉજવણી બન્ને સદનોમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરવાની સાથોસાથ વિપક્ષોને પણ આડે હાથે લેતા કહ્યું કે જેને જનતાએ વારંવાર ફગાવ્યા છે અને નકાર્યા છે તેઓ દેશના લોકતંત્રનું અનાદર કરીને સંસદ ચાલવા દેતા નથી.
શ્રી મોદીએ કહ્યું કે, મુઠ્ઠીભર લોકો સંસદને કન્ટ્રોલ કરવાની વારંવાર કોશિષ કરે છે. સંસદમાં સ્વસ્થ અને વધુને વધુ ચર્ચા થાય યુવા અને નવા સાંસદોને પણ ચર્ચામાં ભાગ લેવાની તક મળે તે માટે સૌએ પ્રયાસ કરવા જોઇએ પરંતુ કમનશીબે કેટલાક લોકો પોતાના રાજકીય સ્વાર્થ માટે સંસદમાં ધાંધલ-ધમાલ મચાવીને સંસદને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેઓ પોતાના હેતુમાં સંસદને રોકવામાં સફળ થશે નહીં. દેશની જનતા તેનો વ્યવહાર જોઇ રહી છે. સૌથી વધુ પીડા એ થાય છે કે નવા સાંસદો, નવા વિચાર અને નવી ઉર્જા સાથે આવે છે પરંતુ તેમના અધિકારને કેટલાક લોકો દબાવી દે છે.
શ્રી મોદીએ કહ્યું કે એક બે વાર નહીં 80 વાર તેમને જનતાએ નકાર્યા છે તેમ છતાં તેઓ સંસદમાં ચર્ચા થવા દેતા નથી. લોકતંત્રની ભાવનાનું સન્માન કરતા નથી શ્રી મોદીએ કહ્યું કે 2024ના લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હાલના પરિણામોએ લોકતંત્રને વધુ તાકાત આપી છે અને આપણી તેની ભાવનાનું સન્માન કરવું જોઇએ.