માધવપુરમાં શ્રી માધવરાયજી મંદિર ખાતે ૨૫ દિવસ સુધી ગવાય છે લગ્ન ગીત
પોરબંદરના માધવપુરમાં શ્રી માધવરાયજી મંદિર ખાતે ૨૫ દિવસ સુધી ભગવાનના લગ્ન ઉત્સવને લઈને લગ્ન ગીત ગવાઈ છે. દરરોજ સાંજે બહેનો ભગવાન માધવરાયજીના લગ્ન ગીતમાં અનેરા ઉત્સાહ સાથે જોડાય છે.
ભારત વર્ષના પશ્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર પૂર્વના માતા રુક્ષ્મણીના વિવાહ સ્થળ તરીકે બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે તે પણ લાખો ભાવિકો માટે ગૌરવ ગાથા સમાન છે. સદીઓથી અહીં ભગવાન માધવરાયજીના વિવાહનો ઉત્સવ અનેરા આનંદ સાથે ઉજવવામાં આવે છે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ માધવરાયજીના મંદિરમાં વિવાહનો પ્રસંગ નજીક આવી રહ્યો છે ત્યારે લગ્ન ગીતો ગુંજી ઉઠ્યા છે. સદીઓથી અહીં રામનવમી પર્વોમાં ભગવાન માધવરાયજીના લગ્નને લઈને અનેરા ઉત્સાહ સાથે ૨૫ દિવસ સુધી બહેનો દ્વારા લગ્ન ગીતો ગાવામાં આવે છે.
ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ માધવપુરના લોકમેળાને લઈને છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે, માધવપુર વાસીઓમાં મેળાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માધવપુર ખાતે સમુદ્રના કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી મંદિર ખાતે લગ્નની તૈયારીને લઈને દરરોજ લગ્ન ગીતો ગુંજે છે. આગામી તા. ૬ એપ્રિલના આ લોકમેળાનો શુભારંભ થશે. ત્યારે માધવરાયજી મંદિર ખાતે માધવપુરના બહેનો દ્વારા ભગવાન માધવરાયજીના વિવાહ ઉત્સવને લઈને લગ્ન ગીત દરરોજ સાંજના સમયે ગાવામાં આવે છે. બહેનોના જણાવ્યા મુજબ માધવરાયજીના લગ્ન ઉત્સવ દરમિયાન ૨૫ દિવસ સુધી આ લગ્ન ગીતનું આયોજન થતું હોય છે. દરરોજ સાંજે મોટી સંખ્યામાં બહેનો આવી પહોંચે છે, અને અનેરા આનંદ સાથે ભગવાન માધવરાયજીના લગ્નને લઈને લગ્ન ગીતોમાં સહભાગી બને છે. આમ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહના પ્રસંગને લઈને અનેરા આનંદ સાથે તડામાર તૈયારીઓ હાથ ધરવામા આવી છે.
રાજ્ય સરકાર દ્વારા માધવપુરના મેળામાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોની સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ, ઉત્તર પૂર્વ અને ગુજરાતના હસ્તકલા ના કારીગરોને તેમની કલાગીરીની પ્રસ્તુતિનું પ્લેટફોર્મ, રેતી શિલ્પ અને પરંપરાગત ભાતીગળ મેળાના આકર્ષણો સહિતના આયોજનને લીધે આ મેળો ખરા અર્થમાં લોકમેળો બન્યો છે.