મુંબઇ, ડિસેમ્બર ૨ (PTI) : સોમવારે મહારાષ્ટ્ર રીયલ એસ્ટેટ રેગ્યુલેટ્રી ઓથોરિટી (મહારેરા)એ જણાવ્યું છે કે, તેણે ઘર-ખરીદનારાઓને વળતર આપવા બિલ્ડરો પાસેથી રૂ.૨૦૦ કરોડની રિકવરી કરી છે. સત્તામંડળે રીકવરીના પ્રયત્નો વધુ તીવ્ર બનાવવા પર પણ ભાર આપ્યો છે.
રિયલ એસ્ટેટની નિયામક સંસ્થા રેરા હોમ-બાયર્સની ફરિયાદોની સુનાવણી કરે છે અને તેમને થયેલ નુકશાની બદલ બિલ્ડરોને વ્યાજ, વળતર વિગેરે ચુકવવા અથવા નિયત સમયમર્યાદામાં નાણાં પરત કરવા હુકમ કરે છે. નિયામક સત્તામંડળ મહારેરાએ જણાવ્યું છે કે તેણે રાજ્યભરમાંથી રૂ.૭૦૫.૬૨ કરોડની રિકવરી માટે ૧૧૬૩ વોરંટ ઇશ્યુ કર્યા છે, જેમાંથી ૧૩૯ પ્રોજેક્ટને આવરી લેતાં ૨૮૩ વોરંટ મારફત રૂ. ૨૦૦.૨૩ કરોડની વસૂલાત કરવામાં આવી છે.
નિવેદનમાં જણાવાયું છે કે, મુંબઇ કસ્બા અને પુણે માં જ રૂ. ૩૭૮ કરોડથી વધુની વસૂલાત બાકી છે. મુંબઇ કસ્બા અને પુણેમાં જીલ્લા કલેક્ટર કચેરીઓમાં સેવા
-નિવૃત્ત તહસીલદારોની નિયુક્તિ જેવાં પગલાં લઇ વસૂલાતને ઝડપી બનાવવાના પ્રયત્નો ચાલુ છે. નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, “ડેવલપર નિયત સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ રહેવાના કિસ્સામાં જીલ્લા કલેક્ટર કચેરીની ભૂમિકા નિર્ણાયક બની રહે છે. ધી રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ ની કલમ ૪૦ (૧) જીલ્લા કલેક્ટરને મહેસૂલી લેણાંની વસૂલાત કરવાની સત્તા આપે છે.”
રૂ.૨૦૦ કરોડની વસૂલાતમાંથી મુંબઇ સીટીમાંથી ૧૩ પ્રોજેક્ટસ અને ૨૨ વોરંટ થકી રૂ.૪૬.૪૭ કરોડ, મુંબઇ સબર્બન માંથી ૪૨ પ્રોજેક્ટ અને ૮૫ વોરંટ થકી રૂ. ૭૬.૩૩ કરોડ અને પુણેમાંથી ૩૬ પ્રોજેક્ટ અને ૫૭ વોરંટ થકી રૂ. ૩૯.૧૦ કરોડ વસૂલવામાં આવ્યા છે. મુંબઇ સબર્બન અને પૂણેમાં અનુક્રમે રૂ. ૩૦૪.૪૫ કરોડ અને ૧૮૯.૮૨ કરોડની નોટીસો ઇશ્યુ કરાયા સામે બિલ્ડરોએ નાની અમથી ચુકવણીઓ કરી હોઇ, આ વિસ્તારોમાં વસૂલાત ધીમી રહી છે.
મહારેરાના ચેરમેન શ્રી મનોજ સૌનિકે જણાવ્યું છે કે, “જ્યાં રિકવરીના કેસ અને બાકી લેણાં વધુ છે તેવાં મુંબઇ સબર્બન અને પુણેમાં જીલ્લા કલેક્ટરની કચેરીઓમાં મહારેરાએ સેવા-નિવૃત્ત તહસીલદારોને પાઇલોટ પ્રોજેક્ટ અન્વયે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.” અન્ય જીલ્લાઓમાં, થાણેમાં ૮૧ પ્રોજેક્ટ અને ૧૯૧ વોરંટ સબબના બાકી લેણાં રૂ.૬૨.૫૮ કરોડની સામે માત્ર રૂ.૧૧.૬૫ કરોડ, પાલઘરમાં ૩૨ પ્રોજેક્ટસ અને ૭૯ વોરંટ સબબના રૂ.૧૯.૮૬ કરોડમાંથી માત્ર રૂ.૪.૪૯ કરોડ અને ચંદ્રાપુરમાં એક વોરંટમાંથી માત્ર રૂ.૯ લાખની બિલ્ડરો પાસેથી વસૂલાત થઇ છે. જ્યારે સિંધુદૂર્ગના ૨ પ્રોજેક્ટ સબબ રૂ.૫૪ લાખ, સતારામાં એક પ્રોજેક્ટ પર રૂ.૧૨ લાખ, રત્નાગિરિમાં એક પ્રોજેક્ટના રૂ.૬ લાખ અને સોલાપુરમાં એક પ્રોજેક્ટના રૂ.૧ લાખની વસૂલાત હજુ બાકી છે.