ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા 2025 દરમિયાન અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો મુદ્દો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. કિન્નર અખાડા દ્વારા મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક કરવામાં આવ્યા હતો. હવે તેને લઈને સંત સમુદાયની નારાજગી જોવા મળી રહી છે. કિન્નર અખાડાની કામગીરી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શિક્ષણ વિના દીક્ષા આપવા પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. હવે આ સમગ્ર મામલે કિન્નર અખાડા દ્વારા પણ એક નિવેદન આવ્યું છે.
અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવા પર કેટલાક ધાર્મિક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. જોકે, આ મુદ્દા પર સંત સમુદાય અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યું છે. કેટલાક ધાર્મિક નેતાઓનું કહેવું છે, કે મમતા કુલકર્ણીના કિસ્સામાં ધાર્મિક પરંપરાની અવગણના કરવામાં આવી હતી. તો આ બાજુ કિન્નર અખાડાનું કહેવું છે કે, બધી પ્રક્રિયાઓનું પાલન કર્યા પછી જ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે.
હકીકતમાં કિન્નર અખાડાએ શુક્રવારે મમતા કુલકર્ણીને સન્યાસ આપ્યો. અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમને મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક કર્યો હતો. અને તેમનું નામ શ્રીયામાઈ મમતાનંદ ગિરી આપવામાં આવ્યું છે.
શાંભવી પીઠાધીશ્વર સ્વામી આનંદ સ્વરૂપે આ મુદ્દે વાત કરતાં કહ્યું કે, ‘મમતા કુલકર્ણી પર અંડરવર્લ્ડ સાથે સંબંધો હોવાનો આરોપ છે. આ આરોપોમાંથી તેઓ મુક્ત થયા છે કે નહીં, મને ખબર નથી. તેમણે કહ્યું કે, ત્યાર બાદ પણ તેમને મહામંડલેશ્વર બનાવવા અયોગ્ય છે. કિન્નર અખાડા એક નકલી યુનિવર્સિટી છે અને ગેરકાયદેસર ડિગ્રીઓનું વિતરણ કરી રહી છે. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને સંન્યાસ આપવાનો કોઈ અધિકાર નથી.’
સ્વામી આનંદ સ્વરૂપે વધુમાં કહ્યું કે, ‘કિન્નર અખાડા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ દાખલ થવો જોઈએ. તેમજ જો તેમને ભવિષ્યમાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવશે તો અમે તેમાં સામેલ થઈશું નહીં.’
પ્રથમ કિન્નર કથાકાર જગતગુરુ હિમાંશી સખીએ કહ્યું કે, ‘કિન્નર અખાડો કિન્નર સમુદાય માટે બનાવવામાં આવ્યો હતો. અને જો તમે કિન્નરો સિવાયની સ્ત્રીઓને મહામંડલેશ્વર બનાવવા માંગતા હોવ તો તેમનું નામ બદલીને બીજું રાખો. કોઈ પણ શિક્ષણ આપ્યા વિના દીક્ષા આપવામાં આવી છે. મમતા કુલકર્ણીનું મુંડન પણ કરવામાં નથી આવ્યું. ચોટી કાપીને તેમને મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા, આ યોગ્ય નથી.