9 એપ્રિલ વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે વિશ્વ કલ્યાણના હેતુથી 100થી વધુ દેશોના શહેરોમાંથી ત્રણ લાખથી વધુ લોકો એક સાથે નવકાર મંત્રનો દોઢ કલાક જાપ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન ‘જીતો’ દ્વારા કરવામાં આવ્યું છે. આ દિવસે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 25000થી વધુ લોકો જોડાશે. આ કાર્યક્રમમાં જૈન સાધુ-સાધ્વી ભગવંત સહિત સંતો-મહંતો પણ હાજર રહેશે, જે માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. જીએમડીસી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોડાશે. આ સાથે દિલ્હીના વિજ્ઞાનભવનથી પીએમ નરેન્દ્ર મોદી જોડાશે.
આ અંગે જીતો અમદાવાદના ચેરમેન ઋષભભાઈ પટેલે જણાવ્યું કે, 100થી વધુ દેશોના શહેરોમાં એક જ સમયે સામુહિક નવકાર મંત્રના જાપ કરવાનું આયોજન કરાયું છે. આ અંગે એક મહિના પહેલાથી સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી.
જે લોકો આવી ન શકે તે માટે 6 હજારથી વધુ દેરાસરો, ઉપાશ્રયો અને સ્થાનક ખાતેથી લાઈવ પ્રસારણથી લોકો જોડાશે. શહેરમાં 25 હજાર લોકો જોડાશે. 3 લાખથી વધુ લોકો બેસીને એક જ સમયે એક સાથે નવકાર મંત્રનો જાપ કરાશે. આ સાથે અન્ય લાઈવમાં જોડાશે. વિશ્વમાં સૌ પ્રથમવાર એક સાથે આટલા લોકો નવકાર મંત્રના જાપ કરવાનું આયોજન કરાયું છે. 100થી વધુ સાધુ સાધ્વીજી ભગવંત, સાધુ-સંતો જોડાશે. સમગ્ર આયોજન ઓનલાઈન પણ જોઈ શકાય તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. વિવિધ રાજ્યોના સીએમ પણ ત્યાં થનાર કાર્યક્રમોમાં જોડાશે.
દિનેશ હોલમાં કાર્યક્રમ અંગે અગ્રણીઓની ગૃહમંત્રી સાથે બેઠક યોજાઈ
આશ્રમ રોડ ખાતેના દિનેશ હોલ ખાતે ગુરુવારે સાંજે સામુહિક નવકાર મંત્ર જાપના કાર્યક્રમને સફળ બનાવવા માટે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીતો અમદાવાદના હોદ્દેદારો તેમજ વિવિધ સંઘોના અગ્રણીઓ હાજરી આપી હતી. ગૃહમંત્રી દ્વારા આયોજનની તમામ માહિતીઓ મેળવીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જીએમડીસી ખાતે શહેરના 400 સંઘો કળશ લઈને હાજરી આપશે
એક મહિના પહેલાથી શહેરમાં કળશયાત્રાની શરૂ કરાઈ હતી જે જીએમડીસી ખાતે પૂર્ણ થશે. આ કળશયાત્રા દરમિયાન શહેરના 400 સંઘોમાં કળશ આપવામાં આવ્યા હતા. આ કળશની પૂજા અર્ચના કરીને નવકાર મંત્રના જાપની પણ માળાઓ કરવામાં આવી રહ્યી છે. 9 એપ્રિલે જીએમડીસી ખાતે 400 સંઘો કળશને લઈને આવશે અને સામૂહીક નવકાર મંત્રના જાપ કરશે.