
નવી દિલ્હી : ભારત ફોર્જની એક શાખા કલ્યાણી પાવરટ્રેને ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ભારતમાં ‘એક્સ86 પ્લેટફોર્મ’ સર્વર્સના ઉત્પાદન માટે તાઇવાનની કોમ્પલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ક સાથે ટેકનોલોજી લાઇસન્સિંગ કરાર કર્યો છે. બંને પક્ષોએ ભારતમાં સ્થાનિક રીતે ઉત્પાદિત સોલ્યુશન્સનો ઉપયોગ કરીને સર્વર વ્યવસાય વિકસાવવા માટે સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષર કર્યા છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોમ્પલ કલ્યાણી પાવરટ્રેન લિમિટેડને સર્વર સંબંધિત ટેકનોલોજીકલ સપોર્ટ પૂરો પાડશે, જેમાં સ્થાનિક ઉત્પાદન, એસેમ્બલી, પરીક્ષણ પ્રવૃત્તિઓ અને અંતિમ વેચાણની દેખરેખનો સમાવેશ થાય છે. “આ જોડાણ ભારતની ઉત્પાદન સ્પર્ધાત્મકતાને મજબૂત પ્રોત્સાહન આપશે. પ્રસ્તાવિત સંગઠન માટે કલ્યાણી જૂથ પર તેમણે મૂકેલા વિશ્વાસથી અમે ઉત્સાહિત અને પ્રોત્સાહિત છીએ,” ભારત ફોર્જના વાઇસ ચેરમેન અને જોઈન્ટ એમડી અમિત કલ્યાણીએ જણાવ્યું. કોમ્પલના સીઈઓ ટોની બોનાડેરોએ જણાવ્યું હતું કે ભારતીય બજારમાં કલ્યાણી પાવરટ્રેનનો વ્યાપક અનુભવ સહયોગમાં સહિયારી અસરો પેદા કરશે.
“અમે આ ફક્ત શરૂઆત તરીકે આશા રાખીએ છીએ, ભવિષ્યમાં વધુ આઇ.સી.ટી. સંબંધિત વ્યવસાયિક તકો સાથે મળીને વધુ મૂલ્યનું સર્જન થશે,” બોનાડેરોએ ઉમેર્યું. એક્સ86 પ્લેટફોર્મ એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ્સ (સી.પી.યુ.) માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું કમ્પ્યુટર આર્કિટેક્ચર છે. તે પર્સનલ કમ્પ્યુટર્સ અને સર્વર્સ માટે એક પ્રબળ આર્કિટેક્ચર છે. કે.પી.ટી.એલ. ના ઇલેક્ટ્રોનિક્સ વિભાગે ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના પુણે સ્થિત તેની ઉત્પાદન સુવિધામાંથી ‘મેડ ઇન ઇન્ડિયા’ સર્વર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.