નવી દિલ્હી
ભારત સહિત દુનિયાભરની ચૂંંટણીઓને લઇને કરેલી ટિપ્પણી મેટા (ફેસબુક ફેમ)ના સીઇઓ માર્ક ઝુકરબર્ગને મોંઘી પડી છે. ખોટા નિવેદનના વિરૂધ્ધમાં ભારતની સંસદીય પેનલ મેટા સામે સમન ઇસ્યુ કરશે.
કોમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેકનોલોજીની સ્ટેન્ડીંગ કમીટીના અધ્યક્ષ નિશીકાંત દુબેએ મંગળવારે જણાવ્યું હતું કે મેટાએ ખોટી જાણકારી ફેલાવવા માટે માફી માંગવી જોઇએ. કમીટી આ ખોટી જાણકારીને લઇને મેટાને બોલાવશે.
આના એક દિવસ પહેલા કેન્દ્રીય આઇટી મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે નારાજગી સાથે જણાવ્યું હતું કે ઝકરબર્ગે ખોટા દાવો કર્યો છે કે ગત વર્ષ દુનિયામાં ઉથલપાથલથી ભારત સહિત દુનિયાની સરકારો ચૂંટણીમાં હારી ગઇ હતી તેમણે તથ્યો અને વિશ્વસનીયતાને કાયમ રાખવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે ઝકરબર્ગે જો રોગન પોડકાસ્ટમાં કહ્યું હતું કે 2024માં ભારત સહિત પુરી દુનિયામાં મોટુ ચૂંટણી વર્ષ હતું. આ દરમિયાન મોજુદ સરકારો હારી ગઇ હતી. તેની પાછળ મોંઘવારી આર્થિક નીતિ કે કોરોનાનો સામનો કરવાની પધ્ધતિ જવાબદાર હોઇ શકે છે. વૈષ્ણવે કહ્યું કે મોદીના ત્રીજા કાર્યકાળની જીત ગુડ ગવર્નેન્સ અને જનતાના વિશ્વાસનો પુરાવો છે.