નવી દીલ્હી : ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે 2024 માં એક રોલરકોસ્ટર રાઇડનો અનુભવ કર્યો હતો. આ સેગમેન્ટમાં થતાં રોકાણો ભલે સહેજ જ ઘટ્યાં હોય, પરંતુ આ નાનો ઘટાડો પણ ચિંતાજનક છે. સાથે જ કેટલાંક સ્ટાર્ટ અપ્સ ‘યુનિકોન’ દરજ્જો હાંસલ કરવામાં પણ સફળ રહ્યા જે એક સકારાત્મક પાસું છે.
[યુનિકોર્ન પશ્ચિમની દંતકથાઓનું કાલ્પનિક પ્રાણી છે. તે એક સફેદ ઘોડો છે જેનાં માથે એક શિંગડું હોય છે. કોઉબોય વેન્ચરના સ્થાપક એઇલીન લી આ શબ્દ લાવ્યા હોવાનું મનાય છે. શેર બજાર પર લિસ્ટ થયેલ ન હોય અને જેની વેલ્યુએશન ૧ બિલિયન ડોલર (૧૦૦ કરોડ ડોલર) થતી હોય તેવી કંપનીઓ માટે ‘યુનિકોર્ન’ શબ્દ પ્રયોજાય છે.]
વૈશ્વિક આર્થિક પડકારો છતાં, ભારતના સ્ટાર્ટઅપ્સે નોંધપાત્રપણે ટકી રહેવાની ક્ષમતા દર્શાવી હતી અને સતત બદલાતી બજારની પરિસ્થિતિઓમાં કુનેહપૂર્વક કામ કર્યું હતું અને રોકાણને આકર્ષવાનું જાળવી રાખ્યું હતું.
Tracxnના ડેટા અનુસાર, ભારતીય સ્ટાર્ટઅપ્સે વર્ષ 2024 દરમિયાન કુલ 30.4 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતું, જે વર્ષ 2023માં મેળવેલા 32.5 અબજ ડોલરની સરખામણીએ 6.5 ટકાનો ઘટાડો દર્શાવે છે.
આ ઘટાડા છતાં, ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે આ વર્ષે ઘણી કંપનીઓએ યુનિકોર્નનો દરજ્જો હાંસલ કરીને સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. યુનિકોર્ન ક્લબમાં પ્રવેશ કરનારાઓમાં રેપિડો, એથર, પર્ફિયોસ, પોર્ટર અને મની વ્યુનો સમાવેશ થાય છે, જે આ ક્ષેત્રમાં અવિરત ચાલી રહેલી ક્રાંતિ અને રોકાણકારોના ભરોસાને ઉજાગર કરે છે.
એકંદરે રોકાણકારોનું વલણ સાવધ-છતાં-આશાવાદી અભિગમને પ્રતિબિંબિત કરે છે, કારણ કે આ સેગમેન્ટના રોકાણકારો વૈશ્વિક તકો નજર સમક્ષ રાખી, જ્યાં સલામતી અને ભરોસો તેમજ સારા વળતરની આશા જણાતી હોય ત્યાં રોકાણ કરતાં હોય છે.
વર્ષ દરમ્યાન ‘શરૂઆતના તબક્કામાં જ રોકાણ કરવા’ના વલણમાં વધારો થતો જોવાયો છે. જ્યારે સ્ટાર્ટ અપ શરૂ થયાના અમુક સમયગાળા પછીથી તેમાં થતાં રોકાણોમાં થોડીક ઓટ આવી હોવાનું નોંધાયું છે. જેના ભવિષ્યમાં સારો આશાવાદ હોય તેવાં નવીન ખ્યાલો પર દાવ લગાવવાનો રોકાણકારોનો અભિગમ રહ્યો હોવાનું કહી શકાય.
વર્ષ દરમ્યાનના રોકાણના આંકડાંના અભ્યાસ પરથી કહી શકાય કે, ગીગ ઇકોનોમી (સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રની વચ્ચેની આર્થિક ગતિવિધિઓ), રીટેલ અને ઉદ્યોગસાહસ જેવાં ક્ષેત્રો રોકાણકારોની પસંદ રહ્યા.
ઝેપ્ટો, બ્લિનક્ટીટ અને સ્વિગી ઇનસ્ટામાર્ટ જેવી યુનિકોર્ન કંપનીઓ તેમજ ડુન્ઝો, સ્વીશ અને ફાર્માકો જેવી નવોદિત કંપનીઓ સહિત ૪૦ જેટલી કાર્યરત કંપનીઓ સાથે ‘ક્વિક કોમર્સ’ ક્ષેત્ર રોકાણો આકર્ષવામાં અગ્રેસર રહ્યું.
જુલાઇ મહિનામાં સરકારે સ્ટાર્ટ અપ પરનો એન્જલ ઇન્વેસ્ટર વેરો નાબૂદ કર્યો છે, જેનાથી સ્ટાર્ટ અપ ઇકો-સિસ્ટમને સારો લાભ થયો છે.
ટીયર-૨ અને ટીયર-૩ શહેરોમાં મહિલા ઉદ્યોગસાહસીઓની સંખ્યામાં પ્રોત્સાહક વધારો જોવા મળ્યો છે, જે સ્ટાર્ટ અપ ઇકોનોમી મહાનગરોના સીમાડા પૂરતી સિમિત નહિ હોવાનો પૂરાવો કહી શકાય. અગાઉ જે તકો અંગે વિચાર પણ નહોતો કરાતો તેવી તકો પર નવીન આઇડિયા લાવી, સ્થાનિક પ્રશ્નોના સમાધાન અને સ્થાનિક લોકોને લાભદાયી સવલતો પૂરી પાડતાં આઇડિયા થકી મહિલા ઉદ્યોગસાહસીઓ પોતાના અને સમાજના લાભ માટેની આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરતાં જોવા મળી રહ્યા છે.
આ તમામ સકારાત્મક પાસાં છતાં વૈશ્વિક સ્તરે ડામાડોળ આર્થિક, રાજકીય સ્થિતિ નવાં રોકાણો બાબત ચિંતાજનક છે.