બ્લુ કોલર નોકરીઓ માટેના પ્લેટફોર્મ વર્કઇન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલમાં જાણવમા મળ્યું છે કે, બ્લુ કોલર સેગમેન્ટમાં ૪૦ ટકા કર્મચારીઓએ નોકરીઓ બદલી અને હાલ જે નોકરી કરી રહ્યા છે તેમાંથી ૪૦ ટકા સતત બીજી નોકરીની શોધમાં છે.
આ અહેવાલથી જાણવા મળ્યું છે કે, મોટાભાગના કર્મીઓ સારાં પગારની શોધમાં નોકરી બદલે છે. વર્ક ઇન્ડિયા પ્લેટફોર્મ પરના ઓનલાઇન સર્વેમાં ભાગ લેનાર ૧,૧૦૦ ઉમેદવારોના જવાબોના આધારે સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં ૨૨ ટકા જેટલાં ઉમેદવારોએ નાણાંકીય વળતરને નોકરી બદલવા માટેનું સૌથી મોટું કારણ જણાવ્યું હતું. જ્યારે ૨૦ ટકા ઉમેદવારોએ ‘કારકિર્દીમાં ઉન્નતિ’ને મહત્વનું કારણ ગણાવ્યું છે.
આ અહેવાલમાં જાણવા મળ્યું છે કે, અનુભવ ધરાવતાં કર્મચારીઓ પોતાના માટે સંતોષજનક વેતન તેમજ પોતાની ભૂમિકાની કદર થાય તેવી તકોની શોધમાં રહ્યા છે. સાથે જ, ઊચ્ચ પગારની સંભાવનાઓ અને સારાં લાભ મેળવવા એ નોકરી બદલવાનું પ્રમુખ કારણ હોવા છતાં, મોટાભાગના કર્મચારીઓએ પોતાના નૈતિક મૂલ્યો , કામકાજ અને અંગત જીવન વચ્ચે સમતોલ અને નોકરીદાતા સંસ્થાના માહોલને પણ પ્રાધાન્ય આપ્યું છે.
૪૮ ટકાથી વધુ ઉમેદવારોએ જણાવ્યું હતું કે, નોકરી મેળવ્યા પછી પણ તેમણે નોકરી શોધની એપ્લીકેશન્સ, વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો, જેમાંના ૭૪ ટકા ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ સારી તકની શોધમાં છે. આ આંકડાઓ બતાવે છે કે બ્લુ કોલર કર્મચારીઓમાં સારા નાણાંકીય વેતન અને કારકિર્દીની ઉન્નતિની ઝંખના સૌથી મહત્વપૂર્ણ પ્રોત્સાહન છે. જ્યારે ૧૬ ટકા ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ અન્યો માટે સારી તકો શોધી રહ્યા હતા.
આ સમયે તે પણ નોંધપાત્ર છે કે, યુ.એસ. સ્થિત એક આર્ટિફીશન ઇન્ટેલિજન્સ ક્ષેત્રનું સ્ટાર્ટઅપ ‘ગ્રેપ્ટાઇલ’ ના સહ-સંસ્થાપક દક્ષ ગુપ્તાનું ટ્વીટ હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યું છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, તેઓ પોતાની કંપનીમાં નોકરી માટે આવતાં ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં જ સ્પષ્ટ જણાવી દે છે કે, તેમની કંપનીમાં કામકાજના કલાકો ઘણાં વધુ છે અને સવારે ૯ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી કામ કરવાનું રહે છે, શનિવારે ઓફીસ ચાલુ રહે છે અને ઘણીવાર રવિવારે પણ.
તેમના ટ્વિટને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ઘણાં તેમની આવી શોષણકારી કાર્ય પદ્ધતિની આલોચના કરી રહ્યા છે, તો ઘણાં પારદર્શિતા રાખવા બદલ તેમનાં વખાણ કરી રહ્યા છે. ઘણાં ઉમેદવારોએ પોતાના બાયોડેટા તેમને મોકલ્યા અને નોકરીએ આવવાની તૈયારી બતાવી. જો કે, શ્રી ગુપ્તાએ એમ પણ જણાવ્યું છે કે, આવી પદ્ધતિ કદાચ શરૂઆતમાં લાભદાયી નિવડી જાય, પરંતુ લાંબાગાળે ટકી શકે નહિ.