અમદાવાદમાં બેફામ કાર ચાલકો આતંક વધી ગયો છે. હાઇવે પર ચાલતા અને રાહદારી હવે અસુરક્ષિત અનુભવી રહ્યા છે. વૈભવી કાર લઇને રસ્તે નિકળી પડેલા નબીરાઓનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે ધોળે દિવસે બિન્દાસ અકસ્માતો સર્જીને ભયનો માહોલ સર્જી રહ્યા છે. લોકો હજુ તથ્ય પટેલ અને વિસ્મય શાહની ઘટનાને ભૂલ્યા નથી ત્યાં તો ફરી એકવાર આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચી થી સાત જેટલા વાહનો અડફેટે લઇ રીતસરનો આતંક મચાવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
આજે વહેલી અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલકે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું લાગી રહ્યું હતું. ધડાધડ એક પછી એક વાહનોને અડફેટે લીધા ઓડી કાર રેલીંગ સાથે ટકરાતા રોકાઇ ગઇ હતી. ત્યારબાદ લોકોનું ટોળું એકઠું થઇ જતાં કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી.
બેફામ કાર હંકાવનાર નબીરાનું નામ રીપલ પંચાલ છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે તે નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જયા બાદ તેણે ગાડીમાં બેસીને સિગરેટ પીધી હતી એટલું જ નહી લોકોએ તેને કારમાંથી બહાર કાઢ્યો તો તે સ્પ્રે છાંટતો હતો. કારથી સ્પીડ 100થી વધુ હતી અને તેણે લગભગ 5 થી સાત વાહનો ટક્કર મારી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. અકસ્માત બાદ રીપલ પંચાલને પોલીસ લઇ ગઇ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અકસ્માત સર્જનાર નબીરો રિપલ પંચાલ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું અને બે મહિના પહેલા પણ અમદાવાદ શહેરમાં તેની સામે ડ્રીક એન્ડ ડ્રાઈવનો કેસ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બરના રોજ એસ.જી. હાઈ-વેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાઇક્લિંગ કરી રહેલા બે ડૉક્ટરોને અજાણ્યા કારચાલકે પૂરપાટ ઝડપે આવીને ટક્કર મારી હતી. જોકે, કારચાલક ટક્કર મારીને નાસી ગયો હતો.
આરોપી પોતાની ઓડી કાર લઈને ઈસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો. તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શો રૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી.
ચિક્કાર નશો કરી ટ્રાફિકથી ધમધમતા આંબલી-બોપલ માર્ગ પર અકસ્માત સર્જનાર કારના ચાલકનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે. જે થલતેજ વિસ્તારમાં રહે છે. કારનો ચાલક એટલો બધો નશામાં હતો કે, ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા બાદ પણ કારમાં જ બેસીને સિગારેટના દમ મારતો રહ્યો હતો. અકસ્માતની પોલીસને જાણ થતાં અંતે પોલીસ કારના ચાલકને લઈ ગઈ હતી.
નશો કરી અકસ્માત સર્જનાર રિપલ પંચાલ વાલ્વ બનાવતી કંપનીનો માલિક છે. ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં સેનકો વાલ્વ પ્રા. લિમિટેડ નામની કંપની ધરાવે છે.નશાની હાલતમાં ઓડી કાર પૂરઝડપે ચલાવી અકસ્માત સર્જનાર રિપલ પંચાલને દારૂની લત છોડાવવા માટે બે વખત રિહેબ સેન્ટરમાં લઈ જવાયો હતો તેમ છતાં તેની લત છૂટી ન હોવાનું જાણવા મળ્યું છે. રિપલના પિતાના અવસાન બાદ તે તેના માતા સાથે રહે છે.
નશો કરેલી હાલતમાં ઓડી કાર ચલાવી એક બાદ એક ચાર પાંચ વાહનોને અડફેટે લેનાર રિપલ પંચાલને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં જ જ્યારે રિપલને એક્સિડન્ટ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે થોથવાતા સ્વરે કહ્યું હતું કે, મેં ક્યાં એક્સિડન્ટ કર્યું છે?, મેં કોઈ વાહનને ટક્કર મારી નથી. મેં કોઈ નશો કર્યો નથી. મેં દારૂ પીધો જ નથી. ઘટના અંગે કહ્યું હતું કે, મને દુખ છે પણ જે હશે તે મારો વકીલ જવાબ આપશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે અકસ્માતમાં કોઈનો જીવ ગયો હતો તો?, તેના જવાબમાં રિપલે નફ્ફટાઈથી કહ્યું હતું કે, ક્યાં કંઈ થયું?