અમદાવાદમાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ વધુ એક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં દીપક દશરથભાઈ પટેલ નામના વ્યક્તિને બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
આ ઘટના અમદાવાદના બોપલ વિસ્તારના ગરોડિયા ગામની સીમમાં બની હતી. જ્યાં લગભગ બે મહિના પહેલાં જ અમેરિકાથી આવેલા એનઆરઆઈ દીપક દશરથભાઈ પટેલને બોથડ પદાર્થ દ્વારા એક પછી એક ઘા કરી મારી નાખવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન એફએસએલની ટીમને પણ પુરાવા એકઠા કરવા બોલાવી લેવામાં આવી હતી.
દીપક પટેલ બે મહિના પહેલા જ અમેરિકાથી આવ્યા હતા અને ચાલુ મહિને તેઓ ફરી અમેરિકા રવાના થવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે તેમની હત્યા કોણે અને કેમ કરવામાં આવી છે તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી અને પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.