ગુજરાતમાં ટુ-વ્હીલર ચાલકોમાં જાણે હેલ્મેટ પહેરવાની જાણે જરુરિયાત જ ન હોય તે રીતે લોકો હેલ્મેટ વગર જ ફરે છે. આ દૃશ્યો ગુજરાત હાઈકોર્ટના નજરે આવતા ગુનેગારો વિરૂદ્ધ લાલ આંખ પણ કરવામાં આવી હતી અને ફરજિયાત હેલ્મેટના નિયમનું પાલન થાય તે માટે પોલીસને પણ સજાગ કરવામાં આવી. કમિશનરના જાહેરનામા બાદ પણ ખુલ્લેઆમ હેલ્મેટ વગર ફરતા લોકો વિરૂદ્ધ હવે RTOની કડક કાર્યવાહી શરુ થઈ છે અને બે કે તેથી વધુ વખત હેલ્મેટ વિના પકડાતા ચાલકોને નોટિસ ફટકારી લાયસન્સ સસપેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
અમદાવાદ RTO અધિકારી જે. જે. પટેલ સાથે વાત કરતા જાણવા મળ્યું કે, દિવાળી પહેલા જ એટલે કે ઓક્ટોબર મહિનાના અંતમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા RTO કચેરીને લગભગ 3 હજાર જેટલા વાહનચાલકોનો ડેટા આપવામાં આવ્યો છે. જેમાં વિવિધ કારણોસર તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોના ડેટા છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિનાના લોકો પહેલી વાર જ્યારે પકડાય છે ત્યારે તેને મેમો આપવામાં આવે છે અને જો બે કે તેથી વધુ વખત એક જ ગુનામાં એટલે કે હેલ્મેટ વિના પકડાશે તો અમદાવાદ RTOને તેમનું લાયસન્સ રદ કરવા ટ્રાફિક પોલીસ જણાવશે અને RTO કચેરી તરફથી વાહન ચાલકના ઘરે નોટિસ આવી શકે છે. અત્યાર સુધીમાં 750 લોકોને હેલ્મેટ વિના વાહન ચલાવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. આ ચાલકોના લાયસન્સ સસપેન્ડ કરવાની કાર્યવાહી આ મહિનાના અંત સુધીમાં પૂરી કરાશે અને ડિસેમ્બરના અંત સુધીમાં આ તમામ કેસોની કાર્યવાહી પૂર્ણ થશે.